ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 33 પર પહોંચ્યો, 11,108 હોમ ક્વોરેન્ટાઈનમાં

કોરોના વાયરસના મુદ્દે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં નવા આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. લેટેસ્ટ રિપોર્ટમાં 2 સુરતના અને 2 ગાંધીનગરના કેસ સામે આવ્યા છે.  

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 33 પર પહોંચ્યો, 11,108 હોમ ક્વોરેન્ટાઈનમાં

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona virus) ના મુદ્દે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં નવા આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાત (Gujarat corona) માં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. લેટેસ્ટ રિપોર્ટમાં 2 સુરતના અને 2 ગાંધીનગરના નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદની બી.જે મેડિકલમાં 52 કેસ લેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં જે બે કેસ પોઝિટિવ આવ્યા છે, તેઓ દુબઈ ફરવા ગયેલા લોકોના કોન્ટેક્ટમાં આવ્યા હતા તેવા કેસ છે. હાલ એરપોર્ટથી આવ્યા હોય તેવા 20 હજાર લોકોની સંખ્યા છે, તો પાસપોર્ટને આધારે 27 હજાર લોકો આવ્યા હોવાની વાત છે. 104 પર ફોન આવે છે કે એવા કેસોના પણ સર્વે કરાયા છે.  

  • ગુજરાતમાં કોરોના પોઝિટિવ - 33 કેસ
  • અમદાવાદમાં - 13 કેસ 
  • ગાંધીનગર, સુરત, વડોદરા તમામ શહેરોમાં 6 કેસ 
  • કચ્છ અને રાજકોટમાં 1-1 કેસ
  • મોતનો આંકડો- 01 

Video : ઝીણામાં ઝીણી કાળજી રાખ્યા છતા અમદાવાદની આ યુવતીને થયો Corona

તેમણે મીડિયા સંબોધનમાં જણાવ્યું કે, ગઈકાલે સાડા પાંચ વાગ્યાથી બે કલાક માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી. ગુજરાત હાઈ પાવર કમિટીની બેઠક દરરોજ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં બેઠક મળશે, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. જે હેલ્થ વર્કર કોરોના વાયરસના દર્દીના સંપર્કમાં આવતા હોય છે, તેવા વર્કર્સને દવા આપવામાં આવશે. આજે સવાર સુધીમાં 10 લાખ લોકોનો સરવે કરવામાં આવ્યો છે. જેમાં કોરોના વાઇરસનો 33 કેસો સામે આવ્યા છે. જેમાં સુરતના 2 કેસ અને ગાંધીનગરના 2 કેસ છે. આમ, લોકલ ટ્રાન્ઝેક્શનના ચાર કેસો સામે આવ્યા છે.

તેમણે કહ્યું કે, ચાર સિનિયર આઈએએસ ઓફિસર પોતાની કામગીરી પોતપોતાના વિસ્તારોમાં શરૂ કરી દીધી છે. જે ફિઝિશિયન ડોક્ટરને સેવા આપવાની ઇચ્છા થાય તો તેઓ જિલ્લા કલેક્ટરને જાણ કરે તેઓની સેવા લેવામાં આવશે.
રાજ્યભરમાં વેન્ટિલેટર 609 સરકારી હોસ્પિટલોમાં છે, અન્ય 1500 જેટલા વેન્ટિલેટર છે. ગ્રાન્ટ ઇન હોસ્પિટલ અને ઈન્ડિયન મેડિકલ હોસ્પિટલના પ્રતિનિધિઓ સાંજે તેઓની સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવશે. ચાર મુખ્ય કોવિડ હોસ્પિટલ તૈયાર કરવાની ચાલુ છે. 2-3 દિવસમા હોસ્પિટલ તૈયાર થઈ જશે. આઈએમએને પણ વિનંતી કરાઈ છે. ખાનગી ડોક્ટર પણ સેવા આપવા માંગતા હોય એ કલેક્ટરનો સંપર્ક કરે. હાલ, 11,108 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. સાંજની વીડિયો કોન્ફરન્સમા કલેક્ટર સાથે સ્થાનિક ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ પણ હાજર રહેશે. ગઈકાલ સુધી 2424 લોકોએ કોવિડને લગતા ફોન કર્યા હતા. 

રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના DGP શિવાનંદ ઝાએ 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. તેમજ રાજ્યભરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગુજરાતની તમામ સરહદ પણ સીલ કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન રેલવે અને ST બસની તમામ સેવાઓ બંધ રહેશે. જીવન જરૂરિયાત સિવાયના તમામ વેપાર-ધંધા બંધ રહેશે. ઓફિસો, ફેક્ટરી, નાના ઉદ્યોગો સદંતર બંધ રહેશે. ટેક્સી, કેબ, રિક્ષા, ખાનગી બસ સેવા પણ બંધ રાખવામા આવી છે. જોકે જીવન જરૂરિયાતની ચીજ માટે પોલીસ કોઈને પણ નહિ અટકાવે. તો દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, કરિયાણું મળી રહેશે. પ્રોવિઝન સ્ટોર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલો ખુલ્લી રહેશે. ATM, પેટ્રોલ પંપ, પાણી
પુરવઠાની સેવા ચાલુ રહેશે. પોસ્ટ, કુરિયર, ખાનગી સિક્યોરિટી સેવાઓ પણ ચાલુ રહેશે. વીજળી ઉત્પાદન, મેન્ટેનન્સની સેવાઓ, મોબાઈલ તથા આઈ.ટી સંબંધિત સેવાઓ પણ શરૂ રહેશે. ટુ-વ્હીલર્સ તેમજ કારમાં 2 વ્યક્તિ જ મુસાફરી કરી શકશે. ખાનગી વાહનોની અવરજવર ઓછી કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કામ વગર ઘરની બહાર ન નીકળવા DGPએ અપીલ કરી છે. પોલીસના આદેશનું ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યની પોલીસ લોકડાઉન માટે અનેક પગલાં ભરશે અને જરૂર પડશે તો કેન્દ્ર પાસેથી વધુ ફોર્સની માંગ પણ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news