શિડ્યુલ ચેન્જ કરીને આજે સવારે ગુજરાત પહોંચશે પીએમ મોદી, કેશુબાપાના પરિવારને આપશે સાંત્વના

શિડ્યુલ ચેન્જ કરીને આજે સવારે ગુજરાત પહોંચશે પીએમ મોદી, કેશુબાપાના પરિવારને આપશે સાંત્વના
  • પીએમ મોદી છેલ્લે 2017માં કેશુભાઈને મળ્યા હતા. આ વર્ષે કેશુભાઈના પુત્ર પ્રવિણ પટેલનુંન નિધન થયું હતુ.
  • હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે

ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) આજે ગુજરાતના બેદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ 31 ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે. જોકે, આ વચ્ચે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ (keshubhai patel) નું નિધન થતા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચીને કેશુભાઈના પરિવાર સાથે મુલાકાત કરીને તેઓને સાંત્વાના પાઠવશે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં માતા હીરા બાની પણ મુલાકાત લઈ શકે છે. તેના બાદ તેઓ જંગલ પાર્ક, ફેરી બોટ, ભારત ભવન, એક્તા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન અને એક્તા નર્સરીનું પણ ઉદઘાટન કરશે. બપોર બાદ તેઓ કેવિડયા જવા નીકળશે અને ત્યાં જ રાત રોકાણ કરશે. 

છેલ્લે 2017માં કેશુભાઈને મળ્યા હતા 
પીએમ મોદી છેલ્લે 2017માં કેશુભાઈને મળ્યા હતા. આ વર્ષે કેશુભાઈના પુત્ર પ્રવિણ પટેલનુંન નિધન થયું હતુ. ત્યારે પીએમ મોદીએ તેમના ઘરે જઈને તેઓને આ માટે સાંત્વના આપી હતી. આ સમય દરમિયાન તેઓ અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાન સાથે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના ભૂમિપૂજન માટે આવ્યા હતા. 

પ્રધાનમંત્રીના નિર્ધારીત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તેઓ શુક્રવાર તા.૩૦ ઓક્ટોબરે બપોર બાદ કેવડિયા પહોચશે અને વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે. 

પ્રધાનમંત્રી કેવડિયા ખાતે તા. ૩૦મીએ આગમન બાદ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે. એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની ૪૦ મિનીટની રાઈડમાં બેસતા પહેલાં પીએમ મોદી અન્ય 9 પ્રોજેક્ટ્સના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે. જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવિગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે. 

પીએમ મોદી ૪ નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ પાંચ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની ૪૦૦ મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરશે. કેવડિયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ 25 ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે.

તારીખ 31 ઓક્ટોબર, ર૦ર૦ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ તેઓ આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. તેમજ દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.૩ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતીએ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news