પ્રતિબંધ છતા રાત્રે 10 વાગ્યા બાદ નાસ્તો પીરસતી દુકાનોને AMC એ સીલ કરી
Trending Photos
- વસ્ત્રાપુર વિસ્તારમાં કેટલીક ખાણીપીણીની દુકાનો સીલ કરાઈ.
- રાત્રે 10 વાગ્યા બાદથી ખાણી પીણીની દુકાનો અને લારીઓ બંધ કરવાની રહેશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :વધતા કોરોનાના સંક્રમણને પગલે અમદાવાદ (ahmedabad) ના 27 વિસ્તારો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હતા અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગ (social distancing) જાળવતા ન હતા તેવા વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ કેટલાક કડક નિયમોનું અમલીકરણ શરૂ કરવાનો આદેશ કર્યો છે. કોરોના સંક્રમણને વધતો અટકાવવા અને મોટી સંખ્યામાં એકઠા થતા લોકોને અટકાવવા AMC દ્વારા રાત્રે 10 વાગ્યા બાદ ખાણીપીણીની દુકાનો બંધ રહે તેવા આદેશ કર્યા છે. તો સાથે જ ખાણી પીણીની દુકાનો અને લારીઓને બંધ કરી દેવા આદેશ કરાયો છે. અમદાવાદ કોર્પોરેશનના આદેશ મુજબ વસ્ત્રાપુર લેક અને તેની આસપાસની ખાણી પીણીની દુકાનો રાત્રે 10 વાગતાની સાથે જ બંધ કરવામાં આવી હતી. તો જે દુકાનો ખુલ્લી હતી ત્યા એએમસી દ્વારા સીલિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અનેક વિસ્તારમાં કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જેને સીલ કરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુર વિસ્તારમાં કેટલીક ખાણીપીણીની દુકાનો સીલ કરાઈ છે.
રાત્રે 10 પછી નાસ્તો કરવા નીકળી પડે છે લોકો
અમદાવાદમાં પ્રતિબંધ ફરમાવાયો છે તે જગ્યાઓ પર શહેરીજનો 10 વાગ્યા પહેલા નાસ્તો કરવા અને જમવા આવતા હોય તેવા દ્રશ્યો પણ સતત સામે આવી રહ્યા છે. પરંતુ રાત્રે 10 વાગ્યા બાદથી ખાણી પીણીની દુકાનો અને લારીઓ બંધ કરવાની રહેશે.
વેપારીઓનું કન્ફ્યુઝન
કરફ્યુ મુકવામાં આવ્યો છે એવું સમજીને ખાણી પીણી સિવાયનો વ્યવસાય કરતા વેપારીઓએ પણ 10 વાગતાની સાથે જ ધંધા વેપાર બંધ કર્યા હતા. અગાઉ AMC તરફથી જાહેર થયેલા પરિપત્રએ અમદાવાદ પશ્ચિમમાં અનેક વેપારીઓની વધારી મુશ્કેલી હતી. કોર્પોરેશન તરફથી બે પરિપત્ર જાહેર કરાયા હતા. જેમાં પહેલા પરિપત્ર મુજબ રાત્રે 10 વાગ્યા બાદ માત્ર દવાની જ દુકાનો ખુલી રહેશે તેવું કહેવાયું હતું. ત્યાર બાદ ગણતરીના જ કલાકોમાં કોર્પોરેશનના નવા પરિપત્રમાં જોવા મળેલ યુટર્ન મુજબ માત્ર ખાણી પીણીની દુકાનો અને લારીઓ જ બંધ રાખવાનો આદેશ કરાયો હોવા છતાં વેપારીઓમાં ગેરસમજ ઉભી થઇ હતી. ખાણીપીણીના વ્યવસાય સિવાયના વેપારીઓ પણ પોતાની દુકાન કે લારી બંધ કરી 10 વાગે જ ઘર તરફ રવાના થયા હતા. કોર્પોરેશનને ગણતરીની કલાકોમાં લીધેલા યુટર્નના પગલે કેટલાક વેપારીઓએ કહ્યું કે કરફ્યુ મુકવામાં આવ્યો છે જેથી 10 વાગતા જ ધંધો બંધ કરી રહ્યા છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે