અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો, એરપોર્ટ પર આવેલા મુસાફરો અટવાયા
Trending Photos
- અમદાવાદ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે. પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે.
- મધ્ય પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના લોકો રોજગાર માટે ગાંધીધામ અને કચ્છ જવાના હતા, પરંતું અમદાવાદમા કરફ્યૂ લાગતાં ફસાયા
આશ્કા જાની/અમદાવાદ :ગઈકાલ રાતથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં 57 કલાકનો કરફ્યુ (curfew) લગાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવેલા મુસાફરોને અમદાવાદના જ વિસ્તારમાં જવા માટે ટેક્સી ચાલકો અને કેબ સર્વિસધારકો 500થી 1000 રૂપિયા પડાવી રહ્યા છે. મુસાફરોને એક એક કલાક સુધી રાહ જોવી પડે છે. મોટી સંખ્યામાં મુસાફરો બેસી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે.
આ પણ વાંચો : કરફ્યૂમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ હોવાની વાત અફવા નીકળી
એરપોર્ટ પર મુસાફરો અટવાયા
અમદાવાદ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે. પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે. મન ફાવે તેમ ભાડા માંગી રહ્યા છે. વહેલી સવારે આવેલી ફ્લાઇટના મુસાફરો BRTS બસમાં પણ જવું પડ્યું હતું. એરપોર્ટ પર મુકવામાં આવેલી BRTSમાં ગત મોડી રાતે 8થી સવારે 4 વાગ્યા સુધીમાં 9 ટ્રીપ અને 74 પેસેન્જર મળ્યા હતા. આજે સવારે 4થી બપોરે 11.30 સુધીમાં 9 ટ્રીપમાં 185 પેસેન્જર મળ્યાં છે.
અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ
અમદાવાદ શહેરમાં કરફ્યુનો કડક અમલ થઈ રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમા જડબેસલાક બંધ છે. તો કેટલાક વિસ્તારોમાં નજીવી ચહલપહલ જોવા મળી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન બહાર amts બસનો ખડકલો જોવા મળ્યો. બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. 17 થી વધુ રૂટ પર 150 થી વધુ બસ મૂકાઈ છે.
પોલીસનો કાફલો અમદાવાદના રસ્તા પર ઉતર્યો
અમદાવાદ શહેર માં 57 કલાકના કરફ્યૂનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તા પર પોલીસ દ્વારા ફરફ્યૂનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનો કાફલો અમદાવાદના રસ્તા પર ઉતારવામાં આવ્યો છે. પહેલા પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવે છે અને ત્યાર બાદ જો ન માને તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ અમદાવાદમાં આવેલા પરપ્રાંતિય મજૂરો કરફ્યૂમાં ફસાયા છે. મધ્ય પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના લોકો રોજગાર માટે ગાંધીધામ અને કચ્છ જવાના હતા, પરંતું અમદાવાદમા કરફ્યૂ લાગતાં ફસાયા હતા. સરખેજ ચોકડી ખાતે તમામ મજૂરો એકઠા થયા હતા. અમદાવાદથી કોઇ બસ ઉપડતી ન હોવાથી અને કોઇ પ્રાઇવેટ વાહન હાલ ચાલુ ન હોવાથી મજૂરોને નીકળવામાં પારાવાર મુશ્કેલી પડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે