2014ના ભાજપના રણનીતિકાર પ્રશાંત કિશોર હવે મમતા બેનરજી માટે કરશે કામ

પશ્ચિમ બંગાળમાં 2021માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, તાજેતરની લોકસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો અને ભાજપે 42માંથી 18 લોકસભા સીટ જીતી હતી 
 

2014ના ભાજપના રણનીતિકાર પ્રશાંત કિશોર હવે મમતા બેનરજી માટે કરશે કામ

કોલકાતાઃ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોર હવે ભાજપના કટ્ટર હરીફ એવા મમતા બેનરજી સાથે જોડાઈ ગયા છે. તેઓ પશ્ચિમ બંગાળમાં 2021માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસ માટે વ્યૂહરચના તૈયાર કરશે. તેના માટે તેમણે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. હાલ તેમણે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસનો પાયો મજબૂત કરવા માટે યુવાનોને પાર્ટી સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યું છે. 

પ્રશાંત કિશોર દ્વારા પશ્ચિમ બંગાળમાં 'યુથ ઈન પોલિટિક્સ' નામનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત દરરોજ 5 હજાર યુવાનોને રાજકારણમાં જોડવામાં આવી રહ્યા છે. જોકે, તેમની ટીમની ગણતરી રોજના 10,000 યુવાનોને તૃણમુલ કોંગ્રેસના સભ્ય બનાવવાનું છે. પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળના 5 લાખ યુવાનોને સપ્ટેમ્બર મહિના સુધીમાં તેમના આ અભિયાન થકી રાજકારણ સાથે જોડવા માગે છે. આ યુવાનોના તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા પછી આગામી 15 મહિના સુધી તેમને વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. 

ટીએમસી દ્વારા હાલ સોશિયલ મીડિયા પર 'યુથ ઈન પોલિટિક્સ'નો ભરપૂર પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ટીએમસી અને પ્રશાંત કિશોરની ટીમનું માનવું છે કે, આ જે નવા 5 લાખ ચહેરા તૃણમુલ કોંગ્રેસમાં જોડાશે તે આગામી ચૂંટણી માટે પાર્ટીની વધારાની તાકાત બનશે. 

પ્રશાંત કિશોર અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી વચ્ચે જુન મહિનામાં બે વખત મુલાકાત થઈ હતી અને રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે તેમને જવાબદારી સોંપવાનો કોન્ટ્રાક્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપની વોટબેન્કમાં વધારો થયો છે. વર્ષ 2014માં માત્ર 2 સીટ પર વિજય મેળવનારી ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની કુલ 42 લોકસભા સીટમાંથી 18 સીટ પર વિજય મેળવ્યો છે. 

મોદીના રણનીતિકાર રહી ચૂક્યા છે પ્રશાંત કિશોર 
પ્રશાંત કિશોર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની ખુરશી પહોંચાડવામાં મુખ્ય રણનીતિકાર હતા. તેમણે 2014માં ભાજપનું સંપૂર્ણ લોકસભા ચૂંટણી અભિયાન સંભાળ્યું હતું.  ત્યાર પછી 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરે રાષ્ટ્રીય જનતા દલ અને જનતા દળ(યુ)ને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે આંધ્રપ્રદેશમાં જગમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ માટે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાયએસઆર કોંગ્રેસે રાજ્ય વિધાનસભાની 175માંથી 151 સીટ પર વિજય મેળવ્યો હતો અને લોકસભાની 25માંથી 22 સીટ જીતી હતી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news