Photos : વોટિંગ કરવામાં ક્યાંક ઉત્સાહ, તો વોટિંગના આંકડામાં દેખાઈ નિરાશા
ગુજરાતભરમાં હાલ 26 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાતાઓની લાઈન મતદાન બૂથ પર જોવા મળી રહી છે, પણ ક્યાંક ગુજરાતના મતદાતાઓમાં ભારેભાર નિરાશા પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં 11 વાગ્યા સુધીનો જે આંકડો સામે આવ્યો છે, તે નિરાશાજનક છે, તો સામે રાજકીય પાર્ટીઓ માટે ચિંતાજનક છે. બપોર બાદ ક્યાંક આ આંકડો વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 11 કલાક સુધીમાં માત્ર 18.05 ટકા જ મતદાન થયું છે. પરંતુ આ વચ્ચે પણ કેટલાક મતદારોઓ મત આપીને પોતાની ફરજ બજાવી છે. જુઓ વોટર્સમાં કેવો ઉત્સાહ છે, કેવી પરિસ્થિતિમા પણ લોકો વોટ આપવા પહોંચ્યા છે. આ તમામ વોટર્સ અન્ય લોકો માટે પ્રોત્સાહન રૂપ છે.
ભરૂચના વાગરાના ચાંચવેલ મતદાન મથકે ભાજપાના ચૂંટણી ચિન્હવાળી સાડી પહેરી મહિલાઓ મતદાન કરવા પહોંચી હતી.
પાટણ લકસભા મતદાર વિભાગમાં મહિલાઓ અને પુરુષ મતદારો સવાર થી મતદાન મથકો પર પહોંચી મતદાન કરી રહ્યા છે, ત્યારે યુવા મતદારોને પ્રેરણા રૂપ એક વૃદ્ધ મહિલાએ પણ મતદાન કર્યું હતું. પાટણમાં 107 વર્ષના વૃદ્ધ માજી કુંવરબેન અશક્ત હોવા છતાં પરિવારના સભ્યોની મદદથી મતદાન કરવા પહોંચ્યા હતા. તેમને ખાટલામાં બેસાડીને મતદાન મથક પર લઇ જવાયા હતા.
વડોદરાના રાજવી પરિવારના સભ્યો દાંડિયાબજાર સ્થિત ટેક્નિકલ સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડેએ મતદાન કર્યું હતું.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ખાંડા ગામે વરરાજાએ મતદાન કર્યુ હતું. વરરાજા સહિત જાનૈયાઓ જાન લઇને જતા પહેલા પોતાની નૈતિક જવાબદારી સમજીને મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ વરરાજા રીતરિવાજ મુજબ રંગેચંગે જાન લઈ નીકળ્યા હતા.
બોટાદના ગઢડામા લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા હતા. લોકશાહીના પર્વની ઉજવણી કરવા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા.
વલસાડના ઓલગામ ખાતે નવદંપતીએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. પીઠી લગાવી બંને વરવધુ મતદાન મથકે પહોંચ્યા હતા.
દાદરા નગહવેલીનાં દાદરીપાડા ખાતે નવદંપતી સાત ફેરા લેતા પહેલા સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા. બંનેએ પોતાના ગામે દાદરી પાડા ખાતે મતદાન કર્યું હતું.
Trending Photos