ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ મોડું આવી શકે છે, જુઓ શું કહ્યું મુખ્ય ચૂંટણી અધિકારીએ...
ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણીનું પરિણામ 3થી 4 કલાક મોડુ આવે તેવી પણ ચૂંટણી પંચે શક્યતા વ્યક્ત કરી છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :આવતીકાલે ગુજરાતની 26 બેઠકો પર શું પરિણામ આવશે, કોના નસીબમાં હારજીત લખાઈ છે, કોણ બનાવશે સરકાર એવા વિવિધ સવાલોના જવાબ આવતીકાલે મળશે. ત્યારે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણીનું પરિણામ 3થી 4 કલાક મોડુ આવે તેવી પણ ચૂંટણી પંચે શક્યતા વ્યક્ત કરી છે.
ગીરનો નાગરાજ હવે ભૂતકાળ બન્યો, મિત્ર વગર જંગલમાં એકલા પડેલા સિંહનું મોત
મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્ણાએ કહ્યું કે, વિધાનસભા દીઠ 5 વીવીપેટની ગણતરી કરવાની હોવાના કારણે ત્રણથી ચાર કલાક પરિણામ મોડું જાહેર થાય તેવી સંભાવનાઓ છે. ઈવીએમ અને વીવીપેટના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. ઇવીએમની સુરક્ષા સુનિશ્ચિત કરી દેવામાં આવી હોવાનો પણ ચૂંટણી પંચે દાવો કર્યો છે. તમામ મતગણતરી હોલમાં અને સ્ટોર રૂમની બહાર સીસીટીવીથી સજ્જ છે. મતગણતરીનું કોઈપણ જાતનું વેબકાસ્ટિંગ નહીં થાય. આમ પ્રજાજનો લોકસભાની ચૂંટણીના પરીણામો જાણી શકે એ માટે ખાસ મોબાઈલ એપ પર રિયલ ટાઇમ પરિણામ જાણી શકાશે.
તો બીજી તરફ, મતગણતરીની તૈયારીઓને લઈને અમદાવાદના કલેકટર ડૉ વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. ગુરુવારે સવારે 8 કલાકે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાશે. જેમાં પોસ્ટલ બેલેટ બાદ ઇવીએમની ગણતરી કરવામાં આવશે. મતગણતરી જે રૂમમાં કરાશે ત્યાં CCTV લગાડાશે. સાથે જ શહેરમાં AMCના LED પર રિઝલ્ટ બતાવાશે. કાઉન્ટર સેન્ટરના 100 મીટરની આજુબાજુમાંથી વાહન વ્યવહાર બંધ રહશે. અમરાઇવાડીમાં 19 રાઉન્ડ અને દરિયાપુરમાં ઓછામાં ઓછા 13 રાઉન્ડ દરિયાપુરમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, કુલ 18 સેન્ટર પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જ્યાં દરેક સેન્ટર પર વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ હશે. લોકસભા તથા 4 વિધાનસભાની પેટાચૂંટણીની ગણતરી માટે 41 નિરિક્ષકો રહેશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે અને વિધાનસભા પેટાચૂંટણી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. તેમજ દરેક સેન્ટર પર કાઉન્ટર આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણીને લઇને રાજ્યમાં કુલ 2548 કાઉન્ટિંગ સુપરવાઈઝર કાર્યરત રહેશે અને 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ મતગણતરી માટે હાજર રહેશે. તો મતગણતરી કેન્દ્રની સુરક્ષાને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટ ગણવા માટે સમગ્ર રાજ્યમાં સુપરવાઈઝર, આસિસ્ટન્ટ, માઈક્રો ઓર્બ્ઝર્વર મળીને 309નો સ્ટાફ મૂકાયો છે. કોઈપણ વ્યક્તિ સેન્ટર પર મોબાઈલ નહીં લઈ જઈ શકે અને ઉમેદવાર તેમજ સુરક્ષાકર્મી પણ મોબાઈલ નહીં રાખી શકે. કાયદાના પાલન માટે ત્રિસ્તરીય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે