સુરતમાં અવિરત વરસાદથી પૂર જેવી સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી વસાદની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્વરિત સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ કર્યા છે

સુરતમાં અવિરત વરસાદથી પૂર જેવી સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ઝી મીડિયા બ્યૂરો, સુરત: રાજ્યભરમાં હાલ ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. આવામાં દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી ભારે વરસાદ યથાવત વરસી રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત માંગરોળમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. માંડવી તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કામરેજ તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ જ્યારે ઓલપાડ અને સુરત શહેરમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

ભારે વરસાદને લઇ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી વસાદની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્વરિત સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ કર્યા છે. ઉકાઇ અને આંબલી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા અસરગ્રસ્ત ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. ઉકાઇ અને આંબલી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવા સિંચાઇ વિભાગને સૂચના આપી છે.

ભારે વરસાદથી સુરતની ભૂખી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. માંગરોળ તાલુકાના આંબાવાડી ગામમાં રહેતા 38 વર્ષીય સવજી ચૌધરી નદીના પાણીના વહેણમાં તણાયા છે. સ્થાનિક યુવકોએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યાં હતા. જ્યારે આજે સવારે 50 વર્ષીય અસોક વસાવા તણાયા હતા. બંનેની લાશનો હજુ સુધી પત્તો મળ્યો નથી. સુરતના કિમ માંડવી સ્ટેટ હાઇવે બેટમાં ફેરવાયો છે. ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. સ્ટેટ હાઇવે 65 અને નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાઇ ગયા હતા.

જ્યારે ભારે વરસાદને પગલે સુરત બારડોલી રોડ બંધ કરવામાં આવ્યો છે. ભરત કેન્સર હોસ્પિટલથી એમડી વેલકમ ગેટ સુધી 4 ફૂટ પાણી ભરાયા હતા. સણિયા હેમાદ, કુભારિયા અને પરવતમા બચાવ કામગીરી શરૂ કરાઇ છે. વાલક ખાડી ઉભરાઇ છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા છે. કઠોર, વેલંજા, સાયણ રોડ પર પણ પાણી ભરાઇ ગયા છે. વેડ રોડ અને આંબા તલાવડી રોડ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે.

ભેદવાદ ખાડી ભયજનક સપાટીની ઉપર પહોંચી ગઇ છે. મીઠી ખાડીએ ઓગષ્ટ 2006નું લેવલ પણ વટાવ્યું છે. હાલમાં રેકોર્ડબ્રેક 8.90 મીટરે પહોંચી ગઇ છે. સુરતના લિંબાયત પર્વત પાટિયા વિસ્તારમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઇ છે. લિંબાયત ઝોન બહાર પાણી ભરાયા છે. ઝોન ઓફીસ બહાર તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જ્યારે લોકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદથી સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. સુરતના પોલારીશ માર્કેટ પાસેથી 75 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. તો બીજી તરફ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓલપાડ-હાથીસા રોડ પર ઘુંટણસમા પાણી ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. જેને કારણે નાના વાહનોની અવરજવર બંધ થઈ છે.

શાંતિનગર, સિદ્ધનાથનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. તો ઓલપાડ વિશ્રામગૃહમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો દેખાયા છે. સતત વરસાદને પગલે સુરતનું જનજીવન પ્રભાવિત થયું હતું. સુરતમાં આવેલી સેના ખાડી ઓવરફલો થતા સમસ્યા વધુ વકરવાની સ્થિતિ ઉદભવી છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં પણ પાણીનું સ્તર વધી રહ્યું છે, જેથી લોકો રેસ્ક્યૂ કરવાની ફરજ પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news