વડોદરાની આર્ટિસ્ટ માતા-પુત્રીએ કેનવાસ પર બનાવ્યા પીએમ મોદીના આદમ કદના પોટ્રેટ
કલાનગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના કલાકાર માતા-પુત્રીએ નરેન્દ્ર મોદીના આદમ કદના સાત જેટલા પોટ્રેટ બનાવ્યા છે. દેશમાં પાંચ વર્ષ સુધી મોદી સરકારની કામગીરીને વખાણી આ બને કલાકારોએ મોદી સરકારની યોજના અને મોદીજીના માતા સાથેના સબંધને કેનવાસ પર રંગોના માધ્યમથી ઉતાર્યા છે. તેઓ આ તમામ પોટ્રેટ લોકસભા ચૂંટણીના 23મેના રોજ પરિણામ પછી પીએમ મોદીને ભેટમાં આપવા માગે છે
તૃષાર પટેલ/ વડોદરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર દેશ અને દુનિયામાં અનોખા પ્રશંસકો રહેલા છે. આ પ્રસશંકો પીએમ મોદીના કામ અને વ્યક્તિત્વથી પ્રભાવિત છે. વડોદરાના નવાબજારના બાજવાડા વિસ્તારમાં રહેતા પેઈન્ટિંગ આર્ટિસ્ટ ઇન્દુબેન પંડ્યા અને કુમકુમ પંડ્યાએ પીએમ મોદીના 5 વર્ષની કેટલીક કામગીરીને થીમ બનાવીને કેનવાસ પર ઉતારી છે. તેમણે પીએમ મોદીના આદમ કદના વિશાળ 7 જેટલા પોટ્રેટ બનાવ્યા છે. આ બંને મહિલા સંબંધમાં માતા-પુત્રી છે અને શહેરના જાણીતા આર્ટીસ્ટ છે.
સર્જિકલ સ્ટ્રાઈક પર બનાવ્યું પોટ્રેટ
એક પોટ્રેટમાં તેમણે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને થીમ બનાવાઈ છે તો એક અન્ય પોટ્રેટમાં પીએમ મોદીના વિશાળ ચહેરાની સાથે જ કુંભના મેળામાં વડાપ્રધાન દ્વારા સફાઈ કર્મીઓના પગ ધોઈને તેમને જે સન્માન આપવામાં આવ્યું હતું તેને કેનવાસ પર ઉતારવામાં આવ્યું છે.
પીએમનો માતૃપ્રેમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માતૃપ્રેમ તો જગજાણીતો છે. વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ તેમના માતા હીરાબાને ભુલ્યા નથી. તેઓ જ્યારે પણ ગાંધીનગરની મુલાકાત લે છે ત્યારે અવશ્ય માતાના આશિર્વાદ લેવા માટે પહોંચી જાય છે. તાજેતરમાં જ ગુજરાતમાં 23 એપ્રિલના રોજ જ્યારે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું ત્યારે પણ તેમણે માતાના હાથે શીરો ખાઈને વિજયના આશિર્વાદ લીધા હતા અને પછી મતદાન કરવા માટે રવાના થયા હતા.
વડાપ્રધાન મોદીના વિવિધ ભાવોનું ચિત્રણ
વડાપ્રધાન મોદીના વિવિધ ભાવોને તેમણે કેનવાસ પર રંગોમાં ઉતાર્યા છે. તેમણે વડાપ્રધાનની વિવિધ અદાઓ કે જે લોકોમાં સૌથી વધુ પ્રિય છે તેને કેનવાસ પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે.
પીએમ મોદી અને સ્વચ્છતા અભિયાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન બન્યા પછી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન લોન્ચ કર્યું હતું. તેઓ પોતે પણ હાથમાં ઝાડુ લઈને દિલ્હીની સડકો પર સફાઈ કરવા નિકળી પડ્યા હતા. પીએમ મોદીના આ સદ્કાર્યને પણ કલાકાર માતા-પુત્રીએ કેનવાસ પર ઉતાર્યો છે.
7 દિવસની અથાગ મહેનત
માતા અને પુત્રીને પીએમ મોદીના આદમ કદના વિશાળ પોટ્રેટ બનાવવા માટે 7 દિવસ જેટલો સમય લાગ્યો હતો. વડોદરાના બાજવાજડામાં રહેતા ઇન્દુ પંડ્યા નાનપણથી ચિત્રકામ કરતા આવ્યા છે અને તેમના પગલે ચાલીને તેમની પુત્રી કુમકુમ પંડ્યાએ ફાઇન આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. બંને મહિલાઓએ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દેશના પ્રધાન સેવક માટે કાંઈક નવું અને અનોખું કાર્ય કરવાનું નક્કી કર્યું હતું.
દિલ્હી જઈને પીએમ મોદીને પોટ્રેટ રૂબરૂ ભેટમાં આપવાની ઈચ્છા
શહેરના બાજવાડા વિસ્તારમાં રહેતા પંડ્યા પરિવારના મોટાભાગના સભ્યો કલા સાથે સંકળાયેલા છે. માતા-પુત્રી ચિત્રકાર છે તો પિતા અને જમાઈ સંગીતના ક્ષેત્રે ખાસી નામના મેળવેલ છે. માતા ઈન્દુબેન અને દિકરી કુમકુમ પંડ્યા દિલ્હી જઈને પીએમ મોદીને રૂબરૂમાં આ પોટ્રેટ ભેટમાં આપવાની ઈચ્છા ધરાવે છે. આગામી 23 મેના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ આવી જાય ત્યાર પછી તેઓ દિલ્હી જવા માગે છે.
Trending Photos