લોકસભા ચૂંટણી 2019: વડોદરામાં બાળકોના સહારે મતદાન જાગૃતિનો પ્રયાસ

લોકસભાની ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો અને અભિયાનો હાથ ધરવામાં આવે છે વડોદરાની વિવિધ શાળાઓમાં આજે મતદાન જાગૃતિ અંગે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત શહેરની મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓએ વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરવા માટે શપથ લીધા હતા

લોકસભા ચૂંટણી 2019: વડોદરામાં બાળકોના સહારે મતદાન જાગૃતિનો પ્રયાસ

તૃષાર પટેલ/ વડોદરાઃ વડોદરા શહેરની મોટા ભાગની શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પુરી થવાની સાથે જ શાળાઓમાં હાલ તો વેકેશન છે. તેમ છતાં આ પ્રકારના માહોલ વચ્ચે શહેર જિલ્લામાં મોટા પ્રમાણમાં મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્રે કમર કસી છે. વધુ પ્રમાણમાં મતદાન થાય તે માટે આજે શાળાઓમાં એક નવતર પ્રયોગ કરાયો હતો. હવે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા પરિવારજનો અને પરિચિતોને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરશે.

મતદાન એ લોકશાહીમાં નું સૌથી મોટું શસ્ત્ર છે એ પ્રકારની સમજણ સાથે શહેરની મોટા ભાગની શાળાઓમાં આજે વિદ્યાર્થીઓએ મતદાન કરાવવાના શપથ લીધા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નુકકડ નાટીકા, બસ શ્રેણી, બાઇક રેલી જેવા અનેકવિધ આયામો યોજીને બહોળી સંખ્યામાં મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 

શહેરની તમામ શાળાઓમાં આયોજન
શિક્ષણ સંસ્થાઓ પણ મતદાન જાગૃતિમાં જોડાય તેના માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 'મતદાન સફર' નામના કાર્યક્રમનું શહેરની શાળાઓમાં આયોજન કરાયું હતું. શાળાના આચાર્યો દ્વારા એક મતની કિંમત કેટલી હોય છે તેની નાના વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને શપથ લેવડાવાયા હતા કે તેઓ તેમના પરિચિતો અને પરિજનોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે. 

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલમાં 'મતદાન સફર' કાર્યક્રમમાં શાળાના 600થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને લોકસભાની આગામી ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરાવવાની અપીલ કરવાનું નક્કી કરીને સંકલ્પ લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news