હાર્દિક પટેલને લાફો મારનાર યુવકને નગ્ન કરી ઢોર માર માર્યો, પોલીસે માંડમાંડ છોડાવ્યો

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલને સુરેન્દ્રનગરના વઢવાણની સભામાં એક યુવકે લાફો ઝીંકી દીધો હતો. જેના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુવકની ધોલાઈ કરી હતી. 

Updated By: Apr 19, 2019, 12:15 PM IST
હાર્દિક પટેલને લાફો મારનાર યુવકને નગ્ન કરી ઢોર માર માર્યો, પોલીસે માંડમાંડ છોડાવ્યો

સુરેન્દ્રનગર :કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને તેની સભામાં લાફો મારવાની ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલને સુરેન્દ્રનગરના વઢવાણની સભામાં એક યુવકે લાફો ઝીંકી દીધો હતો. જેના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુવકની ધોલાઈ કરી હતી. 

બન્યુ એમ હતું કે, હાર્દિક પટેલ આજે સુરેન્દ્ર નગરના વઢવાણમાં જાહેર સભાને સંબોધી રહ્યો હતો. ત્યારે અચાનક એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિક પટેલના જમણા ગાલ પર તમાચો માર્યો હતો. આ ઘટનાથી હાર્દિક પટેલ પહેલા તો એકદમ ડઘાઈ ગયો હતો, પણ બાદમાં બધાએ યુવકને પકડી લીધો હતો. આ બાદ યુવક અને લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી. ઘટના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ તેને સાઈડ પર લઈ ગયા હતા. આ યુવકને સભામાં પાછળ લઈ જઈને ઢોર માર મરાયો હતો. યુવકને એટલી હદે માર મરાયો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા, અને તે નગ્ન અવસ્થામાં આવી ગયો હતો. તેને નગ્ન અવસ્થામાં જ પોલીસની ગાડીમા બેસાડાયો હતો. 

ત્યારે હાર્દિક પટેલને લાફો મારનાર યુવકનું નામ પણ સામે આવ્યુ છે. કડીના જેસલપુરના રહેવાસી યુવક તરુણ મિસ્ત્રીએ હાર્દિક પટેલને તમાચો માર્યો છે. આ ઘટના સભામા હાજર લોકોએ યુવકને પકડીને તેની ધોલાઈ કરી હતી. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસની હાજરી હોવાછતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો.