કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયા પ્રિયંકા ચતુર્વેદી, ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. મથુરામાં થયેલી ઘટનાના વિરોધમાં પ્રિયંકાએ રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં તેમણે પાર્ટીમાં મળેલી જવાબદારીઓ માટે આભાર વ્યક્ત કરતા લખ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમના કામની પાર્ટીમાં કદર થઈ રહી નહતી. 

કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયા પ્રિયંકા ચતુર્વેદી, ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. મથુરામાં થયેલી ઘટનાના વિરોધમાં પ્રિયંકાએ રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં તેમણે પાર્ટીમાં મળેલી જવાબદારીઓ માટે આભાર વ્યક્ત કરતા લખ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમના કામની પાર્ટીમાં કદર થઈ રહી નહતી. શિવેસના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી. અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાઈ રહ્યાં છે તે વાતની પુષ્ટિ કરી હતી. ટ્વિટર પર તેમણે મથુરાની ઘટનાને લઈને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

— ANI (@ANI) April 19, 2019

પત્ર લખીને છોડી પાર્ટી
કોંગ્રેસ અધ્યક્ષને લખેલા પત્રમાં તેમણે લખ્યું કે પાર્ટીની વિચારધારા અને રાહુલ ગાંધીના બધાને સાથે લઈને ચાલવાના વિચારે તેમને પ્રભાવિત કર્યા હતાં અને 10 વર્ષ પહેલા તેઓ પાર્ટીમાં જોડાયા હતાં. પ્રિયંકાએ લખ્યું કે હું ભારે મનથી આજે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અને તમામ પદોથી રાજીનામું આપું છું. છેલ્લા 10 વર્ષોમાં પાર્ટી તરફથી મને અનેક જવાબદારીઓ મળી અને અંગત રીતે હું ઘણું બધું શીખી. જો કે છેલ્લા કેટલાક સમયથી મને એવું લાગી રહ્યું હતું કે પાર્ટીમાં મારા કામની હવે કોઈ કદર નથી. મને એવું લાગ્યું કે સંગઠન માટે હું જેટલો સમય વધુ પસાર કરીશ તેટલું મારા સન્માન અને ગરિમા સાથે સમાધાન હશે. 

મહિલાઓના સન્માનની વાત કહેવાય પરંતુ તેના માટે થતું કશું નથી
પ્રિયંકાએ પાર્ટીમાં મહિલાઓના સન્માનની વાતને લઈને કામ ન થતું હોવાનો હવાલો આપતા કહ્યું કે પાર્ટી મહિલા સશક્તિકરણ અને મહિલાઓના અધિકારોની વકાલત કરે છે પરંતુ એ જોવું ખુબ જ દુ:ખદ છે કે પાર્ટીએ તે વિચારધારા પર કામ કર્યું નથી. મથુરામાં પાર્ટીના એક કાર્યક્રમમાં થયેલા દુર્વ્યવહાર બાદ પણ મારા સન્માન માટે પૂરતી કાર્યવાહી થઈ નહી. તે મારા માટે લાલબત્તી સમાન હતું કે હવે સમય આવી ગયો છે કે મારે કોંગ્રેસમાંથી બહાર નીકળીને બીજા ક્ષેત્રો પર મારું ફોકસ કરવું જોઈએ. પ્રિયંકાએ રાજીનામા પત્રમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો દ્વારા મળેલા સમર્થન અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો. 

— ANI (@ANI) April 19, 2019

અત્રે જણાવવાનું કે 17 એપ્રિલના રોજ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની સાથે ગેરવર્તણૂંક કરનારા મથુરાના કેટલાક પાર્ટી કાર્યકરો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવાનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે આવા લોકોને પ્રાથમિકતા અપાય તે દુ:ખની વાત છે. 

પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું કે, "ખુબ જ દુ:ખની વાત છે કે પાર્ટી લોહી પરસેવો વહાવીને કામ કરનારા લોકોની જગ્યાએ મારપીટ કરનારા ગુંડાઓને વધુ પ્રાથમિકતા આપે છે. પાર્ટી માટે મેં અભદ્ર ભાષાથી લઈને મારપીટ સહન કરી, પરંતુ આમ છતાં જે લોકોએ મને પાર્ટીની અંદર જ ધમકી આપી, તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ, તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે."

વાત જાણે એમ છે કે તાજેતરમાં જ પ્રિયંકા રાફેલ મામલે પત્રકાર પરિષદ કરવા માટે મથુરામાં હતા અને ત્યાં પાર્ટીના જ કેટલાક કાર્યકરોએ તેમની સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરી હતી. તેમની ફરિયાદ પર આ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. હવે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે કાર્યકર્તાઓ દ્વારા દુ:ખ વ્યક્ત કરાયા બાદ તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ યુપીસીસીના આ પગલાંથી નારાજ પ્રિયંકાએ ટ્વિટ કરવાની સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ પોતાની નારાજગીથી વાકેફ કરાવ્યાં હતાં. 

ટિકિટ ન મળવાથી નારાજ હતા પ્રિયંકા?
મીડિયા રિપોર્ટ્સમાં એવા પણ દાવા થઈ રહ્યાં છે કે, મથુરાની ઘટનાના કારણે પાર્ટી છોડતા અગાઉ પણ પ્રિયંકા કેટલાક કારણોસર પાર્ટીથી નારાજ હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિયંકાને આ વખતે ચૂંટણીમાં ટિકિટ મળવાની આશા હતી. જો કે ટિકિટ ન મળવાના કારણે તેમણે નારાજ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ આ તમામ અટકળોને પ્રિયંકાએ ફગાવી અને આજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટિક્ટ ન મળવા અંગેની કોઈ નારાજગી નહતી.

જુઓ LIVE TV 

કોંગ્રેસના ફાયરબ્રાન્ડ પ્રવક્તા તરીકે ઓળખ બનાવી
મોદી સરકાર સત્તા પર આવ્યાં બાદ કોંગ્રેસ પ્રવક્તા તરીકે પ્રિયંકા ચતુર્વેદીએ એક અલગ ઓળખ બનાવી. મીડિયા ચેનલો પર અને સાર્વજનિક મંચો પર ભાજપ તથા મોદી સરકાર સામે પાર્ટીનો મુખ્ય ચહેરો બનીને ઊભર્યા હતાં. કોંગ્રેસમાં તેમને રાષ્ટ્રીય પ્રવક્તાનું પદ પણ અપાયું હતું. હાલમાં જ તેમણે સ્મૃતિ ઈરાનીના સોગંદનામામાં ડિગ્રી વિવાદ પર ટોણો મારતા તેમની લોકપ્રિય ટીવી સીરિયલનું ગીત પણ ગાયું હતું. જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news