જે ‘વડીલ નેતા’ની ટિકીટ છીનવી, તેમના જ નામનો ઉલ્લેખ અમિત શાહે સભામાં કર્યો
Trending Photos
ગુજરાત :આજે અમિત શાહે શક્તિ પ્રદર્શન બતાવીને ગાંધીનગરનું પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. કોંગ્રેસના પેટમાં ફાળ પડે અને 26 સીટ પર જીતનું સપનુ ચકનાચૂર થઈ જાય તેવું શક્તિ પ્રદર્શન આજે ભાજપ દ્વારા કરવામા આવ્યું છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં આંખે ઉડીને વળગે તેવી હાજરી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની રહી હતી. અમિત શાહે પોતાના સંબોધનમાં લોકોને ભાજપને જંગી જીત અપાવવાની અપીલ કરી હતી. પણ તેમની સ્પીચમાં તેમણે એલ.કે.અડવાણીનો બે વાર ઉલ્લેખ કર્યો હતો. જેનુ પત્તુ કાપીને અમિત શાહ આજે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, તેમનો જ ઉલ્લેખ સભાને સંબોધન વખતે કર્યો હતો.
તેમણે અડવાણીનું નામ લેતા કહ્યું કે, જે પણ મેં પ્રાપ્ત કર્યું, જે પણ કંઈ શીખ્યું તે બધુ જ ભાજપાની દેણ છે. ગાંધીનગરની સીટ પર શ્રીમાન લાલકૃષ્ણ અડવાણી લાંબા સમય સુધી સાંસદ રહ્યા હતા. અટલજી પણ આ જ વિસ્તારમાંથી સાંસદ રહ્યાં. તે વિસ્તારમાંથી મારુ સૌભાગ્ય છે કે આ જ સીટ પરથી હું ઉમેદવાર બનવા જઈ રહ્યો છું. તેમણે અન્ય વાતમાં કહ્યું કે, અડવાણીજીની વિરાસતને હું વિનમ્રતાથી અને પ્રયાસોથી આગળ વધારવા માંગીશ.
ભાજપે આ વખતે માત્ર લાલકૃષ્ણ અડવાણીનું જ પત્તુ નથી કાપ્યું, પરંતુ અન્ય વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું પણ સુપેરે પત્તુ કાપ્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ન લડવાની વાતનો ખુલાસો કર્યો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને ટિકીટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 1998થી સતત આ સીટ પર લાલકૃષ્ણ અડવાણીએ પ્રતિનિધિત્વ કર્યું છે. કોંગ્રેસે આ સીટ પર ભલભલા દિગ્ગજોને ઉતાર્યા છે, પણ કોઈ આ સીટ ભાજપ સાથે કોંગ્રેસની ઝોળીમાં નાખી શક્યું નથી. ગાંધીનગર બેઠકની વાત કરીએ તો આ બેઠક ભાજપનો હંમેશાથી જ ગઢ છે. 1989થી ગાંધીનગરમાં ભાજપ જીતી રહી છે. 1989માં શંકરસિંહ ભાજપ તરફથી લડીને જીત્યા હતા. સતત 9 ટર્મથી ગાંધીનગરમાં ભાજપની જીત થઈ છે. તેમાં પણ છેલ્લી 5 ટર્મથી ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી રહ્યાં છે. મોટાભાગે આ બેઠક પર રાષ્ટ્રીય નેતાઓ લડે છે. જેથી ગાંધીનગરમાં સ્થાનિક પરિબળો ગૌણ બને છે. ઘણાને ખબર નથી કે 1996માં ગાંધીનગર બેઠક પર વાજપેયીની પણ જીત થઈ હતી. પણ પછી તેમણે આ બેઠક છોડી દીધી. પેટાચૂંટણીમાં અભિનેતા રાજેશ ખન્નાને હરાવી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે