લોકડાઉનમાં જુનાગઢની જગવિખ્યાત કેસર કેરીને થઈ મોટી અસર
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ઉનાળો શરૂ થતા જ જુનાગઢ (Junagadh) માં જગવિખ્યાત કેસર કેરીની શરૂઆત થઈ ગઈ છે. જૂનાગઢની કેરીની વિદેશમાં મોટી ડિમાન્ડ છે. પરંતુ લોકડાઉનને લઈને કેરી (Kesar mango) ની નિકાસ પર અસર થવાની સંભાવના છે. વિદેશી હુંડીયામણની હાલ નુકશાની જાય તેવી સંભાવના છે. તો સાથે જ ઋતુમાં ફેરફારની અસર પણ બાગાયતી પાકો પર પડી છે. બાગાયતી ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી છે.
જુનાગઢ જીલ્લામાં કેસર કેરીનું સારૂં એવું ઉત્પાદન થાય છે અને અહીંની કેસર કેરીની વિદેશોમાં પણ સારી એવી માંગ છે. દર વર્ષે જૂનાગઢ જીલ્લામાંથી એર કાર્ગો મારફત વિદેશોમાં હજારો ટન કેરીની નિકાસ થાય છે. પરંતુ હાલ લોકડાઉનને કારણે કેરીની નિકાસ પર અસર પડે તેવી સંભાવના છે.
એક તરફ આ વર્ષે ઋતુમાં ફેરફાર થવાને કારણે કેરીનો પાક અંદાજે એક મહિના જેવો પાછળ છે, થોડા સમય પહેલાં માવઠાં જેવી સ્થિતીને કારણે આંબા પરના મોરને અસર થઈ હતી. તેમ છતાં ફાલ સારો હતો. પરંતુ આંબા પર કેરી બેસી ગયા પછી પાનખર હોય તેમ આંબાના પાન ખરી જતાં અને નવા પાન આવતાં તેની સાથે નાની કેરીઓ સારા એવા પ્રમાણમાં ખરી ગઈ છે. જે નાછુટકે ઓછા ભાવે બજારમાં વેચી નાખવા ખેડૂતો મજબુર બન્યા છે.
કેસર કેરીના ઉત્પાદનની વાત કરીએ તો, જુનાગઢ જિલ્લામાં 8000 હેક્ટરમાં કેરીનું ઉત્પાદન થાય છે. ગીર સોમનાથ જિલ્લામાં 15000 હેક્ટરમાં કેરીનું ઉત્પાદન થાય છે. આમ આ બંન્ને જિલ્લાનું મળીને કુલ 23000 હેક્ટરમાં કેરીનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે અંદાજે 6 મેટ્રીક ટન/હેક્ટર ઉત્પાદન થાય તેવી સંભાવના છે. આમ અંદાજે 1.50 લાખ મેટ્રીક ટન કેરીનું ઉત્પાદન થવાની સંભાવના છે. ગત વર્ષે આ બન્ને જીલ્લામાંથી અંદાજે 1000 મેટ્રીક ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી હતી.
ચાલુ વર્ષે ઋતુ ફેરફારને કારણે 5 થી 10 ટકા જેવી ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે. કેસર કેરીની સૌથી વધુ નિકાસ અમેરિકા અને અરબના દેશોમાં થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાને લઇને અમેરીકામાં જે પરિસ્થિતિ છે તેના કારણે અમેરિકાથી હજુ કેરીનો ઓર્ડર આવ્યો નથી. જોકે અરબના દેશોમાંથી કેરી માટે ઓર્ડર મળી ગયો છે અને સરકાર દ્વારા પણ ફળોની આયાત નિકાસ માટે છુટ હોઈ એર કાર્ગો મારફત કેરીની નિકાસ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે અમેરિકાનો જે ઓર્ડર મળે છે તે હજુ સુધી નહીં મળતાં તે નુકશાની જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
વધતા કોરોનાના કેસ વચ્ચે વડોદરા પોલીસે લોકોને શીખવાડી ડોલ લઈ જવાની રીત
જો કે કેરીની સાથે ચીકુની પણ એવી જ સ્થિતિ છે. ચીકુના પાક પર વાતાવરણની કોઈ અસર નથી કે તેની ખાસ કોઈ નિકાસ થતી નથી. ફાલ તૈયાર છે પરંતુ લોકડાઉનને કારણે તેનો ઉતારો કરવા મજૂરો નથી મળી રહ્યા. જે બગીચાના માલિકો અને તેના રખેવાળ છે તેનાથી જેટલો શક્ય હોય તેટલો ઉતારો કરીને છુટક વેચાણ કરે છે. તેથી તેનું વેચાણ ભાંગી ગયું છે અને પુરતાં ભાવ મળતાં નથી તેથી 15-20 રૂપીયાના ભાવે ચીકુ વેચી નાખવા પડે છે.
આમ બાગાયતી ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં છે અને ચાલુ વર્ષે એક તરફ માવઠાં અને બીજી તરફ કોરોના વાઈરસને લઇને લોકડાઉન થતાં જે નુકશાની વેઠવી પડી છે તે અંગે સરકાર તેમને સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તેવું જુનાગઢના એક બાગાયતી ખેડૂત અતુલભાઈ શેખડાએ જણાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે