LIVE: પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છેઃ અમિત શાહ

મંગળવારે કોલકાતામાં અમિત શાહનો રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જ ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો મચાવાયા બાદ ઘટના હિંસામાં ફેરવાઈ ગઈ હતી, અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને કેટલીક દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. અમિત શાહે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, એક હુમલો નથી કરાયો, પરંતુ ત્રણ હુમલા થયા હતા. કોલકાતામાં સવારથી જ આ પ્રકારના હુમલાની અફવા હતા. પોલીસે કોઈને રોકવાનો પ્રયાસ કર્યો નથી. પથ્થરમારો કરનારા લોકો યુનિવર્સિટીની અંદરથી કરતા હતા. 

LIVE: પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા મુદ્દે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. તેમણે પોતાની રેલીમાં થેયલી હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યા હતા. આ સાથે જ તેમણે પત્રકારો સમક્ષ પુરાવા તરીકે ત્રણ ફોટા પણ રજૂ કર્યા હતા. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, બંધ રૂમમાં રહેલી વિદ્યાસાગરજીની પ્રતિમાને ભાજપ કેવી રીતે તોડી શકે છે? આ સાથે જ તેમણે ચૂંટણી પંચ પર પણ બેવડું ધોરણ અપનાવાનો આરોપ લગાવ્યો હતો. 

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન બાકી છે અને તેનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કોલકાતામાં તેમના ઉમેદવારના સમર્થનમાં મંગળવારે એક રોડ શોનું આયોજન કરાયું હતું. આ રોડ શો દરમિયાન ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે આવી ગયા હતા અને તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. આથી એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. અનેક વાહોનોમાં તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓ થઈ હતી. તોફાનને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 

લોકશાહીનું ગળું દબાવાઈ રહ્યું છે
પશ્ચિમ બંગાળમાં લોકશાહીનું ગળું દબાવાઈ રહ્યું છે. ગઈકાલે ભાજપનો રોડ શો હતો. રોડ શોના ત્રણ કલાક પહેલા જ ભાજપ દ્વારા જે પોસ્ટર-બેનર્સ લગાવાયા હતા, તેને દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક હુમલો નથી કરાયો, પરંતુ ત્રણ હુમલા થયા હતા. કોલકાતામાં સવારથી જ આ પ્રકારના હુમલાની અફવા હતા. પોલીસે કોઈને રોકવાનો પ્રયાસ કર્યો નથી. પથ્થરમારો કરનારા લોકો યુનિવર્સિટીની અંદરથી કરતા હતા.

સીઆરપીએફને લીધે બચાવ થયો
અમિત શાહે પુરાવા તરીકે કેટલાક ફોટોગ્રાફ મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં એક ફોટામાં તેઓ સીઆરપીએફના કાફલાની મદદથી કેવી રીતે બચ્યા તે દર્શાવે છે. બીજો ફોટો તેમણે યુનિવર્સિટીના ગેટનો ફોટો દર્શાવ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવતા જણાવ્યું કે, આ ગેટનો દરવાજો બંધ હતો. ભાજપના કાર્યકર્તા ગેટની બહાર હતા, જ્યારે ટીએમસીના કાર્યકર્તા ગેટના અંદરના ભાગમાં હતા. 

પ્રતિમા તૂટી કેવી રીતે?
તેમણે ત્રીજો ફોટો વિદ્યાસાગરની પ્રતિમા જે રૂમમાં રાખવામાં આવી હતી તે રૂમનો દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રતિમા રૂમના અંદર બંધ હતી, તો પછી આ પ્રતિમા તુટી કેવી રીતે ગઈ. આ રૂમ તો બંધ હતો અને યુનિવર્સિટીનો ગેટ પણ બંધ હતો. ટીએમસીનો આરોપ ખોટો છે. ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા ટીએમસીના કાર્યકર્તાઓએ જ તોડી છે તે વાત આ સાથે સાબિત થાય છે.

ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, છેલ્લા છ તબક્કામાં દરેક વખતે ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. પશ્ચિમ બંગાળમાં હાર ભાળી ગયેલા મમતા બેનરજી આ પ્રકારના હુમલા કરાવી રહ્યા છે. આ પત્રકાર પરિષદના માધ્યમથી હું ચૂંટણી પંચને પણ કહેવા માગું છું કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં હિસ્ટ્રીશીટરને ખુલ્લા છોડવામાં આવ્યા નથી. એક પણ જગ્યાએ હિસ્ટ્રીશીટરની ધરપકડ કરાઈ નથી. ચૂંટણી પંચ શા માટે બેવડી નીતિ અપનાવી રહ્યું છે. 

પશ્ચિમ બંગાળમાં માહોલ બદલાયો
અમિત શાહે વધુમાં કહ્યું કે, હું છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પ્રચાર કરવા ગયો છું. અમારા માનનીય વડા પ્રધાનને પણ અનેક સ્થળે રેલી કરી છે. પશ્ચિમ બંગાળમાં માહોલ બદલાઈ ગયો છે. ભાજપની તરફેણમાં હવા ફેલાઈ ગઈ છે. અમિત શાહે મમતાને સંબોધીને કહ્યું કે, દીદી તમે ભલે ઉંમરમાં મારા કરતાં મોટા હોય, પરંતુ ચૂંટણી લડવાનો મારો અનુભવ તમારા કરતા વધુ મોટો છે. 

કીચડ ઉછાળો જેટલું ઉછાળવું હોય
મમતા બેનરજી ભલે ગમે તેટલી હિંસા કરે, પરંતુ તેમને કંઈ ફાયદો થશે નહીં. તેઓ જેટલું કીચડ ઉછાળશે, તેટલું જ કમળ ખીલશે. પશ્ચિમ બંગાળમાં હું પ્રજાનો આક્રોશ જોઈને આવ્યો છું. તેમણે કહ્યું કે, મમતા દીદી તમારી એફઆઈઆરથી ભાજપ ડરતું નથી. જો તમે મારા પર એફઆઈઆર કરીને ડરાવા માગો છો કે ભાજપ ડરી જશે તો હું આપને સુચિત કરવા માગું છું કે, સાતમા તબક્કામાં ભાજપના કાર્યકર્તા જોરદાર મતદાન કરશે અને 23મી મેના રોજ તમને પરિણામ જોવા મળશે.

23થી વધુ સીટ જીતીશું
અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ 23 કરતાં વધુ સીટ પર વિજય મેળવશે. અમારો આત્મવિશ્વાસ તો વધુ છે પરંતુ હાલ હું કોઈ આંકડો બતાવવા માગતો નથી. છ તબક્કાના મતદાન પછી ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી છે. સાતમા તબક્કાના મતદાન પછી ભાજપને પૂર્ણ બહુમત મળશે અને અમે 300 કરતા વધુ બેઠકો સાથે વિજય મેળવીશું.

સદનસીબે હું બચ્યો છું
અમિત શાહે જણાવ્યું કે, CRPFના કારણે મારો બચાવ થયો છે. જો સીઆરપીએફ ન હોત તો હું આજે અહીં જીવતો બચ્યો ન હોત. મારા સદનસીબે જ હું અહીં બચ્યો છું.

રાષ્ટ્રપતિ શાસનની જરૂર નથી
અમિત શાહે એક સવાલના જવાબમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કોઈ જરૂર નથી. 23 મેના રોજ જનતા જ અહીં મમતા દાદીનું શાસન સમાપ્ત કરી દેશે. 

દેશના એક પણ રાજ્યમાં હિંસા કેમ નહીં
અમિત શાહે જણાવ્યું કે, દેશભરમાં છેલ્લા 6 તબક્કા પર તમે નજર દોડાવો. એક પણ રાજ્યમાં હિંસાની ઘટના જોવા મળી નથી. દેશમાં ભાજપ શાસિત રાજ્યો હોય કે પછી અન્ય પાર્ટીઓ દ્વારા શાસિત રાજ્ય હોય ત્યાં શા માટે ચૂંટણી દરમિયાન હિંસા જોવા નથી મળી. માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળમાં જ શા માટે દરેક તબક્કામાં હિંસા જોવા મળી છે? ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની તરફેણમાં કામ કરતું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

હિંસક ઘટનાઓ પછી ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર આ હિંસાને વખોડી કાઢવામાં આવી હતી. આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "પરાજયના ભયથી મમતાએ હિંસા કરાવી છે. મમતાએ આ હિંસાની કિંમત ચૂકવવી પડશે. રોડ શોમાં મમતાએ શાંતિનો ભંગ કર્યો. ષડયંત્ર વગર હુમલો થઈ શકે નહીં. મમતા પરાજયના ભયથી હતાશ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે આંખ-કાન બંધ કરી લીધા છે. હિસ્ટ્રીશીટર ખુલ્લેઆમ ફરી રહ્યા છે."

પશ્ચિમ બંગાળ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે બંગાળમાં મમતા બેનર્જીને પોતાની હાર દેખાઈ રહી છે. ભાજપનું કહેવું છે કે હારના ડરથી ટીએમસી હિંસાનો આશરો લઈ રહી છે. ભાજપે કહ્યું કે મમતા હારથી બચવા માટે છેલ્લી કોશિશ કરી રહ્યાં છે. ભાજપનું કહેવું છે કે મમતાના ષડયંત્રને પૂરું થવા દઈશું નહીં. મમતા ગમે તે કરી લે, બંગાળ નહીં જીતી શકે. રોડ શો દરમિયાન કેટલાક લોકોએ પથ્થરો ફેંક્યા. ભાજપનો આરોપ છે કે રોડ શો દરમિયાન ચાર હુમલા કરાયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news