રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનનું કૌભાંડ, સિવિલનો નર્સિંગ બોય જાતે ચિઠ્ઠી લખીને ઈન્જેક્શન બહાર વેચતો

રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનનું કૌભાંડ, સિવિલનો નર્સિંગ બોય જાતે ચિઠ્ઠી લખીને ઈન્જેક્શન બહાર વેચતો
  • કોરોનાની સારવારને લઈને મોટામોટા કૌભાંડમાં રાજકોટની છબી વધુને વધુ ખરડાઈ રહી છે.
  • રાજકોટમાં કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલ બનાવવાનું કૌભાંડ તાજેતરમાં જ પકડાયું.
  • પોલીસે રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારીમાં એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી

રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોનાની સારવારને લઈને મોટામોટા કૌભાંડમાં રાજકોટની છબી વધુને વધુ ખરડાઈ રહી છે. રેમડેસીવીર ઈન્જેક્શનના બોગસ બિલ બનાવવાના કૌભાંડમાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ બોયનો મોટો રોલ સામે આવ્યો છે. પોલીસે રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારીમાં એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક હોસ્પિટલનો નર્સિંગ બોય હિંમત ચાવડાએ સિવિલ હોસ્પિટલમાં થી 5 ઇન્જેક્શન ચોરી કર્યાની કબૂલાત કરી છે. 

નર્સિંગ બોય ચિઠ્ઠીમાં ઈન્જેક્શનની સંખ્યા વધારી દેતો  
નર્સિંગ બોય હિમંત ચાવડા કોવિડ હોસ્પિટલની ચોથા માળે એ-વિંગમાં નોકરી કરતો હતો. તે હોસ્પિટલના દર્દીના ઈન્જેક્શનની જરૂરિયાત કરતા વધુ ઇન્જેક્શનની ચિઠ્ઠી લખતો હતો. ડોક્ટરે લખેલ ઈન્જેક્શનની ચિઠ્ઠી લઈને હિંમત ચાવડા સ્ટોરમાં ઈન્જેક્શન લેવા જતો હતો. તેમાં તે જાતે જ ચિઠ્ઠીમાં વધુ ઈન્જેક્શન લખી નાઁખતો હતો. આ ચોરી કરેલા તમામ ઇન્જેક્શન તે જલારામ હોસ્પિટલના મેડિકલ સ્ટોર વેચાણ કરતો હતો. આ કેસમાં પોલીસે વધુ 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે. જેમાં દિલીપ, રવિ અને રવિના મિત્રને ઝડપી પાડવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. 

ઈન્જેક્શનના બોગલ બિલનું કૌભાંડ પકડાયુ 
રાજકોટમાં કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલ બનાવવાનું કૌભાંડ તાજેતરમાં જ પકડાયું છે. આ સમગ્ર મામલે વેદાંત હોસ્પિટલના ડોકટર અનવર કોઠીયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ દરમિયાન બોગસ બિલ બન્યા હોવાનું સામે આવ્યું હતું. વેદાંત હોસ્પિટલ દ્વારા થિયોસ ફાર્મા કંપની પાસેથી કોઈ દવાની ખરીદી કરવામાં આવી ન હતી. ત્યારે અન્ય લોકોને વહેંચણી કરેલ ઇન્જેક્શનના બિલ વેદાંત હોસ્પિટલના નામે દર્શાવવામાં આવ્યા હતા. વેદાંત હોસ્પિટલ દ્વારા ન્યુ આઈડિયલ કંપની પાસેથી 72 વાયલના ઇન્જેક્શન ખરીદ કરવામાં આવ્યા હતા. ત્યારે રેમડેસીવીર  ઇન્જેક્શનની કાળાબજારી મામલે પોલીસે 1 મહિલા સહિત 5 આરોપીને પકડ્યા હતા. 

ઈન્જેક્શન બહાર વેચતો હતો 
પોલીસ તપાસમાં મુખ્ય આરોપી હિંમત ચાવડા સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મેળવી બહાર વેચતો હોવાનું સામે આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સમયે ઇન્જેક્શનની ખોટી ચિઠ્ઠી બનાવી ઇન્જેક્શન મેળવતો હોવાનું તપાસમાં ખૂલ્યું હતુ. પોલીસ તપાસમાં અન્ય 3 લોકોના નામ પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસે અન્ય 3 આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news