હવે નહિ રડાવે ડુંગળી, આવ્યા છે ભાવનગરથી સારા સમાચાર
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર :થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકોને રડાવી રહી છે. 1200 રૂપિયે મણ વેચાતી ડુંગળી હાલ 300 થી 400 રૂપિયે મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાતના પગલે ડુંગળીના ભાવો (Onion Price) માં થયેલો ઘટાડો હાલ ખેડૂતો (farmers) માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, આ સમાચાર નાગરિકો માટે સારા સમાચાર છે. કારણ કે હવે તેઓને પોતાના બજેટમાંથી ડુંગળી ખરીદવા વધુ રૂપિયા ખર્ચવા નહિ પડે.
કોરોનાને કારણે અટકી પડ્યો ગુજરાત-ચીનનો વ્યાપાર, હવે ઊંઝાના વેપારીઓ પણ મુશ્કેલમાં મૂકાયા
ગરીબોની કસ્તૂરીના ભાવો ઘટતા લોકો ખુશ જોવા મળી રહ્યા છે, ત્યારે તેનું ઉત્પાદન કરતો ખેડૂત રડી રહ્યો છે. જેનું કારણ છે કે ડુંગળીના વધેલા ભાવોને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે વિદેશોમાંથી ડુંગળીની આયાત કરતા હાલ ભાવ ૩૦૦થી 4૦૦ રૂપિયે મણના ભાવે યાર્ડમાં વેચાઈ રહી છે. અતિ વધેલા ભાવોને નાથવા સરકારનો આ નિર્ણય પ્રજા માટે લાભદાયી બન્યો છે. પરંતુ ખેડૂતો માટે માઠા સમાચારનું કારણ બની રહ્યો છે. આજે ભાવનગર યાર્ડમાં પોતાની ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની ડુંગળી ૩૦૦-૪૦૦ રૂ.પ્રતિ મણના ભાવે વેચાણ થવા પામી હતી. જેથી તેને વાવેતરથી લઇ ઉત્પાદન સુધીમાં જે ખર્ચ થયો હોય તે પણ મળી શકે તેમ નથી. જેથી ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે.
થોડા સમય અગાઉ કમોસમી વરસાદમાં પણ ડુંગળીના પાકને નુકશાન થયું હતું. જેને લઇ તેનું ઉત્પાદનમાં ઘટાડો થતા ભાવો ઉંચકાયા હતા. ત્યારે ખેડૂતોને તેનું ડુંગળીના પૂરતા ભાવો યાર્ડમાં મળી રહ્યાં હતા. પરંતુ આ ભાવો સામાન્ય કે ગરીબ પ્રજાને પોસાય તેમ ના હોય ડુંગળીના આયાતથી ભાવો ઘટ્યા છે. જે ખેડૂતો માટે નુકશાનદાયક નિર્ણય છે. ત્યારે સરકાર અહીંના ખેડૂતોને પૂરતા ભાવ આપી ડુંગળીની ખરીદી કરે અને આયાત બંધ કરે તેવી માંગ કરી રહ્યા છે. જ્યારે હાલ ડુંગળીનું મબલક ઉત્પાદન થઇ રહ્યું છે, ત્યારે ફરી નિકાસ કરવામાં આવે અને તેમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં રાજ્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અહીની ડુંગળી વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે સરકાર ખેડૂતો અને પ્રજાને લક્ષમાં રાખી યોગ્ય ભાવો નક્કી કરે જેથી કોઈને રડવાનો વારો ના આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યાં છે. અપૂરતા ભાવો ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે