ડોક્ટર હડતાળઃ હાઈકોર્ટે મમતાને આપ્યું 7 દિવસનું અલ્ટીમેટમ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું, પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટર અને રાજ્ય સરકાર વચ્ચે છેલ્લા 3 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે અને ડોક્ટરો હડતાળ પર ઉતરેલા છે, પ.બંગાળના ડોક્ટરોના સમર્થનમાં આજે દેશભરમાં ઠેર-ઠેર ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકારોને આ મુદ્દે મધ્યસ્થી કરવા સુચન કર્યું હતું 

ડોક્ટર હડતાળઃ હાઈકોર્ટે મમતાને આપ્યું 7 દિવસનું અલ્ટીમેટમ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું, પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટર અને રાજ્ય સરકાર વચ્ચે છેલ્લા 3 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે અને ડોક્ટરો હડતાળ પર ઉતરેલા છે, પ.બંગાળના ડોક્ટરોના સમર્થનમાં આજે દેશભરમાં ઠેર-ઠેર ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકારોને આ મુદ્દે મધ્યસ્થી કરવા સુચન કર્યું હતું. આજે દેશના 12 કરતાં વધુ રાજ્યોમાં ડોક્ટરો હડતાળ પર છે. પશ્ચિમ બંગાળની હાઈકોર્ટે મમતા બેનરજીને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે તો ડોક્ટરોએ પણ મમતા બેનરજીને આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવવા માટે અપીલ કરી છે. 

કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે એક અરજીની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, તેઓ 7 દિવસના અંદર ડોક્ટરો સાથે વાટાઘાટો કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એવું પણ પુછ્યું છે કે, સરકારે ડોક્ટરોની સુરક્ષા માટે કેવા-કેવા પગલા લીધા છે. હાઈકોર્ટે સરકારને ડોક્ટરો સાથે થયેલી મારામારીની ઘટના અંગે પોલીસ કાર્યવાહીની વિગતો પણ આપવા જણાવ્યું છે. 

હવે ડોક્ટરોની હડતાળની સામે કોલકાતા હાઈકોર્ટમાં ગુરૂવારે એક અરજી કરવામાં આવી હતી. તેમણે અરજીમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની સાથે જ રાજ્યમાં તાત્કાલિક ધોરણે દર્દીઓને તબીબી સુવિધા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. આ અરજી પર શુક્રવારે મુખ્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. 

અરજી કરનારા ડોક્ટર કુણાલ સાહાના વકીલ શ્રીકાંત દત્તે જણાવ્યું કે, ગત 10 જુનના રોજ કોલકાતાની નીલ રતન સરકારી હોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પછી બે ડોકટ્રોને તેમના પરિજનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પછી, એનઆરએસ હોસ્પિટલના ડોક્ટરને ઘાયલ સ્થિતિમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેના વિરોધમાં આ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે અનેક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

— ANI (@ANI) June 14, 2019

કેન્દ્રીય આરોગ્યમંત્રીની મમતાને અપીલ 
પશ્ચિમ બંગાળમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરોના સમર્થનમાં આજે દેશભરમાં હજારો ડોક્ટરોએ પ્રતિક હડતાળ પાડી છે. દિલ્હીની એઈમ્સના ડોક્ટરોનું એક પ્રતિનિધિંમડળ શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને મળ્યું હતું અને કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. ડો. હર્ષ વર્ધને ડોક્ટરોની સુરક્ષા અને કામકાજનો સારો માહોલ પુરો પાડવાની ખાતરી આપી હતી. 

— ANI (@ANI) June 14, 2019

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને મમતા બેનરજીને ટ્વીટ કરીને અપીલ કરી કે, "પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દાને પ્રતિષ્ઠાનો સવાલ ન બનાવે. અત્યંત ખરાબ રીતે માર ખાધા પછી પણ ડોક્ટરો માત્ર પુરતી સુરક્ષાની ખાતરી માગી રહ્યા છે અને સાથે જ જેમણે આમ કર્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે કાર્યવાહી કરવાને બદલે ડોક્ટરોને ધમકી આપી છે. જેના કારણે પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ દેશભરના ડોક્ટરો ગુસ્સે ભરાયા છે અને હડતાળ પર ઉતરી ગયા છે. જો મુખ્યમંત્રી તેમનો વ્યવહાર બદલી નાખે તો દેશભરના દર્દીઓને સહન નહીં કરવું પડે."

Appeal to Mamata Banerjee to not make this a prestige issue: Health Minister Dr Harsh Vardhan on doctors' stir

ડોક્ટરોની હડતાળના કારણે પશ્ચિમ બંગાળમાં અનેક સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોની હોસ્પિટલોમાં ત્રીજા દિવસે પણ તાત્કાલિક સારવાર, ઓપીડી સેવાઓ, પેથોલોજિકલ એકમો બંધ રહ્યા હતા. સાથે જ ખાનગી હોસ્પિટલોએ પણ તેમના સમર્થનમાં તબીબી સેવાઓ બંધ રાખી હતી. ડોક્ટરો કોલકાતામાં એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પછી ભીડ દ્વારા પોતાના સાથી કર્મચારીઓ પર કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને પ્રદર્શન કરી રહ્યા છે. 

ભારતીય તબીબી સંઘ(IMA) એ ઘટનાના વિરુદ્ધ તથા હડતાળિયા ડોક્ટરો પ્રત્યે સમર્થન દેખાડવા માટે શુક્રવારે 'અખિલ ભારતીય વિરોધ દિવસ' જાહેર કર્યો છે. આ દરમિયાન એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ સાયબલ મુખરજી તથા તબીબી અધીક્ષક અને નાયબ પ્રિન્સિપલ પ્રો. સૌરભ ચટ્ટોપાધ્યાયે સંસ્થાના સંકટનો ઉકેલ દૂર કરવામાં નિષ્ફળ રહવાના કારણે રાજીનામું આપી દીધું છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news