EVM-VVPAT મશીન અંગે પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, વિપક્ષને ઝટકો
દેશના 21 વિરોધ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેમાં EVMની 50 ટકા VVPAT સાથે ચેક કરીને મતગણતરી કરવાની માગ કરાઈ હતી, સુપ્રીમ કોર્ટે અગાઉ પણ આ અંગે આદેશ આપ્યો હતો અને હવે ફરીથી તેણે પોતાના આદેશમાં ફેરફાર કરવાનો ઈનકાર કરી દીધો છે
Trending Photos
નવી દિલ્હીઃ EVM મશીનમાં નાખવામાં આવેલા મતના 50 ટકાને VVPAT સાથે ચેક કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશમાં ફેરફાર કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ઈવીએમ અને વીવીપીએટી મશીનને ચેક કરવાની સંખ્યા વધારવાનો ઈનકાર કરી દીધો છે. કોંગ્રેસ, ટીડીપી સહિત 21 વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે પુનર્વિચારણા માટે અરજી કરી હતી, જેને આજે સુપ્રીમે ફગાવી દીધી છે.
સુનાવણી દરમિયાન વિરોધ પક્ષ તરપથી ચંદ્રાબાબુ નાયડુ, ડી. રાજા, સંજય સિંહ અને ફારુક અબ્દુલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજીને ફગાવી દેતા મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, કોર્ટ આ કેસની સુનાવણી વારંવાર શા માટે કરે? તેમણે કહ્યું કે, કોર્ટ આ કેસમાં હસ્તક્ષેપ કરવા માગતી નથી.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને કરવામાં આવેલી આ અરજીની સુનાવણીના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે દરેક વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ બૂથના ઈવીએમ અને વીવીપીએટી મશીનની ચિઠ્ઠીના મતને ચેક કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે સુપ્રીમના આ આદેશને સ્વીકારી પણ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણી ક્ષેત્રમાંથી 5 વીવીપીએટી મશીનનું ઈવીએમમાં નાખવામાં આવેલા મત સાથે સરખામણી કરવી જોઈએ. આ અગાઉ માત્ર એક જ વીવીપીએટી મશીનની સરખામણી કરવામાં આવતી હતી.
દરેક વિધાનસભા ક્ષેત્રમાં 5 EVM ચેક કરાશે
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ચૂંટણી પંચ 4125 EVM અને VVPAT મશીનમાં નાખવામાં આવેલા વોટને સરખાવતું હતું. જે હવે સુપ્રીમ કોર્ટના આદેશ પછી વધીને 20,625 EVM અને VVPAT મશીનના વોટને સરખાવવાના રહેશે. આ અગાઉ દરેક વિધાનસભા ક્ષેત્રમાં માત્ર એક જ બૂથના EVMને VVPAT મશીન સાથે સરખાવાતા હતા. સુપ્રીમ કોર્ટે 21 વિરોધ પક્ષોની અરજી પછી દરેક વિધાનસભા ક્ષેત્રમાં 5 ઈવીએમ મશીન ચેક કરવાનો આદેશ આપ્યો હતો.
કયા-કયા પક્ષોએ કરી હતી અરજી
સુપ્રીમ કોર્ટમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ (TDP), શરદ પવાર (NCP), ફારુક અબ્દુલ્લા (NC), શરદ યાદવ (LJD), અરવિંદ કેજરીવાલ (AAP), અખિલેશ યાદવ (SP), ડેરેક ઓબ્રાયન (TMC) અને એમ.કે. સ્ટાલિન(DMK) તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં તેમણે કોર્ટને આગ્રહ કર્યો હતો કે, લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થાય તે પહેલા 50 ટકા પરિણામને VVPAT મશીન સાથે સરખાવવા જોઈએ અથવા તો બીજી વખત ચેક કરવા જોઈએ.
શું છે વિરોધ પક્ષનો આરોપ?
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના અધ્યક્ષ એન. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું છે કે, "દુનિયાના 191 દેશમાંથી માત્ર 18 દેશમાં જ EVM મશીન અપનાવાયા છે. જેમાંથી 3 દેશ દુનિયાના સૌથી વધુ વસતી ધરાવતા 10 દેશની યાદીમાં સામેલ છે. ઈવીએમ સાથે છેડછાડ કરી શકાય છે કે પછી તેમાં ગરપડ પણ કરી શકાય છે. આ ઉપરાંત તેનું પ્રોગ્રામિંગ પણ કરી શકાય છે."
ચંદ્રાબાબુએ માગ કરી હતી કે, નવા VVPAT મશીમાં વોટર સ્લિપ માત્ર 3 સેકન્ડમાં કેવી રીતે જોઈ શકાય. તેને 7 સેકન્ડ દેખાય તે પ્રમાણે ગોઠવવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ ઈવીએમ સાથે છેડછાડ કરીને વોટ મેળવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે