‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા....’ પાટીલની રાજકોટમાં સીધી વાત
સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવા માટે હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે
Trending Photos
બ્રિજેશ દોશી/રક્ષિત પંડ્યા/રાજકોટ :ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સૌરાષ્ટ્રમાં ભાજપ (Gujarat BJP) ને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવા માટે હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સીઆર પાટીલે પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળતા જ તેઓએ અનેક નવા નિયમો બનાવ્યા, નવી રણનીતિ બનાવી છે. ત્યારે આજે રાજકોટના પ્રવાસ દરમિયાન તેઓએ મોટુ નિવેદન આપ્યું છે. પત્રકાર પરિષદમાં સંબોધતા સીઆર પાટીલે દાવો કર્યો કે, દરેક બેઠક માટે અલગ રણનીતિ સાથે આગળ વધીશું. ઓછામાં ઓછી 25 હજારની લીડથી જીતવાનો લક્ષ્યાંક રહેશે. કાર્યકરોને પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ જૂથમાં ના રહેવું. હવેથી ફક્ત મેરિટના આધારે જ કાર્યકરોને પદ, હોદ્દો કે ટિકીટ મળશે.
વિજય રૂપાણીના ગઢમાં પાટીલની કાર્યકર્તાઓને સીધી વાત...
રાજકોટ ભાજપના નિષ્ક્રિય કાર્યકરો અને નેતાઓને સીઆર પાટીલે ટકોર કરીને ‘ચૂંટણીમાં ટિકિટ મળી જશે..’ તેવા ભ્રમમાં ન રહેવા ચીમકી આપી છે... સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, તમને એવું થાય કે અમારા વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી છે એટલે અમને તો તરત કહીં દેશે કે આનો ટિકિટ લઈ જાઓ, એટલે અમારું બુથ જો માયનસ હશે તો પણ ટિકિટ મળી જશે. એવા ભ્રમમાં રહેતા નહીં. વધુમાં પાટીલે કહ્યું કે, રૂપાણી સાહેબે જ મને એવું કહ્યું છે કે બુથ માયનસ હોય તેમને ટિકિટ આપવાની જ નહિ. હવે તમે બૂથમાં છેલ્લા 4 ઈલેક્શનમાં કેટલા મત મળેલા તે પણ ચેક કરી લેજો અને તો જ ટિકિટની તૈયારી કરજો નહીંતર ખોટી મહેનત કરતા નહીં.
1 કરોડ કાર્યકર્તાઓની ફોજ છે એટલે બહારથી કોઈને લાવવાની જરૂર નહિ પડે
તેમણે વધુમાં કહ્યું કે, 8 પેટા ચૂંટણી સાથે મહાનગરપાલિકા અને આવનારી વિધાનસભા ચૂંટણી અમારો ટાર્ગેટ છે. અમે સંકલ્પ કર્યો છે કે, અમે 182 સીટ જીતીશું. આ માટે રોડ મેપ પણ તૈયાર છે. કાર્યકરોના સૂચનનો મોટો મુદ્દો એ છે કે, કેટલાક જગ્યા પર મહત્વ નથી મળી રહ્યું. માટે કાર્યકર્તાઓના સૂચન મહત્વના છે. ગુજરાતમાં 1 કરોડ અને 13 લાખ કાર્યકર્તાઓની ફોજ છે એટલે બહારથી કોઈને લાવવાની જરૂર નહિ પડે. બધા જ કાર્યકર્તાઓ સક્ષમ હોય ત્યારે તેઓ પોતાના મનની વાત પણ રજૂ કરે છે. કાર્યકર્તાઓએ આપેલા સૂચન ખૂબ જ અગત્યના છે અને તેનો અમલ પણ કરીશું. આ પ્રવાસનો હેતુ માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કાર્યકર્તાઓ સાથે મુલાકાતનો જ નહિ, પરંતુ અલગ અલગ સમાજના આગેવાનો, એનજીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે મુલાકાત પણ જરૂરી છે. કાર્યકર્તાઓની ફરિયાદ, સમસ્યા અને સૂચન પણ હોય છે. એ રૂબરૂ સાંભળવા વગર છૂટકો નથી. સોમનાથ અને ખોડલધામના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. મંદિરોમાં દર્શનથી આત્મવિશ્વાસ વધે છે. ઉત્તર ગુજરાત પણ જઇશ. ત્યાર બાદ અમરેલી અને ભાવનગરનો પ્રવાસ કરીશ. કાર્યકર્તાઓના આધારે ચૂંટણી લડું છું, એ રીતે જ અમે લડીશું.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે