રાજ્યમાં મેઘરાજા મહેરબાન: ક્યાંક ધોધમાર તો ક્યાંક નહિવત વરસાદ, નર્મદા ડેમમાં પાણીની આવક

રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક ભગોમાં હજુ વરસાદ માટે રાહ જોવા પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસાદ માટે લોકોને રાહ જોવી પડી શકે છે. ત્યારે મધ્ય ગુજરાતમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં મેઘરાજા મહેરબાન: ક્યાંક ધોધમાર તો ક્યાંક નહિવત વરસાદ, નર્મદા ડેમમાં પાણીની આવક

અમદાવાદ: રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક ભગોમાં હજુ વરસાદ માટે રાહ જોવા પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસાદ માટે લોકોને રાહ જોવી પડી શકે છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 128 તાલુકાઓમાં વરસાદ પડ્યો. રાજ્યના 11 તાલુકાઓમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડયો છે. 19 તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. 50 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો છે. રાજ્યના 83 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડયો છે. તો બીજી બાજુ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસ માંથી 40341 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કરાણે રાજ્યના ખેડૂતો માટે મેઈન કેનલમાં 6000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

મધ્ય ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં નહિવત વરસાદ હતો. તો બીજી તરફ શનિવારે એક કલાકમાં વટવા અને લાંભામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મણિનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે સરખેજ, ઓઢવ અને પાલડીમાં પણ છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. વડોદરા સહિત આસપારના વિસ્તારોમાં ગત રાત્રીએ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વડોદરા જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે વડોદારમાં વાઘોડીયા સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે.

તો બીજી બાજુ ભૂરી તલાવડી વિસ્તાર પાણીથી છલકાયો છે. જેના કારણે રહિશોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો પાણીના કારણે એક મકાનની દિવાલ પણ ધરાશાયી થઇ છે. ત્યારે ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહેમદાવાદમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુર જિલ્લામાં ધીમી ધારનો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં છોટાઉદેપુમાં 35 મિમી, પાવીજેતપુરમાં 32 મિમી, સંખેડામાં 26 મિમી, નસવાડીમાં 31 મિમી, ક્વાંટમાં 27 મિમી અને બોડેલીમાં 13 મિમી વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં રાત્રી દરમિયાન 5 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તલોદમાં એક ઈંચ, પ્રાંતિજમાં 2.25 ઈંચ, પોશીનામાં 2.50 ઈંચ, વિજયનગરમાં 1.25 ઈંચ અને હિંમતનગરમાં 02 મિમી વરસાદ નોંધાયો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકામાં નોંધાયેલા વરસાદના આંકડા આ પ્રમાણે છે. જેમાં મોડાસામાં 42 મિમી, બાયડમાં 45 મિમી, ધનસુરમાં 48 મિમી, ભિલોડામાં 11 મિમી, મેઘરજમાં 03 મિમી અને માલપુરમાં 40 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 1304 મિમી નોંધાયો છે. જેના કારણે જિલ્લાના ડેમમાં પાણીની આવક થઇ છે. માજુમ ડેમમાં 450 ક્યૂસેક, વાત્રક ડેમમાં 230 ક્યૂસેક, વૈડી ડેમમાં 265 ક્યૂસેક અને લાંક ડેમમાં 28 ક્યૂસેક પાણીની આવક થઇ છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, ગઇકાલ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ગત મોડી સાંજ ફરી બેટિંગ શરૂ કરી હતી કે, આખી રાત ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 12 કલાકમાં વલસાડ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના આંકડા આ મુજબ છે. જેમાં ઉમરગામ તાલુકામાં 3.85 ઈંચ, કપરાડા તાલુકામાં 8.46 ઈંચ, ધરમપુર તાલુકામાં 7.67 ઈંચ, પારડી તાલુકામાં 5.62 ઈંચ, વલસાડ તાલુકામાં 8.22 ઈંચ અને વાપી તાલુકામાં 7.59 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ મધુબન ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી 72.10 પહોંચી ગઇ છે.

જો કે, મધુબન ડેમમાં 73.067 ક્યૂસેક પાણીની આવક થઇ છે. તો તેની સામે 15,780 ક્યૂસેક પાણીના જાવક કરવામાં આવી છે. સુરતના મહુવા અને ભરૂચના વાગરામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 40341 ક્યૂસેક પાણીની આવક થઇ છે. ત્યારે હાલ ડેમની સપાટી 120.62 મીટરે પહોંચી ગઇ છે. જેને લઇ એક દિવસમાં 22 સેમીનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં 1203 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો પડ્યો છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો માટે મેઇન કેનાલમાં 6000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડુતોને સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહ પહેલા બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું હતું. આ ડિપ્રેશનને કારણે જે સિસ્ટમ સર્જાઈ તે પશ્ચિમ બાજુ આવી રહી હતી. અષાઢી બીજે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર પહોંચી સાર્વત્રિક વરસાદ લાવવાની હતી. જો કે અધવચ્ચે જ આ સિસ્ટમે દિશા બદલી નાખી હતી અને ઉત્તર તરફ કૂચ કરી હતી. આ કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદ શરૂ થયો છે આથી સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો નથી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news