કરજણ ડેમ ઓવરફ્લો થતા પાણી છોડાયું, નીચાણવાળા ગામો એલર્ટ પર

કરજણ ડેમમાં બે મહિના પહેલા 35 ટકા પાણી હતું. પરંતુ આ ચોમાસાની સીઝનમાં ડેમના  ઉપરવાસ એટલે કે સાગબારા અને ડેડીયાપાડામાં સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે

કરજણ ડેમ ઓવરફ્લો થતા પાણી છોડાયું, નીચાણવાળા ગામો એલર્ટ પર

જયેશ દોશી/નર્મદા :ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર છે, ત્યારે નર્મદા જિલ્લા પણ તેમાં બાકાત નથી. નર્મદા જિલ્લામાં કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે હાલ કરજણ ડેમમાં પાણીની આવક 102849 ક્યુસેક જેટલી થઈ છે. તેમજ જળ સપાટી 108.79 મીટર પર પહોંચી ગઈ છે. આજે કરજણ ડેમના બે દરવાજા ખોલી 5000 ક્યુસેકથી 20000 ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવશે. જેથી કાંઠા વિસ્તારના લોકોને તંત્રએ સાવધ રહેવા સૂચન કર્યું છે. કરજણ ડેમના નીચણવાળા વિસ્તારમાં આવતા ગામો રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર, ધમણાછાને સાવધ કરાયા છે. ડેમનું પાણી અહીંથી પસાર થઈ નર્મદા નદીમાં જશે. આ સંજોગોમાં કરજણ ડેમના નીચાણવાળા, કરજણ નદી કિનારા, ઉપરવાસ કે આસપાસના રહેવાસીઓને પૂરના પાણીથી સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. 

2015 અને 2017માં જે નદીએ બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો, ત્યાં ફરી પાણી આવ્યું 

નર્મદા જિલ્લામાં બે બંધ આવેલા છે. જેમાં નર્મદા બંધ ગુજરાતની જીવાદોરી છે. તો બીજો બંધ કરજણ બંધ છે, જે ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન છે. કરજણ ડેમમાં બે મહિના પહેલા 35 ટકા પાણી હતું. પરંતુ આ ચોમાસાની સીઝનમાં ડેમના  ઉપરવાસ એટલે કે સાગબારા અને ડેડીયાપાડામાં સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે. જેથી કરજણ ડેમમાં પાણીના નવા નીર આવવાથી હાલ ડેમની સપાટી 108. મીટર પર પહોંચતા ડેમમાં પાણીની આવક દેખાઈ રહી છે. હાલ આ કરજણ ડેમમાં 102849 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે. ડેમનું રુલ લેવલ 108.69 મીટર છે. 

આ ડેમ એટલા એટલા માટે અગત્યનો છે કે, જ્યારે નર્મદા બંધમાંથી પાણી છોડવામાં નથી આવતું, ત્યારે આ ડેમમાંથી પાણી છોડી નર્મદા નદીને બે કાંઠે વહેતી કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષની જેમ જ આ બંધ દ્વારા નર્મદા નદીમાં પણ પાણી છોડી શકાશે અને સિંચાઈ અને પીવાના પાણી માટે પણ આ બંધ ઉપયોગી થઇ પડશે. આજે પાણીના આવકના પગલે કરજણ ડેમના બે જળવિદ્યુત મથકો પણ ચાલુ કરવામાં આવ્યા છે.  

રાજ્યમાં હાલ ડેમોની સ્થિતિ પર એક નજર કરીએ તો, દાંતીવાડા ડેમમા 770 ક્યુસેક પાણીની આવક થઈ છે. કરજણ ડેમમાં 27 હજાર 729 ક્યુસેક પાણીની આવક થઈ છે. વનકબોરીમાં 3600 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગા ડેમમા 22 હજાર 181 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેમાં ડેમના 2 દરવાજા ખોલાયા છે. તો ઉકાઈ ડેમમા 72 હજાર 799 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઊંડ-1 મા 7,702 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર-2  ડેમમાં 24 હજાર 964 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 6 દરવાજા ખોલાયા છે. તો કડાણા ડેમમાં 2688 ક્યુસેક પાણીની આવક થઈ છે. 

રામ જન્મભૂમિમાં રસ છે, તો એ પણ જાણો કે ભારતના કયા સ્થળે માતા સીતા રમીને મોટા થયા હતા

તો બીજી તરફ, નર્મદા જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ડેડીયાપાડા કણજી ગામનો ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતો દેવ નદીનો કોઝવે ડૂબ્યો છે. જેથી હાલ ગામમાં આવવા-જવા માટે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ગ્રામજનો જીવના જોખમે કોઝવે પાસ પણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત અને ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતા લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. 

નર્મદામાં ચોમેર વરસાદ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નાંદોદમાં 2.56 ઇંચ, સાગબારામાં 7.12 ઇંચ, તિલકવાડામાં 2.4 ઇંચ, દેડિયાપાડામાં 4.56 ઇંચ, ગરુડેશ્વરમાં 2.16 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લામાં વરસાદની મહેરથી સાગબારા તાલુકામાં અંબિકા નદી માં નવા નીર આવ્યા છે. સેલંબાના લો લેવલ પુલ પરથી પાણી વહી રહ્યું છે. આ સિઝનમાં પહેલીવાર નદી બે કાંઠે વહેતી થતા જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news