નિષ્ફળ પાકિસ્તાનું નવું પગલું: કાશ્મીર મુદ્દાને ICJમાં લઈ જશે ઈમરાન ખાન સરકાર
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સ્થાનિક ચેનલ ARY Newsને જણાવ્યું હતું કે, "પાકિસ્તાને કાશ્મીરના મુદ્દે ICJના દરવાજા ખટખટાવાનો કરવાનો નિર્ણય લીધો છે."
Trending Photos
ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન ધૂઆંપૂઆં થયેલું છે. તે એક પછી એક નવાં પગલાં ભરી રહ્યું છે, પરંતુ દરેક ડગલે ને પગલે પાકિસ્તાન ભોંઠું પડી રહ્યું છે, તેમ છતાં તે થાકતું નથી. હવે ઈમરાન ખાન સરકારે કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના મીડિયામાં આ વાત જાણવા મળી છે.
પાકિસ્તાનમાં વિરોધ પક્ષો દ્વારા ઈમરાન ખાન સરકાર પર આરોપ લગાવાયો છે કે,"'આંતરરાષ્ટ્રીય ષડયંત્ર'ના ભાગરૂપે કાશ્મીરના મુદ્દે સરકાર ચૂપ છે." વિરોધ પક્ષોના આ આરોપ પછી પાકિસ્તાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સ્થાનિક ચેનલ ARY Newsને જણાવ્યું હતું કે, "પાકિસ્તાને કાશ્મીરના મુદ્દે ICJના દરવાજા ખટખટાવાનો કરવાનો નિર્ણય લીધો છે."
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાને ચીનની મદદથી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યાં તેનો ભૂંડો પરાજય થયો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 5 સભ્યોમાંથી ચીન સિવાયના તમામ સભ્યો ભારતની પડખે ઊભા રહ્યા હતા અને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારતની આંતરિક બાબત છે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર હસ્તક્ષેપ કરી શકે નહીં. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરની સમસ્યા બંને દેશોની આંતરિક સમસ્યા છે અને તેમણે દ્વીપક્ષીય રીતે તેનો ઉકેલ લાવવો જોઈએ.
સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 30 મિનિટની વાતચીત પછી મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાનને ફોન કર્યો હતો અને તેને બરાબરની સંભળાવી દીધી હતી. ટ્રમ્પે ઈમરાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ભારત સામે તેઓ સમજી-વિચારીને નિવેદન આપે. પાકિસ્તાનના નેતાઓ દ્વારા જે ઉષ્કેરણીજનક નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે ક્ષેત્રીય શાંતિ માટે ઉચિત નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાતચીત કરી છે. બંનેએ વ્યાપાર, રણનૈતિક ભાગીદારી અને સૌથી મહત્વપૂર્ણ બંને દેશો દ્વારા કાશ્મીરના મુદ્દે તણાવ ઘટાડવાની દિશામાં કામ કરવા અંગે વાત કરી છે. પરિસ્થિતિ કઠીન છે, પરંતુ સારી વાટાઘાટો હોવી જોઈએ."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે