કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCને હવે શરદ પવારે મારી લપડાક, જાણો શું કહ્યું?
. એનસીપી ચીફે કહ્યું કે મુંબઇમાં આવી અનેક ગેરકાયદેસર ઈમારતો છે. આવામાં બીએમસીના અધિકારીઓએ આવો નિર્ણય કેમ લીધો? એ જોવાની જરૂર છે.
Trending Photos
મુંબઇ: કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ બીએમસી (BMC) એ જે કાર્યવાહી કરી ત્યારબાદ બીએમસી અને શિવસેના (Shivsena) ની સાથે મહારાષ્ટ્ર સરકાર ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. જો કે આ મામલે હવે તેમના દાવ ઊંધા પડી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ઉપરાંત વિરોધ પક્ષ ભારત અને સોશિયલ મીડિયા ઉપર પણ શિવસેના, બીએમસી અને મહારાષ્ટ્ર સરકાર લોકોના નિશાના પર આવી ગયા છે. એટલું જ નહીં સત્તાધારી ગઠબંધનના ભાગીદાર એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. પવારે કંગનાની મુંબઇ ખાતેની ઓફિસ પર બુલડોઝર ચલાવાયા બાદ આકરી પ્રતિક્રિયા આપતા તેને બિલકુલ બિનજરૂરી કાર્યવાહી ગણાવી છે.
અત્રે જણાવવાનું કે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના સરકાર વચ્ચેનું શાબ્દિક યુદ્ધ આજે ચરમસીમાએ પહોંચી ગયું અને અભિનેત્રીની ઓફિસમાં તોડફોડ થઈ. કંગનાની બાન્દ્રા ખાતેની ઓફિસે બીએમસીના અધિકારીઓ જેસીબી લઈને પહોંચી ગયા. ગેરકાયદેસર બાંધકામના આરોપમાં એક્શન લેતા બીએમસીએ કંગનાની ઓફિસની બિલ્ડિંગ તોડવાનું શરૂ કર્યું. ડિમોલિશનની આ કાર્યવાહી પર વિપક્ષ ભાજપે શિવસેના પર આકરા પ્રહારો કર્યાં. સોશિયલ મીડિયા ઉપર પણ ઉદ્ધવ ઠાકરે સરકારની આકરી ટીકા થઈ.
બીએમસીની કાર્યવાહી બિનજરૂરી ગણાવી
આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારને તેમના જ ભાગીદાર શરદ પવારનો પણ સાથ ન મળ્યો. પવારે આજે બીએમસીની આ કાર્યવાહીને બિલકુલ બિનજરૂરી ગણાવી. એનસીપી ચીફે કહ્યું કે મુંબઇમાં આવી અનેક ગેરકાયદેસર ઈમારતો છે. આવામાં બીએમસીના અધિકારીઓએ આવો નિર્ણય કેમ લીધો? એ જોવાની જરૂર છે. તેમણે કહ્યું કે બીએમસીની કાર્યવાહીએ બિનજરૂરી રીતે લોકોને તક આપી કે તેઓ તેના પર બોલે. શરદ પવારની આ ટિપ્પણીથી ઠાકરે સરકાર મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
અત્રે જણાવવાનું કે બીએમસી પર શિવસેનાનો કબ્જો છે. આ ઉપરાંત રાજ્યમાં પણ પાર્ટી સત્તામાં છે. તાજેતરમાં શિવસેના નેતા સંજય રાઉત અને કંગના રનૌત વચ્ચેનું શાબ્દિક યુદ્ધ રાજકીય ઘમાસાણમાં ફેરવાઈ ગયું. કંગનાએ મુંબઇને પીઓકે ગણાવતા અસુરક્ષિત હોવાની વાત કરી તો હિમાચલ પ્રદેશ સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે તેમને વાય શ્રેણીની સુરક્ષા આપી દીધી.
મુંબઇ પહોંચી ગઈ કંગના
જોકે ભારે હોબાળા વચ્ચે કંગના આજે મુંબઇ પહોંચી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે કંગના એરપોર્ટથી સીધી પોતાની ઓફિસ જવા રવાના થઈ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે