ગીરની નદીઓમાં ઘોડાપૂર, માધવરાયજી ફરી એકવાર 15 ફૂટ પાણીમાં ગરકાવ
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો, ગીર સોમનાથ: હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ગીર સોમનાથની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જેના કારણે પ્રાચીમાં ફરી એકવાર માધવરાયજી પાણીમાં ગરકાવ થઇ ગયા છે. માધવરાયજી મંદિર 15 ફૂટ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ગીર વિસ્તારમાં રાત્રી દરમિયાન વરસાદ વરસતા સરસ્વતી નદી ગાંડીતુર બની છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદી રોદ્ર સ્વરૂપ અને કોઝવે પર પાણી ભરાયા છે.
આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવર ફરીવાર ઓવરફ્લો થયો છે. ગિરનાર અને દાતાર પર્વત પર વરસાદ થતાં નરસિંહ મહેતા સરોવરમાં ફરી નવા નીરની આવક થતા તળાવ ઓવરફ્લો થયું છે. ગિરનાર પર્વતમાળામાં વરસાદને લઇ સોનરખ નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોડીનારની શિંગોડા નદી બે કાંઠે વહેતી થઇ છે. પાણીનો પ્રવાહ વધતા કોડીનાર બે ભાગમાં વિભાજીત થયું છે. ત્યારે ડેમના દરવાજા ખોલતા પુરની સ્થિતિ સર્જાઇ છે.
જો કે, ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રાવલ ડેમમાં પાણીની આવક વધતા રુલ લેવલ જાળવવા માટે 1 દરવાજો 0.30 મીટર ખોલાયો હતો. જ્યારે અન્ય 1 દરવાજો પણ 0.30 મીટર ખુલ્લો કરાયો છે. જેથી 2 દરવાજા 0.30 મીટર ખુલ્લા છે. જેનો પ્રવાહ પ્રતિ સેકન્ડ 2472 થાય છે. રાવલ ડેમની ઉંચાઇ 18.70 મીટર છે. ત્યારે પાણીનો જથ્થો 23.28 ક્યૂસેક જોવા મળી રહ્યો છે. રાવલ નદી નીચે આવતા ગામો ચીખલકુબા, ધોકડવા, જસાધાર, મહોબતપરાના લોકોને નદી કાંઠે ન જવા તથા સાવચેતીના પગલાં લેવા એલર્ટ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે