આજે ગાંધીનગરમા કેબિનેટ બેઠકમાં થશે પેટાચૂંટણીના પરિણામ અને મતદાનની પેટર્ન પર ચર્ચા

આજે ગાંધીનગરમા કેબિનેટ બેઠકમાં થશે પેટાચૂંટણીના પરિણામ અને મતદાનની પેટર્ન પર ચર્ચા
  • ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું. જેમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 74.71 ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું ધારી બેઠક પર 45.74 ટકા મતદાન થયું હતું.

ઝી મીડિયા/બ્યૂરો :મંગળવારે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (Byelection) યોજાઈ હતી. જેની મતગણતરી 10 નવેમ્બરે હાથ ધરાશે. ત્યારે તમામ મતદાન કેન્દ્રો પરથી ઈવીએમ (EVM) લઈને તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈવીએમને મૂકવામાં આવ્યા છે. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટની બેઠક શરૂ થઈ છે. જેમાં આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામોની સંભાવના અને મતદાનની પેટર્ન પર રાજકીય ચર્ચા થશે. તેમજ મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરાશે. આ ઉપરાંત ખેડૂતોને અતિવૃષ્ટીમાં સહાય ચૂકવવા અંગે અન્ય જિલ્લાઓની અને તાલુકાઓને સામેલ કરવા સંદર્ભે પણ મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય છે. પેટાચૂંટણીની આચાર સંહિતા પૂરી થતાની સાથે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાના બાકી છે તે તમામ નિર્ણયો સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરી શકાય છે. 

આ પણ વાંચો : 99.9% કોરોના વાયરસ મરી શકે તેવી પ્રોસેસ વિકસાવી 2 અમદાવાદી યુવકોએ 

ધારી બેઠકના ઈવીએમ યોગી કોલેજમાં રખાયા 
ધારી બેઠકના ઉમેદવારના ભવિષ્ય ઇવીએમમાં સીલ કરાયા છે. તમામ ઇવીએમ યોગી કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. સ્ટ્રોંગ રૂમ પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. સીઆઇએસએફ તથા પોલીસનો સ્ટાફ ખડે પગે મૂકાયો છે. સીસીટીવી મારફતે સમગ્ર સ્ટ્રોગ રૂમનું ઓનલાઇન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ જો કોઇ ઉમેદવારને ગરબડીની આશંકા લાગે તો ચૂંટણી એજન્ટ અધિકારી સાથે તે સ્ટ્રોગ રૂમની મુલાકાત કરી શકે છે. 10 તારીખે સવારે આઠ કલાકે અહી મત ગણતરી હાથ ધરાશે. 

કરજણના EVM અને VVPAT મશીન સ્ટ્રોંગ રૂમમાં મૂકાયા 
તો આ વખતે પેટાચૂંટણીમા વિવાદાસ્પદ બનેલી કરજણ વિધાનસભા પેટાચૂંટણીની મતપેટી પોલિટેકનિક કોલેજ ખાતે સીલ કરાઈ છે. પોલિટેકનિક કોલેજ ખાતે તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. 311 બૂથના EVM અને VVPAT મશીન સ્ટ્રોંગ રૂમમાં મૂકાયા છે. સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો તમામ જગ્યાઓએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. માહોલ જોવા સ્ક્રીન પણ મૂકાઈ છે. 

આ પણ વાંચો : IPL મેચમાં કોણ અનુષ્કાની આટલી સુંદર તસવીરો ક્લિક કરી રહ્યું હતું?

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું. જેમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 74.71 ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું ધારી બેઠક પર 45.74 ટકા મતદાન થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news