ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે સીએમ રૂપાણીએ રશિયાના યાકુટિયાના ગવર્નર સાથે કર્યા કરાર

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઇન્ડિયા-રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં થયેલા કરારથી ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે રશિયા-ગુજરાત ભાગીદારી મહત્વપૂર્ણ અને ઉપયુક્ત બનશે, સુરતને થશે વિશેષ ફાયદો
 

ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે સીએમ રૂપાણીએ રશિયાના યાકુટિયાના ગવર્નર સાથે કર્યા કરાર

વ્લાદોવસ્કી(રશિયા): ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના રશિયા પ્રવાસના બીજા દિવસે રશિયાના યાકુટિયા રિજિયનના ગવર્નર સાથે રફ ડાયમંડ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ માટે કરાર કર્યા છે. આ કરારના કારણે રશિયા અને સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે નવી તકો ઊભી થશે. રશાયના ફાર ઈસ્ટ રિજિયન અને ગુજરાત ડાયમંડ સેક્ટર જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન અને પ્રોસેસિંગ તથા સ્કીલ્ડ લેબર નિર્માણ કરવાની દિશામાં સાથે મળીને સક્રિય થઈ શકશે. ઈન્ડિયા-રશિયા કો-ઓપરેશન ઈન ધ રશિયન ફાર ઈસ્ટ સેમિનારમાં આ સમજૂતી કરાર કરાયા હતા. 

આ કરારના કારણે ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે. વિશ્વના બજારમાં આવતા કુલ રફ ડાયમંડમાંથી 33 ટકા રફ ડાયમંડ રશિયામાંથી આવે છે, જેની સામે વિસ્વમાં રફ ડાયમંડ ઘસીને પાસા પાડવાની 80 ટકા કામગિરી ગુજરાતમાં થાય છે. રફ ડાયમંડ પર પ્રોસેસ થયા પછી 95 ટકા નિકાસ ભારતમાંથી થાય છે. 

ડાયમંડ કટિંગ અને પોલિશિંગના વિશ્વના સૌથી મોટા હબ ગણાતા સુરતને ધ્યાનમાં રાખીને આ કરાર કરવામાં આવ્યો છે. હીરાના વેપારમાં ગુજરાતનો ભારતના જીડીપીમાં 8 ટકા હિસ્સો છે. ઔદ્યોગિક આઉટપુટમાં 17 ટકા અને દેશની કુલ નિકાસમાં હિરા ઉદ્યોગ 20 ટકા જેટલું યોગદાન આપે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કરાર અંગે જણાવ્યું કે, "રશિયા વિશ્વના સૌથી મોટા હીરાના ભંડાર પૈકીનું એક છે. વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમંડ રશિયામાં ઉપલબ્ધ છે. તેની સામે ભારત રફ ડાયમંડ પોલિશિંગ અને કટિંગમાં વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. આથી ગુજરાત-રશિયાની આ ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે." 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં રશિયાના પ્રવાસે ગયેલા ભારતીય પ્રતિનિધિ મંડળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના 28 જેટલા વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે ગયા છે.

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news