11ના મોત, 6000નું સ્થળાંતર : ગુજરાતના માથે હજી પણ આગામી 48 કલાક ભારે વરસાદનું સંકટ
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :રાજ્યમાં ગઈકાલથી સર્વત્ર વરસાદી માહોલ છે. ત્યારે હજી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક ભારે પડી શકે છે. આ 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
48 કલાકમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, જામનગર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન ખાતા દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં 11ના મોત, 6000 લોકોને સ્થળાંતર કરાયા
મુખ્યમંત્રીએ વરસાદની પરિસ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે, વરસાદી માહોલને કારણે રાજ્યભરમાં કુલ 11 મોત થયા છે. જેમાં 4 અમદાવાદમાં, 4 નડિયાદમાં, નિઝર અને કલોલ 1-1ના મોત નિપજ્યા છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રાજ્યભરના વિવિધ વિસ્તારોમાંથી 6000 લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં આર્મીની 2 ટુકડીઓ મોકલાઈ છે. જિલ્લાના તમામ તંત્રો એલર્ટ છે. રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, ભરૂચ કલેક્ટરો સાથે રિવ્યુ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આજે સવારે 6 વાગ્યા થી રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ નોંધાય છે. મોરબીના ટંકારામાં માત્ર 6 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. તો મોરબીમાં 7.5 ઈંચ, કાલાવડમાં 7 ઈંચ વરસાદ, રાધનપુરમાં 6.5 ઈંચ, લોધિકા અને ધ્રાંગધ્રામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 45 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ઉભી થયેલી વરસાદી સ્થિતિનો મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવામાન વિભાગની ગાંધીનગરમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, ગઈકાલથી આજ સુધીમાં વ્યાપક અને ભારે વરસાદ પડ્યો છે. સરદાર સરોવર ઓવરફ્લો થઈ રહ્યો છે, ઉકાઈ ડેમ પણ લગભગ ભરાઈ ગયો છે. રાજ્યના 17 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ વખતે રાજ્ય પાસે 60 ટકા લાઈવ જથ્થો પાણીનો ઉપલબ્ધ છે. મોસમનો 80 ટકા વરસાદ આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે, દક્ષિણ, મધ્ય ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર તરફ જોર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક ભારે વરસાદ જોવા મળશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે