કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે ભક્તો હિંચકો ઝૂલાવીને લાલાને લાડ લડાવશે

કોરોના કાળમાં તમામ ભક્તોએ આ વખતે ઘરે રહીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવ્યો. તો આજે ગુરુવારે મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ એવા કાનુડાને હિંચકે ઝૂલાવીને દિવસભર લાડ લડાવાશે

Updated By: Aug 13, 2020, 08:19 AM IST
કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે ભક્તો હિંચકો ઝૂલાવીને લાલાને લાડ લડાવશે

ઝી મીડિયા/બ્યૂરો :ZEE 24 કલાકના આપ સૌને જય શ્રીકૃષ્ણ. દ્વારકા, ડાકોર અને શામળાજી સહિત સમગ્ર દેશમાં ઉલ્લાસભેર કૃષ્ણ જન્મોત્સવ ( Janmastami) ની ઉજવણી કરવામાં આવી. ગુજરાતનાં મંદિરો હોય કે ગોકુળ, મથુરા અને વૃંદાવન... ઈતિહાસમાં પહેલીવાર મોટાભાગનાં મંદિરોમાં ભક્તો વગર ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો અને ભગવાનની મહાઆરતી થઈ. કોરોના કાળમાં તમામ ભક્તોએ આ વખતે ઘરે રહીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવ્યો. તો આજે ગુરુવારે મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ એવા કાનુડાને હિંચકે ઝૂલાવીને દિવસભર લાડ લડાવાશે. જન્મ બાદ દ્વારિકા નગરીના નાથ દ્વારિકાધીશ (Dwarka temple) ચાંદીના વાઘામાં સોહામણા લાગી રહ્યા છે. ડાકોરના રાજા રણછોડ પણ સોનેરી મુગટમાં શાનદાર લાગી રહ્યાં છે. ભગવાન શામળિયાજી (shamlaji temple) એ સોનેરી વાઘામાં દર્શન આપ્યાં. તો ભગવાન જગન્નાથજીએ લાલ વાઘામાં દર્શન આપ્યાં અને ઈસ્કોન મંદિર અમદાવાદમાં રાધા-કૃષ્ણજીની જોડીનાં દર્શન કરીને ભક્તોએ જન્માષ્ટમીનું પર્વ ઉજવ્યું. આજે ભગવાનને હિંચકે ઝૂલાવીને આખો દિવસ ભક્તો તેમના લાડ લડાવાશે.

વ્હાલાને વધાવવા માટે રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો એટલા બધા આતુર હતા કે મંદિરમાં જ ઝૂમવા લાગ્યા. દ્વારકામાં ભગવાનના જન્મોત્સવ સમયે ઉપસ્થિત તમામ પૂજારીઓ અને મંદિરના સેવકો દ્વારિકાધીશના જન્મ સમયે ખુશીથી ઝૂમી ઉઠ્યા. આવાં
જ દ્રશ્યો ગુજરાતના અન્ય કૃષ્ણ મંદિરોમાં જોવા મળ્યા. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રસંગે મહિલાઓ કાન્હાની ભક્તિમાં ખુશીથી ઝૂમી ઉઠી. જે મંદિરોમાં ભક્તોને અનુમતી હતી ત્યાં રાત્રે 9 વાગ્યાથી જ સૌ કોઈ ભગવાનની પહેલી ઝલક માટે ગોઠવાઈ ગયા હતા તો કાન્હાના જન્મને વધાવવા મહિલાઓ ગીતો ગાતી જોવા મળી.

યાત્રાધામ ડાકોરમાં ભગવાનના જન્મોત્સવ બાદ લાલજી મહારાજને સોનાના પારણે ઝૂલાવાયા હતા. મંદિરમાં બંધબારણે કૃષ્ણ મહોત્સવ ઉજવાયો હતો. પરંતુ સેવકોએ ભગવાનને પારણે ઝુલાવ્યા હતા. ભગવાનના જન્મોત્સવ બાદ મંદિર સેવકો અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર