પલ્લી પરંપરા અતૂટ: રાજ્ય સરકારની મનાઇ છતાં રૂપાલમાં મોડી રાતે યોજાઈ પલ્લી

ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી

પલ્લી પરંપરા અતૂટ: રાજ્ય સરકારની મનાઇ છતાં રૂપાલમાં મોડી રાતે યોજાઈ પલ્લી

ગૌરવ પટેલ/ ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી. તેવા સમયે વરદાયિની માતાજીની પલ્લી રૂપાલ ગામમાં કોરોના કહેર વચ્ચે પણ અતુલ રહી હતી. માત્ર ગામમાં ઘીની નદી જોવા મળી ન હતી. પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. જ્યારે રાજ્યના મહેસુલ અગ્ર સચિવ પંકજકુમાર અને તેમના પત્નીએ પલ્લી નીકળે તે પહેલા પલ્લીના દર્શન કર્યા હતા. રૂપાલમાં માત્ર ઘીની નદીઓ ના વહી, પલ્લીની પરંપરા અતૂટ રહી હતી.

ગત વર્ષે પલ્લી 3 વાગ્યે નીકળી હતી. ત્યારે આ વર્ષે 12 વાગ્યે મંદિરે પહોંચી ગઈ હતી. સામન્ય રીતે પલ્લી બનાવવાની કામગીરી માતાજીની રજા મળ્યા બાદ શરૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના અને સરકારની મંજૂરી ન હોવાના કારણે પલ્લીને સાંકડી જગ્યામાં મંદિર આગળ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે પલ્લી બનાવવાની કામગીરી વહેલી શરૂ થઈ હતી અને 12 વાગ્યા પહેલા જ વરદાયિની માતાના મંદિર પરિસરમાં પહોંચી ગઈ હતી. ચાલુ વર્ષે રૂપાલ ગામના રસ્તા કોરા રહ્યા હતા. સામન્ય રીતે ગામમાં આવેલા 27 ચકલા ઉપર માતાજીની પલ્લી થોડા સમય માટે રોકવામાં આવે છે. જ્યાં લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.

પરંતુ કોરોના મહામારી વચ્ચે પલ્લીને સીધી જ મંદિર પરિસરમાં લઇ જવામાં આવી હતી. પરિણામે રૂપાલ ગામના રસ્તા ઉપર ઘીની નદીઓ જોવા મળી ન હતી અને રસ્તાઓ કોરા રહ્યા હતા. ગામમાં પ્રવેશતા તમામ દ્વાર ઉપર લોખંડી પોલીસ પહેરો ગોઠવાયો હતા. પલ્લીના દર્શનાર્થે લોકો આવે નહીં તે માટે ગામમાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. બેરીકેટ લગાવીને લોકોની પૂછપરછ કરવામાં આવતી હતી. પરિણામે બહારથી આવતા લોકો ઉપર પોલીસ કંડ્રોલ મેળવી શકી હતી.

વરદાયિની માતાજીની આસ્થા અકબંધ રહી હતી. રૂપાલ ગામમાં પાંડવો દ્વારા પલ્લી શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે પલ્લી કાઢવાનું ચૂકી જાય તો ગામના લોકો હેરા પરેશાન થઈ જાય તેવી લોકવાયકા સાંભળવા મળી રહી છે. તેવા સમયે કોરોના મહામારી વચ્ચે પણ માતાજીની પલ્લીની પરંપરા જળવાઈ રહી હતી. ત્યારે ગ્રામજનો પણ માતાજીની આસ્થા અકબંધ રહી હોય તેમનો સત અકબંધ છે તેવું સ્થાનિકોના મોઢે સાંભળવા મળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news