ધબકતુ અને સતત દોડતું અમદાવાદ શાંત થયું, કરફ્યૂનો બીજા દિવસે રસ્તાઓ સૂમસાન

Updated By: Nov 22, 2020, 08:33 AM IST
ધબકતુ અને સતત દોડતું અમદાવાદ શાંત થયું, કરફ્યૂનો બીજા દિવસે રસ્તાઓ સૂમસાન
  • કરફ્યૂના બીજા દિવસે જે દ્રશ્યો જોવા મળે છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાં કોરોના સંક્રમણને લઇ જાગૃતતા જોવા મળી રહેશે.
  • આ જ રીતે લોકો જાગૃત થશે તો આગામી દિવસમાં આ પરિસ્થિતિ ઉપર ચોક્કસથી નિયંત્રણ લાવી શકાશે

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદ શહેરમાં 57 કલાકના વિકેન્ડ કરફ્યૂ (curfew) નો આજે બીજો દિવસ છે. રવિવારની સવાર એટલે થોડી સુસ્તીભરી હોય છે. પણ બીજા દિવસે પણ અમદાવાદમાં પિન ડ્રોપ સાયલન્સ જોવા મળી રહ્યું છે. લોકોએ આ વખતે સ્વંયશિસ્ત દાખવ્યું છે. શનિવારે લોકો બિનજરૂરી ક્યાંય નીકળ્યા ન હતા. ત્યારે હવે આજે બીજા દિવસની સવાર પણ અમદાવાદીઓ ઘરમાં પૂરાઈને રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

જમાલપુર માર્કેટમાં બીજા દિવસે ચકલા ઉડ્યા 
અમદાવાદ શહેરમાં કોરોના વધતા જતા સંક્રમણને લઇને આપવામાં આવેલા 57 કલાકના કરફ્યુનો આજે બીજો દિવસ છે. અમદાવાદના જમાલપુર શાકમાર્કેટ શહેરનું સૌથી મોટું હોલસેલ અને રિટેઈલ શાકમાર્કેટ છે. અહીં લોકો વહેલી સવારમાં અમદાવાદમાંથી શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિક જામ અને લોકોની વેદના દ્રશ્યો નજરે પડતા હોય છે. ત્યારે આજે બીજા દિવસે રોડ સાવ ખાલી જોવા મળી રહ્યા છે. બીજી તરફ એક પણ શાકભાજીની દુકાન ખુલ્લી ન હતી. જોકે કરફ્યૂનું ચુસ્તપણે પાલન થાય તે માટે સતત આ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કોર્પોરેશનની દબાણની ગાડી પણ સતત ફરતી રહે છે.

‘હેલ્લો, અમને પ્લાઝમાની જરૂર છે, કોઈ મદદ કરશો?’ સાંભળતા જ મદદે દોડી જાય છે રાજકોટનું આ ગ્રૂપ

લોકોએ કરફ્યૂમાં સ્વંયભૂ સહકાર આપ્યો 
આજે કરફ્યૂના બીજા દિવસે જે દ્રશ્યો જોવા મળે છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાં કોરોના સંક્રમણને લઇ જાગૃતતા જોવા મળી રહેશે. લોકો સ્વયંભૂ કરફ્યૂમાં સહકાર આપી રહ્યા છે અને પાલન કરી રહ્યા છે. જો આ જ રીતે લોકો જાગૃત થશે તો આગામી દિવસમાં આ પરિસ્થિતિ ઉપર ચોક્કસથી નિયંત્રણ લાવી શકાશે. 

રિવરફ્રન્ટ પર પણ કોઈ ન જોવા મળ્યું 
શિયાળાની સવારમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. મોર્નિંગ વોક કરવા અને સાઇકલિંગ કરવા લોકો સવારથી ઉમટી પડતા હોય છે. પરંતુ આજે કરફ્યૂના બીજા દિવસે કશું જ ના થયું. બીજા દિવસે રિવરફ્રન્ટ સાવ ખાલી જોવા મળી રહ્યો છે. લોકો સ્વયંભુ કરફ્યૂમાં જોડાઈને સહકાર આપી રહ્યા હોય અને પાલન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે માત્ર રિવરફ્રન્ટ નહિ, પરંતુ અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકો ઘરમાં રહીને કરફ્યૂમાં સહકાર આપી રહ્યા છે.