અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર ચૂંટણીના ભણકારા, સીધો ફાયદો ભાજપને થશે

અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર ચૂંટણીના ભણકારા, સીધો ફાયદો ભાજપને થશે
  • ભાજપ પાસે હાલ વિધાનસભામાં 111 ધારાસભ્યો સાથેનું પૂર્ણ બહુમત છે.
  • તેવા સંજોગોમાં ચૂંટણી આવતા જ આ બેઠક સીધી ભાજપને મળશે.
  • કોઈ પણ તડજોડ વગર ભાજપ આ બેઠક જીતી જશે

બ્રિજેશ દોશી/ગાંધીનગર :કોંગ્રેસના સાંસદ અહમદ પટેલ (Ahmed patel) ના નિધનથી ખાલી પડેલી બેઠક પર આગામી મહિને ચૂંટણીઓ યોજાઈ શકે છે. ડિસેમ્બર મહિનામાં પેટાચૂંટણી જાહેર થઈ શકે છે. જો હાલ ચૂંટણી યોજાય તો ભાજપને આ બેઠક મળે તેવી પૂરી શક્યતાઓ છે. ભાજપ પાસે હાલ વિધાનસભામાં 111 ધારાસભ્યો સાથેનું પૂર્ણ બહુમત છે. તેવા સંજોગોમાં ચૂંટણી આવતા જ આ બેઠક સીધી ભાજપને મળશે. કોઈ પણ તડજોડ વગર ભાજપ આ બેઠક જીતી જશે. આ પહેલા પણ વર્ષ 2016માં કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના નિધનથી બેઠક ખાલી પડી હતી. જેમાં ભાજપે પોતાના દિગગજ નેતા પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલ્યા હતાં. તે જ રીતે આ વખતે પણ ભાજપ કોઈ જુના જોગીને આ પેટાચૂંટણીમાં ઉતારી શકે છે. વર્ષ 2016 થી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ રસાકસીભરી બની રહી છે. ત્યારે આ વખતની પેટા ચૂંટણીની બેઠક કોઈપણ ઉતાર-ચઢાવ વગર ભાજપને મળી શકે છે.

આ પણ વાંચો : એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ

ભાજપ ફરી બળવંતસિંહ રાજપૂત પર દાવ ખેલી શકે છે 
વર્ષ 2017માં જ વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થયો હતો. તે વખતે તેમની સામે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને ભાજપે ટિકિટ આપી હતી. જો કે ચૂંટણી હાર્યા બાદ રાજપૂતે અહમદ પટેલની જીતને કોર્ટમાં પડકારી હતી અને હજુ પણ આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એકવાર બળવંતસિંહ રાજપૂતને બાકીની ટર્મ માટેની પેટાચૂંટણીમાં ઉતારી શકે છે.

(ભાજપ ફરી એકવાર બળવંતસિંહ રાજપૂતને બાકીની ટર્મ માટેની પેટાચૂંટણીમાં ઉતારી શકે છે)

કોંગ્રેસ આ બેઠક સાચવી શકે તેમ નથી 
કોંગ્રેસ પાસે ફક્ત 65 ધારાસભ્યો છે, તેવા સંજોગોમાં કોંગ્રેસ આ બેઠક જાળવી શકે તેમ નથી. જો ભાજપ કોઈ ઉમેદવાર ન ઉતારે તો જ આ બેઠક કોંગ્રેસને મળે તેમ છે. પણ ભાજપની રાજ્યસભા બેઠકો માટેની રણનીતિ જોતા ભાજપ આસાનીથી મળી રહેલી આ બેઠક જવા દે તેવા કોઈ સંજોગો દેખાતા નથી.

ભાજપ એકલા હાથે રાજ્યસભામાં બહુમતી મેળવવા માંગે છે
ભાજપ પાસે રાજ્યસભામાં હાલ 93 બેઠકો છે અને સૌથી મોટો પક્ષ છે. ભાજપ એકલા હાથે રાજ્યસભામાં બહુમતી મેળવવા માંગે છે અને એટલે જ એક-એક બેઠક માટે એડીચોટીનું જોર લગાવે છે. રાજ્યસભામાં ભાજપને બહુમતી મળે તો અન્ય પક્ષો પરનો આધાર ઘટે અને પોતાના એજન્ડા, વચનો અનુસારના કાયદા પસાર કરાવવામાં સરળતા રહે. 

આમ ગુજરાતની વધુ એક રાજ્યસભા બેઠક ભાજપને મળવાનું નિશ્ચિત છે. હાલ ગુજરાતની 11 બેઠકમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 3 બેઠક છે. 1 બેઠક હાલ ખાલી છે. જેની ચૂંટણી થોડા દિવસોમાં જાહેર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news