LokSabha Election 2019 Results LIVE : સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક, પીએમ મોદી સાંજે 5.30 કલાકે પહોંચશે દિલ્હી કાર્યાલય

17મી લોકસભા માટે યોજાયેલી 2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ 7 તબક્કાના મતદાન પછી આજે સવારે 23 મેના રોજ 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે અને  અડધા કલાકના અંદર જ ટ્રેન્ડ દેખાવાનો શરૂ થઈ જશે અને પછી તેના થોડા સમયમાં પરિમામ આવવા લાગશે. લોકસભાની 542 સીટ પર 8,000થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને આ વખતે અત્યાર સુધીનું સૌથી વધુ 67.11 ટકા મતદાન નોંધાયું હતું. 90.99 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે ભારતની લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ સખ્યા હતી. આ વખતે લોકસભાનું પરિણામ મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ થાય તેવી સંભાવના છે, કારણ કે, આ વખતે પ્રથમ વખત EVM મશીનની સાથે વોટર-વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ સ્લીપ (VVPAT)ની પણ સરખામણી થવાની છે. 

LokSabha Election 2019 Results LIVE : સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક, પીએમ મોદી સાંજે 5.30 કલાકે પહોંચશે દિલ્હી કાર્યાલય

નવી દિલ્હીઃ 17મી લોકસભા માટે યોજાયેલી 2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ 7 તબક્કાના મતદાન પછી આજે સવારે 23 મેના રોજ 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે અને  અડધા કલાકના અંદર જ ટ્રેન્ડ દેખાવાનો શરૂ થઈ જશે અને પછી તેના થોડા સમયમાં પરિમામ આવવા લાગશે. લોકસભાની 542 સીટ પર 8,000થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને આ વખતે અત્યાર સુધીનું સૌથી વધુ 67.11 ટકા મતદાન નોંધાયું હતું. 90.99 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે ભારતની લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ સખ્યા હતી. આ વખતે લોકસભાનું પરિણામ મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ થાય તેવી સંભાવના છે, કારણ કે, આ વખતે પ્રથમ વખત EVM મશીનની સાથે વોટર-વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ સ્લીપ (VVPAT)ની પણ સરખામણી થવાની છે.  

લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી દરેક વિધાનસભા બેઠકના 5 મતદાન મથકો પર હાથ ધરવામાં આવશે. એટલે કે લગભગ 10.3 લાખ મતદાન મથકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. આવા 20,600 દરેક મતદાન મથક પર EVM-VVPAT મશીન ગોઠવી દેવાયા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટેના કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે તેના અંતિમ આંકડા આપવામાં નથી આવ્યા, એટલે ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. 

સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી
ચૂંટણી પંચ દ્વારા સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે ડ્યૂટી પર તહેનાત મતદારો (સર્વિસ વોટર્સ)ની સંખ્યા લગભગ 18 લાખ છે. જેમાં સશસ્ત્ર દળો, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસ ફોર્સના જવાનો સામેલ છે જે પોતાના સંસદીય મતવિસ્તારથી બહાર તહેનાત છે. વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પદસ્થ રાજનયિક અને કર્મચારીઓ પણ સેવા મતદારો છે. આ 18 લાખ રજિસ્ટર્ડ મતદારોમાંથી 16.49 લાખ મતદારોએ 17મી મેના રોજ પોતાના રિટર્નિંગ અધિકારીઓને પોસ્ટ દ્વારા મતપત્ર મોકલી દીધો હતો.  

લોકસભાની 543 સીટમાંથી 542 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી, જેનું કારણ અહીં મતદારોને રીઝવવા માટે નાણાનો ઉપયોગ થવાની ફરિયાદો હતી. ચૂંટણી પંચ દ્વારા વેલોર બેઠક માટેની લોકસભા ચૂંટણીની તારીખ હજુ જાહેર કરાઈ નથી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત દેશભરમાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. 

લોકસભા ચૂંટણી 2019ના પરિણામની લાઈવ અપડેટ્સ માટે અહીં નીચે જોતા રહો....

12.30 PM : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બપોરે 2.00 કલાકે દિલ્હીના કાર્યાલય ખાતે જશે. 

12.20 PM : લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં 542 સીટનો હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં અત્યારે ભાજપના નેતૃત્વવાળુ ગઠબંધન એનડીએ 346 સીટથી વધુ આગળ છે. જેની સામે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન યુપીએ 88 સીટ પર લીડ મેળવી રહ્યું છે. અન્ય પક્ષો 108 સીટ પર આગળ ચાલી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીનો સફાયો થયો છે. તો ઓડીશા વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળે પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. 

12.15 PM : ભાજપના દિલ્હી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એક્ઠા થઈને ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે. ભાજપના કાર્યાલય તરફ જતા તમામ માર્ગો બ્લોક કરી દેવાયા છે. 

12.10 PM: ભોપાલ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર કોંગ્રેસના દિગ્વિજય સિંઘ સામે લીડ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, લોકોએ ફરી વખત ભાજપમાં વિશ્વાસ મુક્યો છે અને હું તેના માટે લોકોનો આભાર માનું છું. 

12.05 PM : આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નાયડુનો પરાજય થતાં તેઓ આજે સાંજે રાજ્યપાલને રાજીનામું સોંપવા જશે. અહીં વાયએસઆર કોંગ્રેસ 141 સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે ટીડીપી માત્ર 27 બેઠક પર આગળ ચાલી રહી છે. 

12.00 PM : ભાજપની સંસદીય બોર્ડની બેઠક આજે બપોર પછી યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5.30 કલાકે ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરવા માટે દિલ્હીના કાર્યાલય ખાતે પહોંચશે. 

11.55 AM : નરેન્દ્ર મોદી વારાણસી ખાતે 1,71,479 વોટથી આગળ ચાલી રહ્યા છે. તેમણે કોંગ્રેસના અજય રાયને ઘણા પાછળ રાખી દીધા છે. 

11.50 AM : કોંગ્રેસ 50 પર અટકી 
લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ સતત મજબૂત થઈ રહી છે. અત્યારે તેણે 542માંતી 292 સીટ પર લીડ મેળવી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 50ના આંકડાને પણ પાર કરી શકી નથી. અત્યારે કોંગ્રેસ પાર્ટી 50 સીટ પર લીડ મેળવીને આગળ ચાલી રહી છે. 

11.40 AM : દેશના મુખ્ય રાજ્યોનો ટ્રેન્ડ- ગુજરાતમાં 26માંથી 26 સીટ પર ભાજપ આગળ, મહારાષ્ટ્રમાં ભાજપ+ (46), કોંગ્રેસ(6), હિમાચલ પ્રદેશમાં તમામ 4 સીટ પર ભાજપ આગળ, ઝારખંડઃ ભાજપ(13), કોંગ્રેસ(1), પશ્ચિમ બંગાળઃ ભાજપ(14), ટીએમસી (23), અન્ય(2), આંધ્રપ્રદેશઃ વાયએસઆરપી-23, ટીડીપી-2, છત્તીસગઢઃ ભાજપ (8), કોંગ્રેસ(3), હરિયાણાઃ ભાજપ(9), કોંગ્રેસ(1), પંજાબઃ કોંગ્રેસ(8), ભાજપ(4), ઉત્તરાખંટઃ તમામ 5 સીટ પર ભાજપ, રાજસ્થાનઃ તમામ 25 સીટ પર ભાજપ આગળ, બિહારઃ ભાજપ(38) અને કોંગ્રેસ(2).

11.38 AM : અમિત શાહને મળવા માટે તેમના ઘરે ભાજપના નેતા ભુપેન્દ્ર યાદવ અને અનિલ જૈન પહોંચ્યા હતા. 

11.35 AM : લોકસભા ચૂંટણીના ટ્રેન્ડમાં જે રીતે ભાજપના ગઠબંધન એનડીએને સ્પષ્ટ બહુમત મળતો દેખાઈ રહ્યો છે તેને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા તેમના નિવાસસ્થાનની બહાર આવ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

— ANI (@ANI) May 23, 2019

11.30 AM : 542 બેઠકોનો ટ્રેન્ડ આવી રહ્યો છે. હાલ ભાજપના નેતૃત્વવાળુ ગઠબંધન NDA 331 સીટ સાથે પૂર્ણ બહુમત સાથે આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વવાળુ ગઠબંધન UPA 101 બેઠક સાથે આગળ છે, જ્યારે અન્ય પક્ષો 110 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનની અનુક્રમે તમામ 26 અને 25 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 

11.25 AM : લોકસભા ચૂંટણી 2019ના પરિણામના ટ્રેન્ડમાં એનડીએને બહુમત મળતો દેખાયા પછી કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. 

11.20 AM : સુષમા સ્વરાજે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું કે, ભારતીય જનતા પાર્ટીને આટલો મોટો વિજય અપાવા માટે હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. હું દેશવાસીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. 

— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 23, 2019

11.12 AM : મધ્યપ્રદેશની ગુના સીટ પર જ્યોતિરાદિત્ય સિંધિયા માટે ખરાબ સમાચાર છે. ત્રણ રાઉન્ડની મતગણતરી પછી સિંધિયા અહીં 18,000 મતથી પાછળ ચાલી રહ્યા છે. આ સીટ પર ભાજપના કૃષ્ણપાલ સિંહ ઉર્ફે કે.પી. યાદવ મેદાનમાં છે. 

11.10 AM : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકકરી નાગપુર બેઠક પર કોંગ્રેસના નાના પટોલે કરતાં 33,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. 

11.05 AM : NDAને ક્લીન સ્વીપ મળતી દેખાતાં દિલ્હી ખાતેના ભાજપની ઓફિસ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. 

11.00 AM : તમામ 542 સીટનો ટ્રેન્ડ આવ્યો 
અત્યાર સુધી લોકસભા ચૂંટણી 2019ની તમામ 542 બેઠકનો ટ્રેન્ડ બહાર આવી ગયો છે. જેમાં 338 પર NDA, 103  સીટ પર UPA ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. અન્ય પક્ષો 101 સીટ પર આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 287 સીટ પર આગળ રહીને પોતાની રીતે જ સ્પષ્ટ બહુમત મેળવતી જોવા મળી રહી છે. 

10.55 AM : વડાપ્રધાન મોદી 1,50,000ની લીડ સાથે વારાણસી બેઠક પર આગળ. ગાંધીનગર સીટ પર ભાજપના અધ્યક્ષ અમિત શાહ દોઢ લાખ વોટથી આગળ ચાલી રહ્યા છે. અમેઠી બેઠક પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. ક્યારેક રાહુલ તો ક્યારેક સ્મૃતિ આગળ નિકળી રહ્યા છે. 

10.54 AM : સિક્કિમ વિધાનસભાની 33 બેઠકની મતગણતરી ચાલી રહી છે. તેમાંથી સિક્કિમ ક્રાંતિકારી મોરચા 7 બેઠક પર, જ્યારે સત્તાધારી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ 2 સીટ પર આગળ છે. 

10.52 AM : ઓડિશા રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક બીજુ જનતા દલ 63 સીટ પર, ભાજપ 16 સીટ પર, કોંગ્રેસ 5 અને અપક્ષ 1 સીટ પર આગળ ચાલી રહ્યા છે. 

10.50 AM : અરૂણાચલ પ્રદેશ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો 17 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. અહીં અપક્ષ 1 બેઠક પર આગળ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષ હજુ સુધી એક પણ બેઠક પર આગળ નથી. 

10.47 AM : ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 

10.45 AM : ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરની લોકસભા બેઠક પર હાલ 1,25,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. 

10.40 AM : NDA 336ને પાર 
NDA ગઠબંધન આ વખતે 2014નો રેકોર્ડ પણ તોડે તેવી સંભાવના છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરમાં ભાજપના ગઠબંધનને 336 સીટ મળી હતી. 2019ની લોકસભા ચૂંટણીના પરિણામનો અત્યારે જે ટ્રેન્ડ આવી રહ્યો છે તેમાં ભાજપના ગઠબંધને આ આંકડો પાર કર લીધો છે અને અત્યારે 338 સીટ પર આગળ છે. ભાજપ પોતે પણ જૂના રેકોર્ડથી આગળ નિકળી ગઈ છે. અત્યારે ભાજપ 286 સીટ પર આગળ છે, જ્યારે 2014માં ભાજપને 282 સીટ મળી હતી. 

10.35 AM : સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ. 40,000 પોઈન્ટના આંકડાને પાર કર્યો સેન્સેક્સ. નિફ્ટી 12,000ને પાર થઈ ગયો છે.

10.30 AM : ઓડિશા રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામમાં બીજેડી 27, ભાજપ 7, કોંગ્રેસ 2 સીટ પર આગળ ચાલી રહી છે. 

10.27 AM : આંધ્રપ્રદેશ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રા બાબુ નાયડુની પાર્ટી ટીડીપીને મોટો ફટકો જોવા મળી રહ્યો છે. અહીં વાયએસઆર કોંગ્રેસ 44 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી 8 સીટ પર જ આગળ છે. 

10.25 AM : ટ્રેન્ડમાં ભાજપે પોતાના બળે બહુમત મેળવ્યો
અત્યારે NDA ગઠબંધન 328 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જેમાંથી ભાજપના સ્વતંત્ર ઉમેદવાર 278 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. એટલે કે, ભાજપ પોતાના બળે બહુમતના જાદુઆ આંકડા 272ને પાર કરી ચૂક્યું છે. તેના સાથી પક્ષોમાં શિવસેના 18, જેડીયુ 16, એલજેપી 5 અને અસમ ગણ પરિષદ 2 સીટ પર આગળ ચાલી રહી છે. 

10.22 AM : ગુજરાતમાં તમામ 26 લોકસભા સીટ પર ભાજપ આગળ ચાલી રહી છે. કોંગ્રેસ દાહોદ બેઠક પર આગળ હતી, પરંતુ હવે ત્યાં પણ તે પાછળ થઈ ગઈ છે. 

10. 20 AM : કોંગ્રેસના શશિ થરૂર થિરૂવનંતપુરમ સીટ પર આગળ ચાલી રહ્યા છે. અહીં તેમની સામે ભાજપ દ્વારા મિઝોરમના પૂર્વ રાજ્યપાલ કુમાનમ રાજશેખરન ચૂંટણી લડી રહ્યા છે. 

10.17 AM : મધ્યપ્રદેશ-પંજાબમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ વાપસી કરતી જોવા મળી રહી છે. અત્યારે અહીં કોંગ્રેસ 10 સીટ પર આગળ છે, જ્યારે ભાજપ 19 સીટ પરઆગળ છે. પંજાબમાં કોંગ્રેસ 9 સીટ પર જ્યારે શિરોમણી અકાલી દળ 3 સીટ પર આગળ છે. 

10.15 AM : અત્યાર સુધી કુલ 542 સીટનો ટ્રેન્ડ આવી ગયો છે. જેમાં ભાજપના નેતૃત્વવાળુ ગઠબંધન NDA 322 સીટ પર આગળ છે, કોંગ્રેસના નેતૃત્વવાળુ ગઠબંધન UPA 116 સીટ પર આગળ છે, જ્યારે અન્ય પક્ષો 104 સીટ પર આગળ ચાલી રહ્યા છે. 

10.05 AM : ઉત્તરપ્રદેશની હોટ સીટ રામપુરમાં રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર જયાપ્રદા સમાજવાદી પાર્ટીના આઝમ ખાનથી આગળ છે. 

10.03 AM : ભાજપ પોતાના બળે બહુમતિ તરફ આગળ વધી રહી છે. અત્યારે NDA ગઠબંધન 314 સીટ પર આગળ છે, જેમાંથી ભાજપ 260 સીટ પર આગળ છે. શિવસેના 18, એલજેપી 4 સીટ પર અને જેડીયુ 15 સીટ પર આગળ ચાલી રહી છે. 

10.00 AM : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સપાના પૂનમ સિંહા સામે લખનઉ બેઠક પર 25,000 સીટ પર આગળ ચાલી રહ્યા છે. 

9.58 AM : કોંગ્રેસના ઉમેદવાર અને પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ સિવગંગા બેઠક પર 21,967 બેઠક સાથે લીડ કરી રહ્યા છે. 

9.55 AM : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢ બેઠક પર માત્ર 600ની પાતળી બહુમતી સાથે આગળ. તેમની સામે ભાજપે ભોજપુરી અભિનેતા નિહરુઆને ઊભા રાખવામાં આવ્યા છે. 

9.52 AM : પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસઅને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંને પાર્ટી 19 બેઠક પર લીડ કરી રહી છે. 

9.50 AM : લોકસભાની 542 લોકસભા સીટમાંથી 486 લોકસભા બેઠકનો ટ્રેન્ડ અત્યારે આવી ગયો છે. જેમાં 306 બેઠક પર ભાજપ તથા તેની સહયોગી પાર્ટીઓ આગળ ચાલી રહી છે. કોંગ્રેસઅને તેની સહયોગી પાર્ટીઓ 105 સીટ પર આગળ છે. અન્ય પક્ષો 75 સીટ પર આગળ ચાલી રહ્યા છે.

9.40 AM : વાયનાડ સીટ પર રાહુલ ગાંધીએ મજબૂત લીડ મેળવી લીધી. અત્યારે તેઓ કેરળની વાયનાડ બેઠક પર 34,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. જોકે, તેમની પરંપરાગત બેઠક અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઈરાની તેમનાથી આગળ ચાલી રહ્યા છે. 

9.35 AM : 455 લોકસભા સીટનો ટ્રેન્ડ બહાર આવી ચૂક્યો છે. ભાજપ અને તેના સાથી પક્ષો 290 સીટ પર, જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો 102 સીટ પર આગળ ચાલી રહ્યા છે. અન્ય પક્ષો 72 સીટ પર આગળ ચાલી રહ્યા છે. 

9.31 AM : રાયબરેલીમાં સોનિયા ગાંધી 600 વોટથી પાછળ ચાલી રહ્યા છે. 

9.30 AM : સેન્સેક્સમાં 600 પોઈન્ટનો તો નિફ્ટીમાં 120 પોઈન્ટનો ઉછાળો. 

9.27 AM : સુલતાનપુર-પીલીભીત બેઠક પર મેનકા અને વરૂણ ગાંધી આગળ
ઉત્તરપ્રદેશની સુલતાનપુર સીટ પર મેનકા ગાંધી અને પીલીભીત સીટ પર તેમના પુત્ર વરૂણ ગાંધી આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીલીભીત મેનકા ગાંધીની અને સુલતાનપુર વરૂણ ગાંધીની પરંપરાગત સીટ છે, પરંતુ પાર્ટીએ આ વખતે તેમની સીટ બદલી હતી. 

9.24 AM : દિલ્હીમાં 7 સીટ પર ભાજપ આગળ.

9.23 AM : પંજાબના ગુરદાસપુરમાં ભાજપના સની દેઓલ કોંગ્રેસના સુનીલ જાખડની સામે આગળ ચાલી રહ્યા છે. 

9.22 AM : તમિલનાડુમાં ડીએમકે 29 સીટ પર આગળ ચાલી રહી છે. 

9. 20 AM: ગાંધીનગર બેઠક પર અમિત શાહ 5500 મતથી આગળ ચાલી રહ્યા છે. 

9.15 AM : અત્યાર સુધી 542 સીટમાંથી 445 સીટનો ટ્રેન્ડ આગળ આવી ગયો છે. જેમાં ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ 280 સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો 102 સીટ પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે અન્ય પક્ષો 63 સીટ પર આગળ ચાલી રહ્યા છે.

9.08 AM : ગુના બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ ચાલી રહ્યા છે. આ તેમની પરંપરાગત બેઠક છે અને 2014માં મોદી લહેર હોવા છતાં પણ તેઓ અહીં વિજયી બન્યા હતા. જોકે, અત્યારે પ્રારંભિક ટ્રેન્ડમાં તેઓ પાછળ છે. 

9.05 AM : પંજાબમાં તમામ બેઠક પર કોંગ્રેસ આગળ
પંજાબમાં તમામ 13 બેઠકનો ટ્રેન્ડ આવી ગયો છે. અહીં કોંગ્રેસનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું છે. અત્યારે 10 સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 

9.01 AM : ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ 30,000 વોટથી આગળ.

9.00 AM : 285 સીટમાંથી 200 સીટ પર ભાજપ આગળ. કોંગ્રેસ 67 સીટ પર આગળ, અન્ય પક્ષો 23 સીટ પર આગળ. 

8.57 AM : કોંગ્રેસના ગઢ એવા અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધી 2000 વોટથી પાછળ ચાલી રહ્યા છે. 

8.54 AM : ભોપાલ સીટ પર ભાજપના સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસના દિગ્વિજય સિંહ પાછળ છે. 

8.51 AM : ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપ 13 બેઠક પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 1 સીટપર આગળ છે. અમરેલીમાં પરેશ ધાનાણી અને વલસાડમાં કે.સી. પટેલ આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર સીટ પર અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. 

8.50 AM : ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન પાછળ
ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટમાંથી 29 સીટનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં 18 સીટપર ભાજપ અને તેના સાથી પક્ષો આગળ છે, જ્યારે સપા-બસપા-આરએલડીનું ગઠબંધન માત્ર 7 સીટ પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો 4 સીટ પર આગળ છે. 

8.48 AM : 243 સીટનો ટ્રેન્ડ આવ્યો. NDA ગઠબંધન 146 સીટ પર આગળ, યુપીએ ગઠબંધન 59 સીટ પર કોંગ્રેસ આગળ. અન્ય પાર્ટીઓ 38 સીટ પર આગળ ચાલી રહી છે. 

8.46 AM : ભાજપનો ગઢ ગણાતી બેંગલુરુ દક્ષિણ સીટ પર મતગણતરી શરૂ થઈ છે. અહીં ભાજપના તેજસ્વી સુર્યા કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય બી.કે. હરીપ્રસાદ સામે પાછળ ચાલી રહ્યા છે.

8.45 AM : રાજસ્થાનની જોધપુર લોકસભા સીટ પર મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત પાછળ ચાલી રહ્યા છે. અહીં ભાજપના ગજેન્દ્ર સિંહ આગળ છે. 

8.44 AM : અમેઠીમાં ટેક્નીકલ કારણોસર મતગણતરી અટકાવાઈ. પ્રારંભિક ટ્રેન્ડમાં સ્મૃતિ ઈરાની આગળ અને રાહુલ ગાંધી પાછળ ચાલી રહ્યા છે. જોકે, વાયનાડ સીટ પર રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે.

8.40 AM : 214 સીટના ટ્રેન્ડમાં ભાજપ 130 બેઠક પર અને કોંગ્રેસ 57 સીટ પરઆગળ છે. અન્ય પાર્ટીઓ 27 સીટ પર આગળ ચાલી રહી છે. 

8.35 AM : અત્યાર સુધી 113 સીટનો ટ્રેન્ડ આવી ગયો છે. જેમાં ભાજપ 70 બેઠક પર અને કોંગ્રેસ ગઠબંધન 23 સીટ પર આગળ ચાલી રહ્યું છે. 20 સીટ પર અન્ય પક્ષો આગળ ચાલી રહ્યા છે. વાયનાડ સીટ પર રાહુલ ગાંધી અત્યારે આગળ ચાલી રહ્યા છે. 

8.32 AM : ભાજપ 95 સીટ પર આગળ. તેની સાથી પાર્ટી શિવસેના 4 સીટ પર આગળ. બિહારમાં ભાજપની ગઠબંધન પાર્ટી જેડીયુ એક સીટ પર આગળ. 

8.29 AM : વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લખનઉમાં રાજનાથ સિંહ, ગાંધીનગરમાં અમિત શાહ, અખિલેશ યાદવ, અનુપ્રિયા પટેલ, ધર્મેન્દ્ર યાદવ આગળ ચાલી રહ્યા છે. 

8.28 AM : અત્યાર સુધી 89 બેઠકનો ટ્રેન્ડ બહાર આવ્યો છે. જેમાં 56 સીટ પર ભાજપ અને 24 સીટ પર કોંગ્રેસ આગલ છે. 9 સીટ પર અન્ય પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 

8.25 AM : અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ 47 સીટ પર NDA આગળ ચાલી રહ્યું છે. યુપીએ ગઠબંધન 9 સીટ પર આગળ છે. અન્ય પાર્ટીઓ 5 સીટ પર આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ દ્વારા હજુ ખાતુ ખોલવામાં આવ્યું નથી.

8.20 AM : ગાંધીનગરમાં અમિત શાહ આગળ
ભાજપના અધ્યક્ષ અમિત શાહ કે જે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ હાલ અહીં આગળ ચાલી રહ્યા છે.

8.18 AM : લખનઉમાં ભાજપના રાજનાથ સિંહ આગળ, ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પાછળ ચાલી રહ્યાં છે. 

8.17 AM : 34 સીટ પર ભાજપ અને 7 સીટ પર કોંગ્રેસ અને અન્ય પાર્ટી આગળ. 

8.15 AM : પ્રારંભિક ટ્રેન્ડમાં NDA ગઠબંધન 22 સીટ પર આગળ છે, જ્યારે યુપીએ ગઠબંધન માત્ર 6 સીટ પર આગળ છે. 2 સીટ પર અન્ય પક્ષો આગળ ચાલી રહ્યા છે. 

8.12 AM : પ્રાપ્ત માહિતી મુજબ હાલ દેશમાં 4,000 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, મોડી સાંજ સુધીમાં પરિણામ સ્પષ્ટ થાય તેવી સંભાવના છે.

8.11 AM : રાહુલ ગાંધીના ઘરની બહાર હવન
લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય માટે રાહુલ ગાંધીના ઘરની બહાર પણ હવન શરૂ કરાયો છે. રાહુલ ગાંધી, રોબર્ટ વાડ્રા, પ્રિયંકા વાડ્રા અને રેહાન વાડ્રાના ફોટાની સાથે હવન કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં એક્ઠા થયેલા છે. 

8.10 AM : NDA 15 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ. 

8.08 AM : પોસ્ટલ બેલેટ અને EVMની ગણતરી સાથે-સાથે
મતગણતરી શરૂ થયા તે પહેલા જ એક રસપ્રદ માહિતી જાણવા મળી છે. આ વખતે પોસ્ટલ બેલેટની સાથે-સાથે EVMના વોટની પણ ગણતરી કરવામાં આવશે. અત્યાર સુધી એવું હતું કે, સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવતી હતી અને ત્યાર પછી EVM ની ગણતરી શરૂ કરવામાં આવતી હતી. આ વખતે બંનેની એકસાથે હાથ ધરાઈ છે.

8.05 AM : અમિત શાહે આપ્યું દિલ્હીનું નિમંત્રણ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા તમામ ઉમેદવારોને મતગણતરી કેન્દ્રો પર પોતાના પ્રતિનિધિ તૈનાત કરવા માટે સુચના આપવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિન-ભાજપ શાસિત રાજ્યો માટે આ નિર્દેશ અપાયા છે. આ ઉપરાંત, વિજેતા બનેલા તમામ ઉમેદવારોને 25 મે સુધી દિલ્હી પહોંચી જવાની પણ સુચના અપાઈ છે. 

8.00 AM : ચૂંટણી પંચ દ્વારા દેશના વિવિધ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવી. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ દ્વારા સરકારી કર્મચારીઓ દ્વારા જે મતદાન કરાયું હોય તેની મતગણતરી હાથ ધરાઈ છે. લગભગ 18 લાખ સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. 

7.45 AM : ભાજપ દ્વારા 20,000થી વધુ કાર્યકર્તાઓને દિલ્હી વડામથક ખાતે આવી પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે. 

7.40 AM : નવી દિલ્હી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અજય માકને સવારે મંદીરમાં પૂજા કર્યા પછી જણાવ્યું કે, કોંગ્રેસ વિજય મેળવશે અને સરકાર બનાવશે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી પીએમ બનશે. અજય માકને જણાવ્યું કે, દિલ્હીની તમામ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. 

7.35 AM : લોકસભા ચૂંટણી 2019નું પરિણામ જો એક્ઝીટ પોલ કરતાં જૂદું આવે તો કોંગ્રેસ દ્વારા કર્ણાટક સ્ટાઈલનો એક આખો પ્લાન-બી તૈયાર રાખવામાં આવ્યો છે. પાર્ટીએ તેમના ગઠબંધનનું નવું નામ 'સેક્યુલર ડેમોક્રેટિક ફ્રન્ટ' રાખ્યું છે. કોંગ્રેસની લીગલ ટીમે જો પાર્ટી ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટને ફાઈટ આપતી જોવા મળે તો નવી સરકાર રચવા માટે ત્રણ પ્રકારના પત્ર લખીને તૈયાર રાખ્યા છે. આ પ્લાનમાં જે પક્ષો યુપીએ ગઠબંધનમાં વર્તમાનમાં સંકળાયેલા નથી જેવા કે તૃણમુલ કોંગ્રેસ (TMC), તેલુગુ દેશમ પાર્ટી (TDP), સમાજવાદી પાર્ટી (SP), બહુજન સમાજ પાર્ટી (BSP) અને ડાબેરીઓના કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્કસિસ્ટને સાંકળી લેવાની યોજના છે.  

7.33 AM : ભાજપન નેતા નીતિન ગડકરીના ઘરને પક્ષના કેસરી અને લીલા રંગથી શણગારવામાં આવ્યું છે.

7.31 AM : કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને તેમના પુત્ર નિખિલ કુમારસ્વામીએ મતગણતરી પહેલાં કરી પૂજા. મુખ્યમંત્રીએ બેંગલુરુના બુનશંકરી મંદીરમાં પૂજા કરી હતી, જ્યારે નિખિલે મૈસુરમાં આવેલા ચામુન્ડેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. 

7.30 AM : રાત્રે જૂના ગીતો સાંભળ્યા - રવિશંકર પ્રસાદ
પટના સાહિબથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, મનથી ઉત્સાહિત છું, સ્વભાવથી શાંત છું. મેં રાત્રે શાંતિપૂર્ણ નિંદર લીધી છે. ઊંઘતા પહેલા કેટલાક મનપસંદ જૂના ગીતો સાંભળ્યા હતા. રવિશંકરે જણાવ્યું કે, આજે ઐતિહાસિક વિજય મળશે. ઉલ્લેખનીય છે કે, રવિશંકર પ્રસાદની સામે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિંહા ચૂંટણી લડી રહ્યા છે. 

7.27 AM : ગોરખપૂર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ભોજપુરી અભિનેતા રવિ કિશને ચૂંટણી પરિણામ આવે તે પહેલા પોતાના ઘરમાં વિશેષ પૂજા કરી હતી.

 

7.25 AM : ભાજપની ઓફિસના બહાર પૂજા
કોંગ્રેસની જેમ જ દિલ્હીમાં ભાજપના વડામથક ખાતે પણ બહારના ભાગમાં પૂજા-પાઠ શરૂ થઈ ગયા છે. ભાજપના સમર્થકો આજે વહેલીસવારથી જ અહીં આવી પહોંચ્યા છે. તેઓ પાર્ટીના ભવ્ય વિજય માટે અહીં પૂજા કરી રહ્યા છે. 

7: 20 AM : કોંગ્રેસના વડામથકની બહાર હવન ચાલી રહ્યું છે. કોંગ્રેસના નેતા જગદીશ શર્મા કોંગ્રેસના વડામથકની બહાર પોતાના સમર્થકોની સાથે વિજય માટે ગાયત્રી હવન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હારી ગયા તો આ દેશ હારી જશે. 

7.15 AM : આ વખતે વિરોધ પક્ષનો ઘમંડ તોડી નાખીશું. આ ચૂંટણી ગરીબોના અવાજની લડાઈ છેઃ જયાપ્રદા

7. 10 AM : લોકસભા ચૂંટણી 2019નું પરિણામ 23 મે, ગુરૂવારના રોજ મોડી રાત્રે અથવા તો 24 મે, 2019ના રોજ સવાર સુધીમાં સ્પષ્ટ થાય તેવી સંભાવના ચૂંટણી પંચ દ્વારા વ્યક્ત કરાઈ છે. 

7.00 AM : ચૂંટણી પંચ દ્વારા સવારે 8.00 કલાકે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યાર પછી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની મતગણતરી અને તેની સાથે જ VVPATની મતગણતરી શરૂ કરવામાં આવશે. મતગણતરી શરૂ થયાની કેટલીક મિનિટોમાં જ ટ્રેન્ડ આવવાનો શરૂ થઈ જશે. 

6.45 AM : ભારતીય જનતા પાર્ટી દ્વારા તેની દિલ્હી ખાતેની ઓફિસમાં એક વિશેષ મીડિયા સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે. અહીં જેમ-જેમ લોકસભા ચૂંટણીનો ટ્રેન્ડ સ્પષ્ટ થશે અને પરિણામ આવતું જશે તેમ પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપતા રહેશે. ભાજપના કેટલાક નેતાઓ 23મેના રોજ સવારે 8.00 કલાકથી જ પાર્ટીના વડામથકમાં હાજર રહેવાના છે. 

6.30 AM : આ વખતની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળને બાદ કરતાં મોટાભાગના રાજ્યોમાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. આશ્ચર્યની વાત એ રહી કે, પશ્ચિમ બંગાળમાં દરેક તબક્કાના મતદાનમાં હિંસા જોવા મળી હતી, પરંતુ તેની સામે સમગ્ર દેશમાં દરેક તબક્કામાં પશ્ચિમ બંગાળમાં જ સૌથી મતદાન નોંધાયું હતું. 

6.10 AM : લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આવવાની સાથે જ ભારત દેશને એક નવી સરકાર મળી જશે. આજના પરિણામમાં 542 લોકસભા બેઠક માટેના ઉમેદવારોના ભાવિનો નિર્ણય થઈ જશે. 

5.45 AM : લોકસભા ચૂંટણી 2019ની શરૂઆત 11 માર્ચના રોજ થઈ હતી, જ્યારે ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ યોજવાની જાહેરાત કરી હતી. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી માટે ચૂંટણી પંચે 23 મે નક્કી કરી હતી. 

5.30 AM : દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી 1951-52માં યોજાઈ હતી અને એ વખતે 17.3 કરોડ મતદારો હતા. આ વખતે, 2019ની લોકસભા ચૂંટણીમાં 91 કરોડથી વધુ નોંધાયેલા મતદારો હતા. જેમાંથી 90.99 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news