શાકભાજી વેચીને પેટિયુ રળતી 3 મહિલાઓને અજાણ્યા વાહને અડફેટે લીધી, ઝઘડિયા બન્યું લોહિયાળ

વહેલી સવારે એક અજાણ્યા વાહને શાકભાજી વેચતી મહિલાઓને અડફેટે લીધી હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણ મહિલાઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો સાથે જ એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

Updated By: Oct 28, 2020, 10:51 AM IST
શાકભાજી વેચીને પેટિયુ રળતી 3 મહિલાઓને અજાણ્યા વાહને અડફેટે લીધી, ઝઘડિયા બન્યું લોહિયાળ

ભરત ચૂડાસમા/ભરૂચ :ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે વહેલી સવારમાં એક અજાણ્યા વાહન ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ મહિલાઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. તો એક પુરુષની હાલત ગંભીર છે. આ અકસ્માત (accident) બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. એક સાથે ત્રણના મોતથી સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટનામાં પોલીસે અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. 

આ પણ વાંચો : CM રૂપાણીના ઘરેથી આવેલા એક ફોનથી ગરીબ બ્રાહ્મણની જિંદગી બદલાઈ ગઈ

શાકભાજી વેચનાર 3 મહિલાના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી મંદિરના રોડ પર શાકભાજી માર્કેટ ભરાય છે. અહીં ઉંચેડિયા ગામની મહિલાઓ શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે. રોડની બંને બાજુ શાકભાજીની લારીઓ વહેલી સવારથી લાગી જાય છે. ત્યારે આજે વહેલી સવારે એક અજાણ્યા વાહને શાકભાજી વેચતી મહિલાઓને અડફેટે લીધી હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણ મહિલાઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો સાથે જ એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 

આ પણ વાંચો : ‘મન્નત’ બંગલા વિશે ચાહકે સવાલ પૂછતા જ જોવા જેવી થઈ શાહરૂખની હાલત 

અકસ્માત બાદ સ્થાનિકોનો રોષ
અકસ્માત બાદ પોલીસ પણ દોડતી થઈ હતી. ઝઘડિયા પોલીસે અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રોડ ઉપર બમ્પર ન હોવાથી બમ્પર બનાવવાની માંગ સાથે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો. બમ્પર ન હોવાથી અહી વારંવાર અકસ્માત થાય છે અને લોકોના જીવ જોખમાય છે. ગુમાનદેવ નજીક રોડ પર મૃતદેહો મૂકી લોકોએ તાત્કાલિક બમ્પર બનાવવાની માંગણી કરી હતી. 

jhagadia_accident_zee2.jpg

સીસીટીવી ન બતાવતા મંદિરના મહારાજની ધોલાઈ કરી
જે સ્થળ પર અકસ્માત થયો હતો તે ગુમાનદેવ મંદિરની બહાર સીસીટીવી કેમેરા લાગ્યા હતા. ત્યારે સ્થાનિકોએ મંદિરના મહારાજને સીસીટીવી બતાવવા માંગણી કરી હતી, જેથી કઈ ગાડી અને કયા ચાલકે અકસ્માત સર્જયો તે જાણી શકાય. પરંતુ મહારાજે લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને સીસીટીવી બતાવવાની ના પાડી હતી. મંદિરના સીસીટીવી કેમેરા ચાલતા ન હોવાનું મહારાજે જણાવતા લોકોનું ટોળુ ઉશ્કેરાયું હતું. તેથી મદદ ન કરતા મહારાજને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. એકત્રિત થયેલી મહિલાઓએ ધક્કા મુક્કી કરી મંદિરના મહારાજને બહાર લઈ આવી હતી. અને તેમની જાહેરમાં ધોલાઈ કરી.