નવા સીમાંકનથી ગાંધીનગર તાલુકા પંચાયતનું ચિત્ર બદલાયું, સત્તા પરિવર્તનની જોવાઈ રહી છે રાહ...

ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગામડા અને એક નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો હવે સભ્ય તરીકે નહિ ગણવામાં આવે

Updated By: Sep 8, 2020, 08:04 AM IST
નવા સીમાંકનથી ગાંધીનગર તાલુકા પંચાયતનું ચિત્ર બદલાયું, સત્તા પરિવર્તનની જોવાઈ રહી છે રાહ...

હિતલ પારેખ/ગાંધીનગર :આ વર્ષના અંતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે એ પહેલાં રાજ્ય ચૂંટણી પંચે નવું સીમાંકન (delimitation) જાહેર કર્યું છે. મહાનગર પાલિકા, નગર પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોના હદ વિસ્તારમાં ફેરફાર કરાયો છે. રાજ્ય ચૂંટણી પંચે (election commission) બેઠક અને વિસ્તારમાં ફેરફારની કામગીરી પૂર્ણ કરીને તેને જાહેર કરી હતી. આમ હવે ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નક્શામાં ફેરફાર થયો છે. ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતનું આખેઆખું ચિત્ર બદલાઈ ગયું છે. નવા સીમાંકન પ્રમાણે ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપના ૬ સભ્યો અને કોંગ્રેસના ૩ સભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. 

નવા સીમાંકનનો કોંગ્રેસને થશે ફાયદો 
ગાંધીનગર તાલુકા પંચાયતના સભ્યપદ અંગે રાજ્ય સરકારે બહાર પાડેલા સીમાંકન પ્રમાણે હવે ચિત્ર બદલાઈ ગયું છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગામડા અને એક નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો હવે સભ્ય તરીકે નહિ ગણવામાં આવે. આગામી ૯મી તારીખે યોજાનાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સત્તા પરિવર્તન થશે. અત્યારે તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતા નવમી તારીખે સામાન્ય સભામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્ય સરકારનાં જાહેરનામા બાદ હવે ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપ સમર્પિત 11 સભ્યો અને કોંગ્રેસ સમર્પિત 16 રહેશે. જેના કારણે સરળતાથી કોંગ્રેસ સત્તા મેળવી શકશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 5 મહાનગરપાલિકાઓ, 6 નગરપાલિકાઓ, 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોના સીમાંકનમાં ફેરફાર થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા બાદ હવે રાજકીય પક્ષો અને નાગરિકોના વાંધા સૂચનોની પ્રક્રિયાનો પ્રારંભ થશે.