કોરોના વેક્સીનના રજિસ્ટ્રેશન માટે ફોન આવે તો આધાર કાર્ડ નંબર આપતા ચેતજો, નહિ તો...

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પ્રજાજનોને અપીલ કરી છે કે, કોરોના વેક્સીનેશનનું રજિસ્ટ્રેશન ફોન પર કરાતું નથી એટલે આવા ફોન આવે ત્યારે તમારી બેન્કિંગ, આધારકાર્ડ કે અન્ય વિગતો ન આપવી હિતાવત છે

કોરોના વેક્સીનના રજિસ્ટ્રેશન માટે ફોન આવે તો આધાર કાર્ડ નંબર આપતા ચેતજો, નહિ તો...

મૌલિક ધામેચા / અમદાવાદ :હાલમાં કોરોના સામે લડવા વેક્સીનેશન કરવા માટે ડોર ટુ ડોર કોન્ટેક્ટ કરીને નામ નોંધણી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ 50 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો સ્વસ્થ છે કે અન્ય બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારી હોય તો તેની પ્રાથમિકતા જોઈ વેક્સીન આપવા માટે નામની નોંધણી કરી રહ્યું છે. જોકે ફ્રોડસ્ટર માટે હવે કોરોના વેક્સીન કરવા માટે નામ નોંધણી કરાવવા ફોન આવવાના શરૂ થયા છે. ત્યારે કોરોના વેક્સીનનો ફોન આવે તો આધારકાર્ડ નંબર નથી આપવાનો. કારણકે ઠગ ટોળકી આધાર કાર્ડ નંબર પછી OTP મેળવી ઠગાઇ કરી શકે છે. 

અત્યાર સુધી તો કોરોના વેક્સીનેશન રજિસ્ટ્રેશન નામે ચિટીંગ થયાનો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો નથી. પરંતુ આ પ્રકારે ઇ-ચિટીંગ થઈ શકે છે. જેથી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પ્રજાજનોને અપીલ કરી છે કે, કોરોના વેક્સીનેશનનું રજિસ્ટ્રેશન ફોન પર કરાતું નથી એટલે આવા ફોન આવે ત્યારે તમારી બેન્કિંગ, આધારકાર્ડ કે અન્ય વિગતો ન આપવી હિતાવત છે. સાથે જ સોશિયલ મીડિયા મારફતે પણ આ બાબતે નાગરિકોને જાગૃત કરવા માટે સાયબર એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને કેટલાક સાયબર એનજીઓ દ્વારા પણ આવા રોગથી બચવા માટે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જલ્દી જ વેક્સીનેશન શરૂ થઈ જશે. આ માટે હાલ ડોર ટુ ડોર સરવે કરાવવામાં આવી રહ્યો છે. જેમાં લોકોના નામ રજિસ્ટ્રેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સર્વે પૂર્ણ કરી ડેટા એન્ટ્રી સાથે યાદી સરકારમાં મોકલાશે. સર્વેમાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી નીચે એમ બે જુદી જુદી યાદી તૈયાર કરાઈ રહી છે. 50 વર્ષથી ઓછી ઉંમરમાં ક્રોનિક ડિસીઝ હોય તેવા વ્યક્તિઓની અલગ યાદી તૈયાર કરાશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે. બીજા તબક્કામાં અન્ય લોકોને રસી આપવાનું આયોજન છે. 

Trending news

Powered by Tomorrow.io