હરિયાણાઃ ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન, જેજેપીને ડેપ્યુટી સીએમનું પદ

રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી તરીકે મનોહર લાલ ખટ્ટરની પસંદગી ગુરૂવારે જ ભાજપની કારોબારીમાં કરવામાં આવી હતી. હવે આગામી પાંચ વર્ષ સુધુ હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર રહેશે. 

Updated By: Oct 25, 2019, 09:55 PM IST
હરિયાણાઃ ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન, જેજેપીને ડેપ્યુટી સીએમનું પદ

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન બની ગયું છે. ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં જેજેપીના ટેકા સાથે સરકાર બનાવશે. ભાજપ દ્વારા જેજેપીની માગણીઓનો સ્વીકાર કરાયો છે અને જેજેપીને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરાતં બે રાજ્યમંત્રી પદ આપવાનો નિર્ણય લેવાયો છે. 

રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી તરીકે મનોહર લાલ ખટ્ટરની પસંદગી ગુરૂવારે જ ભાજપની કારોબારીમાં કરવામાં આવી હતી. હવે આગામી પાંચ વર્ષ સુધુ હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર રહેશે. 

ગઠબંધનની જાહેરાત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, "હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જનતાએ જે જનાદેશ આપ્યો છે તેને ધ્યાનમાં રાખીને ભાજપ અને જેજેપીએ ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. શનિવારે ભાજપની બેઠક થયા પછી રાજ્યપાલને સરકાર રચવા માટે જણાવાશે. જેજેપીને નાયબ મુખ્યમંત્રી અને બે મંત્રી પદ આપવામાં આવશે. સાથે જ અપક્ષોનું પણ સમર્થન લેવામાં આવશે. હરિયાણામાં ગઠબંધન સરકાર આગામી 5 વર્ષ સુધી રાજ્યમાં મોદી સરકારના નેતૃત્વમાં રાજ્યના વિકાસને આગળ ધપાવશે."

ગઠબંધનની જાહેરાત પછી હરિયાણાના મુખમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, "અમે જનતાના જનાદેશને સ્વીકારીએ છીએ. જનતાની લાગણીને ધ્યાનમાં રાખીને જ અમે જેજેપી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. અમારી સાથે કેટલાક અપક્ષો પણ છે અને તેમનું પણ સમર્થન લેવામાં આવશે."

જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું કે, "અમારા દાદા દેવીલાલ ચૌટાલા પણ જનસંઘ સાથે જોડાયેલા હતા. અમારી પાર્ટીના નેતાઓ સાથે મળીને રાજ્યના વિકાસને આગળ લઈ જવા માટે અમે ભાજપને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના કાર્યકર્તાઓનો અને રાજ્યની જનતાનો અભુતપૂર્વ સમર્થન બદલ અમે આભાર માનીએ છીએ."

શનિવારે ગઠબંધનની તમામ પ્રક્રિયા પુરી કર્યા પછી રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે. બંને પક્ષો વચ્ચે થયેલા ગઠબંધન અનુસાર મુખ્યમંત્રી ભાજપના રહેશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી પદ જેજેપીને આપવામાં આવશે. જેજેપીમાંથી કોણ મંત્રી બનશે તેની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...