વિધાનસભા : ચોમાસું સત્ર માટે તમામ ધારાસભ્ય અને મંત્રીઓના કોરોના ટેસ્ટ શરૂ
Trending Photos
- જો કોઇ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડાશે
-
ગુજરાત વિધાનસભા શાસક પક્ષના સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતી બેઠક વ્યવસ્થા એક ખુરશી છોડી બીજી ખુરશી પર બેસવાની વ્યવસ્થા કરાઈ
ગૌરવ પટેલ/ગાંધીનગર :આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. 21 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ચોમાસુ સત્ર મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, વિશિષ્ટ સંજોગો વચ્ચે વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. ગુજરાત વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યો અને મંત્રીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તમામ નેતાઓના રેપિડ ટેસ્ટ કરાશે. કોરોના ટેસ્ટ માટે કુલ છ ટીમ ફાળવવામાં આવી છે. ભાજપાના ધારાસભ્યો અને મંત્રીઓ માટે ૪ અને કોંગ્રેસના ધારાસભ્યોના ટેસ્ટ માટે ૨ ટીમ ફાળવાઇ છે.
આજે તમામ ધારાસભ્યોના ટેસ્ટ કરાશે
આજે બંને પક્ષના ધારાસભ્ય દળની બેઠક પહેલા ટેસ્ટ કરાશે. આમાં જો કોઇ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડાશે. જો કોઇ ધારાસભ્ય કોરોના ટેસ્ટ કરાવવાની અનિચ્છા દર્શાવે તો તેનો ટેસ્ટ કરાશે નહિ તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દરેક ખુરશી પર પટ્ટી લગાવાશે
નાયબ સચિવ એબી કરોવાએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભા શાસક પક્ષના સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતી બેઠક વ્યવસ્થા એક ખુરશી છોડી બીજી ખુરશી પર બેસવાની
વ્યવસ્થા કરાઈ છે. એક ખુરશી પર પટ્ટી લગાડવામાં આવશે. ખુરશી ખૂલે નહિ તે રીતે ફીક્સ કરવામાં આવી છે.
ઉલ્લેખીય છે કે, ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. 5 દિવસના સત્રમાં 20 બિલો પર ચર્ચાનો નિર્ણય કરાયો છે. હાલના સમયે કોરોના વિશ્વ વ્યાપી પ્રશ્ન છે, તેથી પ્રથમ દિવસે કોરોના બાબતે અઢી કલાક ચર્ચા થશે. 20 બિલ અને સંકલ્પ વગેરે પર કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય થયો છે. પવિત્ર યાત્રા ધામ અંબાજીમાં વધુ સ્વચ્છ અને નોટિફાઇડ બિલ પણ સત્ર દરમિયાન લાવવામાં આવશે.
આ નિયમો પણ પાળવામાં આવશે
- આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
- કુલ 171 ધારાસભ્ય છે. જેમાથી 92 ધારાસભ્ય નીચે હશે. તો 79 ધારાસભ્યોને ગેલેરીમાં સ્થાન અપાશે.
- પહેલી વાર ચોમાસુ સત્રમાં કોઈ પણ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ અપાય.
- આ વખતે કોઈ પણ લોકો વિધાનસભા જોવા નહિ આવી શકે. એવા સંજોગોમાં મુલાકાતીઓને સ્પીકર ગેલેરી મનાઈ ફરમાવાઈ છે.
- ધારાસભ્યોના ડ્રાઈવર કે અન્ય કોઈ અંગત વ્યક્તિને પણ અંદર પ્રવેશ નહિ અપાય.
- 2 અલગ અલગ દ્વારમા પ્રવેશ થઈ શકશે. અધિકારીઓ ધારાસભ્ય અને પત્રકારોને જ પ્રવેશ મળશે.
- વિધાનસભામાં અંદર 25 પત્રકારો બેસી શકશે. પત્રકારો માટે અલગ વ્યવસ્થા કરી છે, જેની જવાબદારી માહિતી વિભાગને સોંપાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે