CM રૂપાણીનું મોટું નિવેદન, હાલ ગુજરાતમાં લોકડાઉન નહિ આવે

CM રૂપાણીનું મોટું નિવેદન, હાલ ગુજરાતમાં લોકડાઉન નહિ આવે
  • મુખ્યમંત્રીએ રાજ્યમાં ફરી લોકડાઉનની શકયતા નકારી હતી.
  • સાથે જ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં જરૂર પડશે પ્રજા હિતમાં નિર્ણય લેવામાં આવશે.

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફરી લોકડાઉનની વાતને રદિયો આપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યમાં સ્થિતિ હજુ થાળે પડેલી છે. હાલના સમયમાં રાજ્યમાં દિવસ દરમિયાન કરફ્યૂ કે લોકડાઉન લાવવાની જરૂર નથી. જોકે મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે કેસ વધશે તો ભવિષ્યમાં સરકાર જરૂરી પગલાં લોકોના હિતમાં ભરવામાં આવશે. 

સંવિધાન દિવસની ઉજવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, સરકાર લોકડાઉન કે દિવસ દરમિયાન કરફ્યૂ હાલના તબક્કે નથી લાવી રહી. રાજ્યમાં માત્ર 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ જ રહેશે. સોશિયલ મીડિયા પર ચાલતી વાત માત્ર અફવા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં સ્થિતિ હાલ સ્થિર છે અને ગુજરાતની જનતાને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા તથા ભીડ ન કરવા પણ અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ફરી લોકડાઉનની શકયતા નકારી હતી. સાથે જ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં જરૂર પડશે પ્રજા હિતમાં નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર થઈ રહેલી રસી ત્રીજા તબક્કાનુ ટ્રાયલ અમદાવાદથી શરૂ થઈ રહ્યું છે. જે બાબતે મુખ્યમંત્રી કહ્યું કે, આ માત્ર ટ્રાયલ છે અને કેન્દ્ર સરકાર એ પહેલાં અન્ય રસીનું વિતરણ કરવાની છે. જેના 4 તબક્કા હશે.

  • તબક્કો 1 - ડોકટર નર્સ અને મેડિકલ સ્ટાફને આવરી લેવાશે
  • તબક્કો 2 સફાઈ કર્મીઓ, પોલીસ અને ફોર્સને રસી અપાશે
  • તબક્કો 3 50 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને રસી અપાશે
  • ચોથા અને અંતિમ તબક્કામાં 50 વર્ષથી નીચેના પરંતુ કોમોરબીડ હોય તેમને રસી અપાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યમાં પૂરતા બેડ અવેલેબલ છે. ટેસ્ટિંગમાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. બુધવારે પણ રાજ્યમાં 91 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ નાગરિકો પણ ટેસ્ટ માટે આગળ આવી રહ્યા છે. રાજ્યમાં ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થવાની સાથે રાજ્યના નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી. 

Trending news