રાજકોટ ગ્રામ્યમાં 2 નવા કોવિડ સેન્ટરને મળી મંજૂરી

રાજકોટ ગ્રામ્યમાં 2 નવા કોવિડ સેન્ટરને મળી મંજૂરી
  • તંત્ર દ્વારા 6 ખાનગી હોસ્પિટલને જરૂરિયાત મુજબ 27 વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી
  • રાજકોટના એડિશનલ કલેકટર મેહુલ દવેને પણ કોરોના થયો

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ ગ્રામ્યમાં વિરનગર અને ધોરાજી ખાતે કોવિડ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. તંત્ર દ્વારા 6 ખાનગી હોસ્પિટલને જરૂરિયાત મુજબ 27 વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી રાજકોટને 100 વેન્ટિલેટર, 70 તબીબ સ્ટાફ અને 80 જેટલા એટેન્ડન્સની ફાળવણી કરવામાં આવી છે. 

હવે ગ્રામ્યના દર્દીઓને શહેર સુધી લંબાવવું નહિ પડે
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા અધિક કલેક્ટરની પત્રકાર પરિષદમાં મહત્વની માહિતી આપવામાં આવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં રોજબરોજ કોરોનાના કેસ અને મૃત્યુ આંક પણ વધતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. રાજકોટની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લાના મળી કુલ પોઝિટિવ કેસનો આંક 5000 ને પાર થઇ ચૂક્યો છે અને 100 થી વધુ લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. આ સમયે ખાસ રાજ્ય સરકાર તરફથી રાજકોટ ખાતે 70 જેટલા નિષ્ણાત તબીબોની ટીમ, 100 જેટલા વેન્ટિલેટર અને 80 જેટલા એટેન્ડન્સની ફાળવણી કરવામાં આવી છે. હાલના સમયે રાજકોટમાં 643 જેટલા કોવિડ બેડ ઉપલબ્ધ છે અને આગામી બે દિવસમાં ગ્રામ્ય વિસ્તારમાં વધતા કેસોને ધ્યાનમાં રાખી વિરનગર અને ધોરાજી ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને નજીકમાં સારવાર મળી રહે તો રાજકોટ શહેર સુધી આવવું ન પડે.

6 હોસ્પિટલને 27 વેન્ટિલેટર ફાળવાયા 
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં 24 જેટલી ખાનગી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં 6 ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઉપલબ્ધ થતા તંત્ર તરફથી 6 હોસ્પિટલને 27 વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં વધુ જરૂરિયાત જણાતા અન્ય હોસ્પિટલમાં પણ આપવામાં આવશે.

એડિશનલ કલેક્ટરને કોરોના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણી પણ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 5 દિવસ દરમિયાન ઉપકુલપતિ સાથે સંપર્કમાં આવેલ લોકોને કોરોન્ટાઇન રહેવા ઉપકુલપતિ દ્વારા અપીલ કરવામા આવી છે. ઉપકુલપતિ 14 દિવસ હોમ આઈસોલેટ રહેશે. આ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ નીતિન પેથાણી, રજિસ્ટ્રાર સહિત 45 થી વધુ કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે. તો બીજી તરફ, રાજકોટના એડિશનલ કલેકટર મેહુલ દવેને પણ કોરોના થયો છે. રાજકોટમાં કોરોના કન્ટ્રોલ કરવાની કામગીરીમાં મેહુલ દવેને એપોઈન્ટ કરાયા હતા. મેહુલ દવે મહેસાણા DRDAનાં એડિશનલ કલેક્ટર છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી તેમની તબિયત લથડી હતી. ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મેહુલ દવેનાં પત્ની પણ પોઝિટિવ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news