ભરૂચવાસીઓને સરકારે આપી મોટી ભેટ, નવી મેડિકલ કોલેજ માટે આપી મંજૂરી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, આ કોલેજે એમ.બી.બી.એસ.ની ૧૫૦ બેઠકો મેળવવા અને દર્દીઓને વધુ સારી સારવાર-સુવિધા મળે તે માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી મળતાં ભરૂચ ખાતે આ નવી કોલેજ કાર્યરત થશે

ભરૂચવાસીઓને સરકારે આપી મોટી ભેટ, નવી મેડિકલ કોલેજ માટે આપી મંજૂરી

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં પ્રજાજનોના સ્વાસ્થ્ય સુવિધાઓનો વ્યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારે અનેક પગલા લીધા છે. ત્યારે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા અંગેની રાજ્ય સરકારની નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મેડિકલ કમિશન દ્વારા ગુજરાતના ભરૂચ જિલ્લા (bharuch) માં આવેલી ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ (medical colledge) અને રિસર્સ ઈન્સ્ટિટ્યૂટે ભરૂચ ખાતે મેડિકલ કોલેજ સ્થાપવા માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે 150 બેઠકો સાથે મંજૂરી આપી દીધી છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, આ કોલેજે એમ.બી.બી.એસ.ની ૧૫૦ બેઠકો મેળવવા અને દર્દીઓને વધુ સારી સારવાર-સુવિધા મળે તે માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી મળતાં ભરૂચ ખાતે આ નવી કોલેજ કાર્યરત થશે. જેમાં હયાત હોસ્પિટલનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે. આ કોલેજમાં પ્રથમ વર્ષે 150 બેઠકો પર વિદ્યાર્થીઓને મેડિકલના અભ્યાસ માટે પ્રવેશ અપાશે.    

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં મેર્યુ કે, હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 34 મેડિકલ કોલેજો કાર્યરત છે. ભરૂચ ખાતે આ નવી મેડિકલ કોલેજના નિર્માણ થકી 150 બેઠકો ઉમેરાતાં હવે રાજ્યમાં અંદાજે 6150 જેટલી તબીબી શિક્ષણ માટેની બેઠકો ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે 100 બેઠકો સાથેની નવી કોલેજને મંજૂરી મળી છે, ત્યારે રાજપીપળાની નજીકના ભરૂચ જિલ્લામાં વધુ 150 બેઠકોની નવી મેડિકલ કોલેજ મળતાં આસપાસના વિસ્તારના પ્રજાજનોને વધુ સારી આરોગ્ય વિષયક સેવાઓ સરળતાથી મળી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news