ચૂંટણી મેદાનમાં આમને-સામને રહેલા ધાનાણી અને કાછડીયાએ મતદાન બાદ આવી રીતે ઉતાર્યો થાક
ચૂંટણીમાં સામસામે ઉભા રહેલા ઉમેદવાર એકસાથે માંડ જોવા મળતા હોય છે, ત્યારે અમરેલી બેઠક પરના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મતદાન બાદ હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા.
અમરેલી :ગુજરાતની 26 બેઠકો પર ગઈકાલે શાંતિપૂર્ણ મતદાન થયું. 63.67 ટકા મતદાનમાં વોટર્સે પોતાનો મિજાજ બતાવ્યો. ક્યાંક લગ્ન પહેલા તો ક્યાંક વ્હીલચેર પર, કોઈ ખાટલા પર બેસીને તો કોઈ વાજતેગાજતે મતદાન કરવા નીકળ્યા હતા. સમગ્ર દિવસ વિવિધ તસવીરો અને વીડિયો સામે આવ્યા. પણ અમરેલી લોકસભા બેઠક પરથી જે તસવીરો સામે આવી તે દરેક મતદારના ચહેરા પર હાસ્યની લહેરખી લઈ આવે તેવી હતી. આમ, તો ચૂંટણીમાં સામસામે ઉભા રહેલા ઉમેદવાર એકસાથે માંડ જોવા મળતા હોય છે, ત્યારે અમરેલી બેઠક પરના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મતદાન બાદ હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા. ઉમેદવાર જાહેર કરવાથી લઈને પ્રચારની અંતિમ ક્ષણો સુધી બંને ઉમેદવારો સતત બિઝી, દોડધામ રહ્યા. પરંતુ મતદાન પૂરુ થતા જ બંને સાથે બેસીને થાક ઉતારતા જોવા મળ્યા હતા.
સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમા મતદાન યોજાયું છે, ત્યારે અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હળવા મૂડમાં જોવા મળ્યાં હતા. બંને ઉમેદવારો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યાં હતા. છેલ્લાં કેટલાક દિવસથી બંને ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા, તેના બાદ આજે તેમણે ક્યાંક તેમણે એકસાથે બેસીને પોતાનો થાક ઉતાર્યો હતો.
આમ, ચૂંટણીના મેદાનમાં ગમે તેટલા આમને-સામને હોય, પણ રાજકીય નેતાઓ આવી રીતે જાહેર જીવનમાં જોવા મળતા સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા.
Trending Photos