રાજકીય પંડિતોએ હવે માનવું પડશે કે અંકગણિતથી આગળ પણ કેમિસ્ટ્રી હોય છેઃ નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણી 2019માં ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ પદનામિત વડાપ્રધાને સૌથી પહેલા રવિવારે ગુજરાત પહોંચીને માતાના આશિર્વાદ લીધા હતા અને હવે સોમવારે કાશીની જનતાનો આભાર માનવા માટે આવી રહ્યા છે 
 

રાજકીય પંડિતોએ હવે માનવું પડશે કે અંકગણિતથી આગળ પણ કેમિસ્ટ્રી હોય છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીને જો પ્રચંડ વિજય મળ્યો છે તેના પછી પદનામિત વડાપ્રધાન આજે 27 મે, સોમવારના રોજ પ્રથમ વખત પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચી રહ્યા છે. અહીં તેઓ કાશીની પ્રજાનો 'આભાર' માનશે. મોદીની સાથે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પણ રહેશે. મોદીને વારાણસીની જનતાએ ફરી એક વખત વિજયનો તાજ પહેરાવ્યો છે. વારાણસીમાં વડાપ્રધાન મોદીને કુલ 6,74,664 વોટ મળ્યા હતા. જેની સામે સપાના ઉમેદવાર શાલિની યાદવને 1,95,159 વોટ, જ્યારે કોંગ્રેસના અજય રાય ત્રીજા સ્થાને રહ્યા અને તેમને 1,52,548 વોટ મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "વર્ક અને વર્કર જ્યારે ભેગા થાય છે ત્યારે વન્ડર બને છે. સરકાર આ વર્ક અને વર્કરને સંગઠિત કરવાનું ઉદ્દીપક છે. ત્યારે જ વન્ડર સર્જાય છે." આ ઉપરાંત તેમણે રાજકીય પંડિતો પર નિશાન સાધતા કહ્યું કે, "2014, 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને હવે 2019ના ચૂંટણી પરિણામે રાજકીય પંડિતોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે. એ લોકોએ પણ હવે સ્વીકારવું પડશે કે અંકગણિતની આગળ પણ કેમિસ્ટ્રી હોય છે." વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી 2019માં ભવ્ય વિજય બદલ કાશીના કાર્યકર્તાઓ, મતદારો, ઉત્તરપ્રદેશના મતદારોનો બે હાથ જોડીને આભાર માન્યો હતો. 

1.30 PM : વડાપ્રધાન મોદીએ બે હાથ જોડીને કાશીવાસીઓ, ઉત્તર પ્રદેશના મતદારોનો લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવા માટે આભાર માન્યો હતો. 

1.28 PM : અમે લોકોના વિચાર બદલ્યા છે. જે સરકારી છે એ તમારું પોતાનું છે. લોકોને સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા છે. મારી લોકોને વિનંતી છે કે, દેશની તમામ સંપત્તિને તમારી પોતાની સમજો. 

1.25 PM : સર્વજન હિતા, સર્વજન સુખાય એ અમારી નીતિ રહી છે. 

1.20 PM : અમે સંસ્કૃતિને જેટલું મહત્વ આપીએ છીએ, તેટલું જ મહત્વ ઈનોવેશનને પણ આપીએ છીએ. આજે ભારતનું અર્થતંત્ર 11મા ક્રમેથી વિશ્વમાં 6ઠ્ઠા ક્રમે આવી પહોંચ્યું છે. 

1.17 PM : ભારતના ભવ્ય વારસાને સાથે લઈને અમે આગળ વધવા માગીએ છીએ. હજારો વર્ષથી ઋષિમુનીઓ, વૈજ્ઞાનિકો, સાધુ-સંતોએ જે પરંપરા ઊભી કરી છે તેને જીવવામાં અને તેની સાથે આગળ વધવામાં અમને ગર્વ છે. 

1.20 PM : આપણા દેશની વોટબેન્કની રાજનીતિએ લોકશાહીને કચડી નાખી છે. લોકોનો રોષ દબાવી દેવામાં આવતો હતો. અમે વોટબેન્કની રાજનીતિમાંથી બહાર આવીને 'સબ કા સાથ, સબકા વિકાસ'ના આધારે આગળ વધીએ છીએ. આ કારણે જ અમે વોટબેન્કની રાજનીતિને બાજુ પર મુકીને દેશમાં 10 ટકા અનામત લાગુ કરી શક્યા છીએ.

1.15 PM : ભાજપ ઈમાનદારી સાથે લોકશાહીને જીવનારી પાર્ટી છે. અન્ય પક્ષો સત્તામાં આવે છે તો વિરોધ પક્ષને નાબૂદ કરી નાખે છે. અમે વિરોધ પક્ષને સાથે લઈને ચાલીએ છીએ. વિરોધ પક્ષનો અવાજ સાંભળવો જોઈએ.

1.10 PM : ભારતીય જનતા પાર્ટી 'સબ કા સાથ, સબકા વિકાસ'માં માને છે. અમે દેશનો વિકાસ કરવા માગીએ છીએ. હું તમામ લોકોને અમારી સાથે આવવા આહ્વાન કરું છું. 

1.07 PM : દેશમાં રાજકીય અસ્પૃશ્યતાનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે. ભાજપનું નામ લેતાં જ અસ્પૃશ્યતા જાગે છે. અમે ભાગલાવાદી પ્રવૃત્તિના નથી. તેમ છતાં દેશમાં એક એવું પર્સેપ્શન ઊભું કરાયું છે, જેમાં ભાજપને આજે અછૂત માનવામાં આવે છે. 

1.05 PM : વર્ક અને વર્કર બે શક્તી છે. એ જ રીતે નીતિ અને રણનીતિ પણ શક્તી છે. 

1.04 PM : સરકારનું કામ છે કામ કરવાનું. કાર્યકર્તાનું કામ છે એ કામને અમલમાં મુકવાનું છે. આથી સરકાર જ્યારે કાર્ય કરે છે અને તેમાં કાર્યકર્તા જોડાય છે ત્યારે એક ચમત્કાસ સર્જાય છે. મોદીએ કહ્યું કે, "વર્ક અને વર્કર જ્યારે ભેગા થાય છે ત્યારે વન્ડર બને છે. સરકાર આ વર્ક અને વર્કરને સંગઠિત કરવાનું ઉદ્દીપક છે. ત્યારે જ વન્ડર સર્જાય છે."

1.02 PM : સફળતા માટે સરકાર અને સંગઠન વચ્ચે સંતુલન જરૂરી છે. સરકાર નીતિ બનાવે છે. સંગઠન રણનીતિ બનાવે છે. આ બંનેનું સંયોજન એક પ્રતિબિંબ બને છે અને તેનો લાભ આજે દેશને મળી રહ્યો છે. 

1.00 PM : પારદર્શક્તા અને પરિશ્રમ સામે કોઈ ટકી શકતું નથી. છેલ્લા 60-70 વર્ષથી નકારાત્મક પ્રચાર કરવામાં આવતો હતો. લોકો સામે સત્ય છુપાવવામાં આવતું હતું. અમે પારદર્શક્તા અને પરિશ્રમ સાથે સફળતા મેળવી છે. 

12.57 PM : દેશના રાજકીય વિશ્લેષકોએ એ સમજવું પડશે કે ગુણાકાર-ભાગાકાર ઉપરાંત પણ એક કેમિસ્ટ્રી હોય છે. આ વખતે આ કેમિસ્ટ્રીએ અંકગણિતને પણ પરાજિત કર્યું છે. ચૂંટણી પંડિતો હજુ સુધી આ કેમિસ્ટ્રીને સમજી શક્યા નથી. 

12.55 PM : ભલે લોકોનો બાયોડેટા 50-50 પેજનો બનતો હોય. તેમણે અસંખ્ય નિબંધો લખ્યા હોય, પરંતુ અમે એક ગરીબ વ્યક્તી છીએ અને જમીન સાથે જોડાયેલા છીએ. આ જમીન સાથેનું જોડાણ જ અમને મજબૂત બનાવે છે. દેશની રાજનીતિના વિશ્લેષકો પણ ઉત્તર પ્રદેશનું ગણિત ગણવામાં થાપ ખાઈ ગયા છે. 

12.52 PM : હું કાશીમાંથી સમગ્ર ઉત્તરપ્રદેશનું અભિવાદન કરવા માગું છું. ઉત્તર પ્રદેશ આજે દેશને દિશા બતાવી રહ્યું છે. ઉત્તર પ્રદેશે દેશની રાજનીતિને એક નવી દિશા બતાવી છે. 2014, 2017 અને હવે 2019માં દેશનું ભવિષ્ય નક્કી કરવાની ઉત્તર પ્રદેશે હેટ્રીક મારી છે. 

12.50 PM : વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 45 ડિગ્રી તાપમાનમાં કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી બનીને ઘેર-ઘેર જઈને પ્રચાર કર્યો. તમારો આ ઉત્સાહ જોઈને અમને સંતોષ હતો કે પાર્ટીને વિજય જરૂર મળશે. હું તમારા સૌનો આ સખત મહેનત માટે આભાર માનું છું.

12.47 PM : વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કાશીએ એક વિશ્વરૂપ દેખાડ્યું છે. આ ચૂંટણીને કવર કરવા માટે સ્થાનિક મીડિયા ઉપરાંત દેશ અને વિદેશનો મીડિયા પણ આવતો હતો. આથી, એ તમામ મીડિયા કર્મીઓનો પણ હું આભાર માનું છું.  

12.45 PM : મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે પણ મને સંપૂર્ણ વિશ્વાસ હતો. કેમ કે મારા કાર્યકર્તાઓએ પાર્ટી માટે ભરપૂર કામ કર્યું હતું. આ ચૂંટણીમાં મારી સામે જે ઉમેદવાર ઊભા રહ્યા હતા, જે અપક્ષ ઉમેદવાર હતા એ તમામનો પણ હું આભાર માનું છું. 

12..40 PM : 25 તારીખે જ્યારે નામાંકન ભરવા આવ્યો ત્યારે કાશીના કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે, હવે એક મહિના સુધી તમારે કાશીમાં આવવાનું નથી. તમારું કામ અમે કરીશું. એટલે જ 19 તારીખે જ્યારે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો ત્યારે પહેલા વિચાર આવ્યો કે કાશીમાં જાઉં. પરંતુ પછી યાદ આવ્યું કે, કાર્યકર્તાઓ પ્રવેશ નહીં આપે. એટલે પછી હું કેદારનાથની શરણોમાં ગયો હતો. 

12.35 PM : કેટલાક કાર્યકર્તાઓના હાથમાં કાગળ જોઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે લોકો કામ માટે કાગળ લઈને આવ્યા છે તેને એક્ઠા કરીને મારા સુધી પહોંચાડી દેવામાં આવે. હું તમામના કામને જોઈને પૂરા કરવાનો પ્રયાસ કરીશ. 

12.30 PM : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'હર હર મહાદેવ'ના નારા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું. તેમણે પ્રારંભમાં જ ભાજપને દેશમાં પ્રચંડ વિજય અપાવનારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. 

12.22 PM : કાશીના કાર્યકર્તાઓના વિશ્વાસના કારણે જ પીએમ મોદીને વારાણસીમાં આટલો મોટો વિજય પ્રાપ્ત થયો છે. હું સૌ કાર્યકર્તાઓનો આભાર માનું છું. 

12.20 PM: ભાજપના રાષ્ટ્રીય અમિત શાહનું સંબોધન શરૂ. અમિત શાહે જણાવ્યું કે, હું આજે કાશી, ઉત્તરપ્રદેશ અને ભારતના મતદારોનો આભાર માનવા માટે અહીં આવ્યો છું. 

12.15 PM : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, હું મહાનાયક મોદીનું સ્વાગત કરું છું. પીએમ મોદીએ કાશીનું સ્વરૂપ બદલ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસને નવી ગતિ મળી છે. 

12.00 PM : વડાપ્રધાન મોદી દીનદયાલ હસ્તકલા સંકુલ પહોંચી ગયા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ તેમનું વિશાળ હાર પહેરાવીને અભિવાદન કરાયું હતું. 

11.30 AM : પીએમ મોદીનો કાફલો દીનદયાલ હસ્તકલા સંકુલ તરફ આગળ વધી રહ્યો છે. તેઓ અહીં ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. 

11.15 AM : ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત સાથે ચૂંટવા બદલ પીએમ મોદી કાશીની જનતાનો આભાર માનશે. તેઓ હવે અહીં લોકોને સંબોધન કરવાના છે. 

11.10 AM : પીએમ મોદીનો કાફલો હવે મંદિર પરિસરમાંથી બહાર નિકળીને રવાના થયો છે. 

11.05 AM : પૂજા પૂર્ણ કર્યા પછી પીએમ મોદી હવે મંદિરમાં પ્રદક્ષિણા કરી રહ્યા છે. 

— BJP (@BJP4India) May 27, 2019

10.57 AM : પૂજારી પીએમ મોદીને પૂજા કરાવી રહ્યા છે. અમિત શાહ તેમની બાજુમાં બેઠા છે. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ ચાલી રહી છે. 

10.55 AM : વડાપ્રધાન મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે કાશી વિસ્વનાથ મંદિરમાં પહોંચી ચૂક્યા છે. થોડીવારમાં જ શરૂ કરશે પૂજા. 

10.50 AM : સમગ્ર માર્ગમાં 'મોદી- મોદી'ના નારા લાગી રહ્યા છે. 

10.42 AM : કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી આચાર્ય અશોક દ્વીવેદીએ ANIને જણાવ્યું કે, "આ અમારું સદભાગ્ય છે કે વડાપ્રધાન મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં વિજય પછી જે રીતે પૂજા કરી હતી એ તમામ પૂજા ફરીથી કરવા આવી રહ્યા છે. તેમની આંખોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સ્પષ્ટ જોવા મળે છે."

10.40 AM : કાશી વિશ્વનાથ મંદિરની બહાર વિશાળ LED સ્ક્રીન મુકવામાં આવ્યું છે. જેના પર પીએમ મોદી મંદિરમાં જે પૂજા કરશે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 

10.38 AM: રસ્તામાં પીએમ મોદી અને અમિથ શાહનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશીની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

10.35 AM : વારાણસી પોલીસ લાઈનમાંથી પીએમ મોદીનો કાફલો નિકળ્યો. થોડીવારમાં જ પહોંચશે કાશી વિસ્વનાથ મંદિર. ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ છે સાથે. 

10.30 AM : પીએમ મોદીનો કાફલો બાબતપુર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વારાણસી પહોંચ્યો હતો. અહીં ભાજપના નેતાઓને મળ્યા બાદ તેઓ મંદિર જવા રવાના થયા છે. 

10.25 AM : વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે શહેરમાં જુદી-જુદી જગ્યાએ કલાકારોને બેસાડવામાં આવ્યા છે. જેઓ વડાપ્રધાનનો કાફલો પહોંચ્યા પછી પોતાની કૃતિ રજૂ કરશે. 

— ANI UP (@ANINewsUP) May 27, 2019

10.20 AM : વડાપ્રધાન મોદી થોડી વારમાં જ કાશી વિશ્વનાથ મંદીરમાં દર્શન અને પૂજા કરશે. તેમની સાથે અમિત શાહ પણ હાજર રહેશે. 

10.15 AM : પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019માં બીજી વખત પ્રચંડ વિજય અપાવવા બદલ આભાર વ્યક્ત કરવા વારાણસી પહોંચી ચૂક્યા છે. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ છે. બાબતપુર એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

આ પહેલા નરેન્દ્ર મોદી રવિવારે પોતાના વતન ગુજરાતની યાત્રાએ પહોંચ્યા હતા. અહીં તેમણે અમદાવાદના ખાનપુર ખાતે આવેલા ભાજપના કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. ત્યાર પછી તેઓ માતા હિરાબાને મળવા ગાંધીનગર ગયા હતા. અહીં તેમણે માતાના પગે સ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા. હિરાબાએ નરેન્દ્ર મોદીના માથા પર હાથ મુકીને આશિર્વાદ આપ્યા હતા. મોદીએ હિરાબા સાથે અડધો કલાક પસાર કર્યો હતો. 

પીએમ મોદીએ હીરાબાના લીધા આશીર્વાદ, માતાએ ચાંદલો કરીને પુત્રની જીતના કર્યા વધામણા

વારાણસીમાં નરેન્દ્ર મોદીના સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. જોકે, ભાજપે તેમના આ કાર્યક્રમને આધિકારીક રીતે રોડ શોનું નામ આપ્યું નથી. વારાણસી પહોંચ્યા પછી મોદી સડક માર્ગે પોલીસ લાઈનથી બાંસફાટક સુધી જશે. તેમનો કાફલો શહેરના વિવિધ ભાગમાંથી પસાર થશે. તેઓ સવારે 9.00 કલાકે વારાણસી પહોંચવાના છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news