અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

કૃષિ મંત્રી આરસી ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે,એડીઆરએફના ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે

અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

હિતલ પારેખ/ગાંધીનગર :આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં અતિવૃષ્ટિ સામે ઝઝૂમી રહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશે કૃષિ મંત્રી આરસી ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે, આગામી 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદને કારણે ખેતી પાકને જે નુકસાન થયું છે, એડીઆરએફના ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવાના આદેશો આજે કેબિનેટ બેઠકમાં અપાયા છે. આગામી પંદર દિવસમાં સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર નુકસાનીવાળા તમામ ખેડૂતોને સહાયતા કરશે. આવતા બે વર્ષનો કોલ આપી દીધો છે. 116 ટકાથી વધુ વરસાદ થયો છે. ખેડૂતોના કૂવા અને બોરમાંથી પાણી છલકાયા છે. અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું છે. પરંતુ આગામી રવિ સીઝન તથા ઉનાળુ સીઝન માટે ખેડૂતો આ પાણીનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશે. આગામી બે વર્ષ માટે પહોંચી જાય તેટલું પાણી કુદરતે આપી દીધું છે.

ઈતિહાસમાં પહેલીવાર આજે અંબાજીમાં ભક્તો વગર ભાદરવી પૂનમ ઉજવાશે

આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગુજરાતમાં આ વર્ષે પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી તારાજી વિશે મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યના ખેડુતો જે રાજ્યના કૃષિ ઉત્પાદન લઈને રાજ્ય અને દેશની સેવા કરી રહ્યા છે આ વર્ષે ખરીફ સીઝન દરમિયાન સવાસો ટકા જેટલો વરસાદ થયો છે. કેટલાક વિસ્તારમાં સતત ને સતત અવિરત વરસાદ વરસ્યો છે. જેને કારણે ખેતીના પાકોને નુકસાન થયું છે. ખેડૂત આગેવાનો તથા ધારાસભ્યોની રજૂઆતો પણ આવી છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આજની કેબિનેટમાં નિર્ણય લીધો છે કે, આવતા 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં જ્યાં ઉભા પાકને વરસાદના કારણે કે પાણી ભરાવાના કારણે પાકને નુકસાન થયું છે, જ્યાં એસટીઆરએફના ધોરણો પ્રમાણે ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. સરવેની કામગીરી શરૂ કરવાના આદેશો કેબિનેટ બેઠકમાં આપવામાં આવ્યા છે. એ પ્રમાણે આગામી 15 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી અહેવાલ આવ્યા પછી જે નુકસાન થયું છે બધાને સહાયતા કરશે.

તેઓએ વધુમાં કહ્યું કે, આવતા બે વર્ષ માટે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ચારેબાજુથી પાણી આવ્યું છે. કેટલાક લોકો ખેડૂતોને ગુમરાહ કરતા હોય તો રાજ્ય સરકાર વતી વિનંતી કરું છું કે કોઈ તમને ગેરમાર્ગે દોરતું હોય તો દોરવાશો નહિ. આ વર્ષે પણ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેની સંપૂર્ણ ગંભીરતાથી રાજ્ય સરકારે નોંધ લીધી છે. આવતા દિવસોમાં પણ ખેડૂતોની પડખે ઊભા રહીશું. થોડા મંહદ અંશે સમગ્ર રાજ્યમાં નુકસાન થયું છે. 

કૃષિ મંત્રીનું મૌન
ગુજરાત સરકારે હાલ સરવેના આદેશ આપ્યા છે ત્યારે વિવિધ સંગઠનો તરફથી પણ ચૂકવણી બાબતે રજુઆત કરવામાં આવી છે. જોકે, કૃષિ મંત્રીએ રાજ્યમાં હાલ નુકસાનીના પ્રાથમિક અંદાજ બાબતે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી ચૂકવણી બાબતે બોલવાનું ટાળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news