લોકસભા-2019: નનામી બની ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યો શખ્સ, કરી અનોખી માગ
'નનામી' બનીને ચેમ્બરમાં ઘુસી આવેલા શખ્સને જોઈને ચૂંટણી અધિકારી પણ એક સમય માટે સ્તબ્ધ થઈ ગયા હતા, ત્યાર પછી તેમને ખબર પડી કે, વડોદરાના એક સામાજિક કાર્યકર NOTAના પ્રચાર-પ્રસાર માટે આવેદનપત્ર આવ્યા છે
Trending Photos
રવી અગ્રવાલ/ વડોદરાઃ વડોદરા શહેરમાં આજે એક અનોખી ઘટના બની ગઈ હતી. એક સામાજિક કાર્યકર 'નનામી' બનીને કેટલાક ડાઘુઓ સાથે સીધો જ ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ઘુસી ગયો હતો. આ જોઈને ચૂંટણી અધિકારી પણ એક સમય માટે સ્તબ્ધ બની ગયા હતા. ત્યાર બાદ જ્યારે પેલા શખ્સે તેમને અધિકારીના હાથમાં આવેદનપત્ર આપ્યું ત્યારે તેમને સમજાયું કે, આ ભાઈ તો NOTAના પ્રચાર-પ્રસારની વિનંતી કરવા આવ્યા છે.
વડોદરા શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ NOTA માટેનું આવદનપત્ર આપવા માટે અનોખી રીત પસંદ કરી હતી. શહેરમાં ચૂંટણી તંત્ર દ્વારા NOTAનો પ્રચાર-પ્રસાર કરવામાં ન આવતા તેઓ નારાજ થયા હતા. આથી, તેમણે આજે 'નનામી'ની વેશભૂષા ધારણ કરીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું. નનામી બનેલી હાલતમાં તેઓ જિલ્લા ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ધસી જતાં, ચૂંટણી અધિકારી સામાજિક કાર્યકરની વેશભૂષા જોઇ આવાક બની ગયા હતા.
નનામી બનીને કલેક્ટર કચેરીમાં ગયેલા સામાજિક કાર્યકરે ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેઓ સાથે અન્ય કાર્યકરો સંજેશ ડોદકદિવે, મહેશ રાવળ વિગેરે જોડાયા હતા. તેમણે ચૂંટણી અધિકારીને કહ્યું કે, અમે NOTAના પ્રચાર-પ્રસારની રજૂઆત કરવા આવ્યા છીએ. ત્યારે ચૂંટણી અધિકારીને હાશકારો થયો હતો. આ સાથે જ તેમણે અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે, NOTA મત નકારાત્મક નહિં, પરંતુ, હકારાત્મક છે. મતદાર ઉમેદવાર પસંદ ન હોવાથી નોટા બટનનો ઉપયોગ કરે છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની જાગૃતિ સાથે નોટાનો પ્રચાર-પ્રસાર પણ કરવો જોઇએ. નોટા પ્રચાર-પ્રસાર માટે અલાયદુ ફંડ ફાળવવામાં આવેલું છે. આથી નોટાનો પ્રચાર કરવા આજે મેં રજૂઆત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે