ધોધમાર વરસાદ પડવાથી ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત! આ વિસ્તારોમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ
ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાના અનેક ગામ જળમગ્ન જોવા મળ્યા હતા. જુઓ દક્ષિણના વરસાદ પર આ ખાસ અહેવાલ. નવસારી જિલ્લાના જલાલપોરમાં જ્યાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે.
Trending Photos
Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. વલસાડમાં વરસાદને કારણે હાલ બેહાલ છે. તો નવસારીમાં પણ વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાના અનેક ગામ જળમગ્ન જોવા મળ્યા હતા. જુઓ દક્ષિણના વરસાદ પર આ ખાસ અહેવાલ. નવસારી જિલ્લાના જલાલપોરમાં જ્યાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે.
જલાલપોરના ખરસાળ ગામમાં ભારે વરસાદથી ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ગામમાં પાણી ફરી વળતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો નવસારીમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓનું જળસ્તર વધી ગયું છે. ગણદેવી તાલુકાની કાવેરી નદી 11 ફૂટ સુધી પહોંચી ગઈ છે.
- વલસાડ બાદ નવસારીમાં પણ ધોધમાર વરસાદ
- ધમાકેદાર વરસાદથી વાહન વ્યવહાર થયો બંધ
- અનેક નદીઓમાં આવ્યા નવા નીર
- ભારે વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત
તો ચીખલીના રિવરફ્રન્ટ ખાતે કાવેરી નદીના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. તડકેશ્વર મહાદેવની નિશ્રામાં વહેતી કાવેરી નદીના અદભુત દ્રશ્યો પણ જોવા મળ્યા છે. કોઝવે ઓવરફ્લો થવાના કારણે કાવેરી નદીની સુંદરતા જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. બીજી તરફ નદીમાં જળસ્તર વધતાં બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉમરગામમાં પણ સાંબેલાધાર વરસાદને કારણે ધંધા રોજગારને પણ અસર પહોંચી છે.
ઉમરગામ GIDCમાં આવેલી અનેક કંપનીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના કારણે કર્મચારીઓ આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. GIDC વિસ્તારમાં આવતા વાહન ચાલકો પણ અટવાયા હતા. નવસારીમાં મેઘરાજાએ કેવો તાંડવ મચાવ્યો છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. જલાલપુરના ખરસાડ ગામે ખાડીનું પાણી ફરી વળતાં અનેક ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાડીનું પાણી ફરી વળતાં 5 ફળિયામાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ગામના લોકોને પુરને કારણે પાણી વચ્ચે રહેવાનો વારો આવ્યો છે.
ખરસાડ ગામે પુરને કારણે ગામ લોકોની સ્થિતિ એટલી વિકટ બની છે કે, અનેક ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. લોકો તંત્રના પાપે આવી સ્થિતિ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ખાડીમાં સફાઈ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાડીની યોગ્ય સફાઈ ન થતાં પાણી ભરાઈ રહ્યું છે. અને જ પાણીને કારણે લોકોને મહામુશ્કેલીને વેઠવાનો વારો આવ્યો છે. ખાડીની સફાઈ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
- દક્ષિણમાં દે ધનાધન
- વરસ્યો વરસાદ અને આવી આફત
- ગામ અને ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી
- ઘરવખરી પલળી અને લોકોમાં રોષ
- ખાડીની સફાઈના અભાવે ગામમાં પુર
- ભારે વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત
તાપી જિલ્લામાં પણ મેઘમહેરથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. વ્યારામાં ભારે વરસાદ બાદ મીંઢોળા નદીમાં નવા નીરની આવક થઈ છે. મીંઢોળા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકથી થતાં લોકો ખુશખુશાલ થઈ ગયા છે. ખાસ ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો છે કારણ કે કાંઠા વિસ્તારમાં અનેક ખેડૂતો નદીના પાણીથી ખેતી કરે છે. નદીમાં પાણીની આવક થતાં આગામી સમયમાં પાકને પુરતુ પાણી મળી રહેશે.
દક્ષિણ ગુજરાતમાં વરસેલો આ વરસાદ ક્યાંક આફત તો ક્યાંક આનંદ લઈને આવ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે