રાજકોટ અગ્નિકાંડને કુદરતી આફત ગણાવીને ફસાયા મેયર બીનાબેન આચાર્ય

Updated By: Nov 27, 2020, 04:04 PM IST
રાજકોટ અગ્નિકાંડને કુદરતી આફત ગણાવીને ફસાયા મેયર બીનાબેન આચાર્ય
  • રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ એક કુદરતી ઘટના છે.
  • રાજકોટના મેયરના નિવેદનને પણ કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવ્યુ

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટની શિવાનંદ હોસ્પિટલના આગકાંડમાં આજે 5 દર્દીઓ જીવતા ભૂંજાયા (rajkot fire) છે. આગનો બનાવ બનતા જ સરકારી તથા પોલીસ તંત્ર દોડતું થયું હતુ. રાજકોટ મનપાના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. આવામાં રાજકોટ (rajkot) ના મેયર બીનાબેન આચાર્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં ભાન ભૂલ્યા હતા અને આ ઘટનાને કુદરતી ઘટના ગણાવી હતી. તેમજ એવુ પણ કહ્યું હતું કે, ઊલટાની આમાં તો મોટી જાનહાનિ ટળી છે.

શું બોલ્યા હતા રાજકોટના મેયર 
રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ એક કુદરતી ઘટના છે, એક મોટી જાનહાનિ ટળી છે. ત્યારે મેયરના આ નિવેદનની ટીકા થઈ હતી. ગુજરાતની ચાર હોસ્પિટલમાં આવી ઘટનાઓની બની ગઈ છે, છતા મેયર આવું બેજવાબદારભર્યું નિવેદન આપે છે. 

આ પણ વાંચો : રાજકોટ કરુણાંતિકામાં પિતાની છત્રછાયા ગુમાવનારા પુત્રોએ કહ્યું, સરકાર આવી હોસ્પિટલો બંધ કરાવે 

કોંગ્રેસે બીનાબેનના નિવેદનને વખોડ્યું 
સમગ્ર ઘટનામાં વિપક્ષના નેતાએ તપાસની માંગણી કરી છે. ડિસ્ટ્રીક્ટ અથવા હાઇકોર્ટના જજ દ્વારા નિષ્પક્ષ તપાસની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. કોંગ્રેસે કહ્યું કે, સરકારના કોરોના અંગેના પગલાં ટીકાપત્ર છે. સાથે જ રાજકોટના મેયરના નિવેદનને પણ કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવ્યુ છે. કોંગ્રેસે કહ્યુ કે, આ કુદરતી નહિ, પણ માનવસર્જિત ઘટના છે. મેયરે યોગ્ય સમયે યોગ્ય શબ્દ બોલવા જોઈએ. ઘટનાની સમયસર જાણ થઈ હોત તો દુર્ઘટના અટકાવી શકાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટના મેયરે ઘટના બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ કુદરતી ઘટના છે. 

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડમાં સુપરહીરો બન્યો હોસ્પિટલનો કર્મચારી અજય વાઘેલા 

મારાથી ઉતાવળમાં બોલાઈ ગયું - મેયર
રાજકોટ મેયર બીનાબેને એક પ્રેસ કોન્ફરન્સમાં બાદમાં જણાવ્યું કે, આ દુખદ ઘટના છે. અમે તપાસ કરી રહ્યા છીએ. ઘટનાની જાણ થતા જ તમામ અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. હોસ્પિટલની એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાને લઈને તપાસ કરીશું. આ સાથે જ રાજકોટમાં કોવિડની તમામ હોસ્પિટલમા તપાસ કરીશું. કુદરતી ઘટના શબ્દ મારાથી ઉતાવળમાં બોલાઈ ગયો હતો. જ્યારે આવી ઘટના બને, એકસાથે પાંચ દર્દીઓના મોત થયા હોય તેની વ્યવસ્થા કરવાની હોય છે. દર્દીના સગાવ્હાલાઓને ફોન કરવાના હતા. આ બધી વ્યવસ્થાની વચ્ચે આકસ્મિકને બદલે કુદરતી શબ્દ મારાથી બોલાય ગયો હતો. આવી ઘટના સમયે કોઈ પણ વ્યક્તિ હોય તો તેનાથી આવી ભૂલ થઈ શકે છે.

આ પણ વાંચો : રાજકોટ આગમાં હોમાયેલા સંજય રાઠોડના પરિવારે કહ્યું, ‘4 કરોડ આપે તો પણ ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી’