લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં સરેરાશ 62.36 ટકા મતદાન-ચૂંટણી કમિશનર
રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન બદલ મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રજાનો આભાર માનવાની સાથે જણાવ્યું કે, દિવસ દરમિયાન પંચને કુલ 43 ફરિયાદ મળી છે અને અમદાવાદમાં સૌથી વધુ 11 ફરિયાદ મળી છે
Trending Photos
ગાંધીનગરઃ મતદાન પૂર્ણ થયા બાદ મોડી સાંજે ગુજરાતના મુખ્ય ચુંટણી કમિશનર એસ. મુરલીક્રિશ્નાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે સવારે 7.00 કલાકે રાજ્યની 26 લોકસભા બેઠક અને વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાં નાની-મોટી ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું છે. રાજ્યમાં મોડી સાંજ સુધીમાં કુલ 62.36 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. દિવસ દરમિયાન ચૂંટણી પંચને કુલ 43 ફરિયાદ મળી છે.
રાજ્યમાં મતદાનની ટકાવારી
સમય ટકા
9.00 am 10.32
11.00 am 24.87
01.00 pm 39.34
03.00 pm 50.36
05.00 pm 58.95
05.30 pm 62.36
મુખ્ય ચૂંટણી અધિકારી મુરલીક્રિશ્નાએ વધુમાં જણાવ્યું કે,રાજ્યના મોટાભાગના મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ મતદાન ચાલુ છે. રાજ્યમાં મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે ચૂંટણી કમિશનરે પોલીસ તંત્ર, મીડિયા, સરકારી વિભાગો સહિત પ્રજાનો આભાર માન્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, દિવસ દરમિયાન ચૂંટણી પંચને 43 ફરિયાદ મળી છે. અમદાવાદમાં સૌથી વધુ 11 ફરિયાદ છે, જૂનાગઢમાં 5, અમરેલીમાં 4, દાહોદમાં 3 અને અન્ય સ્થળોએ એક-બે ફરિયાદો મળી છે. ચૂંટણી પંચને મીડિયા, વોટ્સએપ અને વિવિધ પ્રકારે ફરિયાદો મળી છે, જેનો આગામી દિવસોમાં નિકાલ કરવામાં આવશે.
વેબકાસ્ટિંગનું પરફોર્મન્સ 99 ટકા જેટલું રહ્યું હતું. દેશના 4,500 મતદાન મથકોનું દિલ્હી અને રાજ્ય સ્તરે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. અનેક ફરિયાદોનો લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા ચકાસણી કરીને નિકાલ કરવામાં આવ્યો છે.
મતદારોને મત આપતાં રોકવાનો વાયરલ વીડિયો વોટ્સએપ મારફતે અમને મળ્યો હતો. જેની પોલીસ અધિકારી પાસે અમે તપાસ કરાવી છે અને પોલીસે આ બાબતે કાર્યવાહી કરી લીધી છે. ડાંગમાં બે ગામનો રિપોર્ટ આવ્યો હતો. એક ગામમાં તો સમજાવીને મતદાન શરૂ કરી દેવાયું હતું અને એક ગામમાં સાંજે 5.00 કલાક સુધી મતદાન શરૂ થયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે