લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધીએ જૂનાગઢમાં ખેડૂતો, માછીમારો માટે કરી મોટી વાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સાંજે જૂનાગઢના વંથલીમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ખેડૂતો અને યુવાનો માટે કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં 'ન્યાય' યોજના વિશે લોકોને સાદી સમજ પૂરી પાડી હતી અને સાથે જ ખેડૂતો માટે અલગ બજેટ અને માછીમારો અલગ મંત્રાલય શરૂ કરવાનું તેમણે વચન આપ્યું હતું
 

લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધીએ જૂનાગઢમાં ખેડૂતો, માછીમારો માટે કરી મોટી વાત

વંથલી(જૂનાગઢ): કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જૂનાગઢના લોકસભાના ઉમેદવાર પૂંજાભાઈ વંશ, પોરબંદરના લોકસભાના ઉમેદવાર લલિત વસોયા અને માણવદર પેટા ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના અરવિંદ લાડાણીની તરફેણમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કેન્દ્રની મોદી સરકારને આડેહાથ લેતા તેના પર અનેક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી જે 'ચોકીદાર'ની સરકાર છે તેના જ મુખ્યમંત્રી કબુલે છે કે તેમના રાજ્યમાં કેટલાક ખાતા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. 

રાહુલ ગાંધીએ રાજ્યમાં ભ્રષ્ટાચાર અંગે જણાવ્યું કે, "ગુજરાતના મુખ્યમંત્રીએ ખુદ કબુલાત કરી છે કે, રાજ્યમાં 25 વર્ષ પહેલા ઓછો ભ્રષ્ટાચાર હતો. આજે ભ્રષ્ટાચાર ઘણો વધી ગયો છે. પરંતુ તેમણે તમને ભ્રષ્ટાચારનું સાચું કારણ જણાવ્યું નહીં. તેમણે તમને એ ન જણાવ્યું કે, આજે હિન્દુસ્તાનના વડાપ્રધાન 'ચોકીદાર જ ચોર' બની ગયા છે. મુખ્યમંત્રીએ સત્ય ઉઘાડું પાડી દીધું છે."

રાહુલ ગાંધીના સંબોધનની મહત્વની બાબતો...
- દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે અલગ બજેટ બનાવવામાં આવશે. 

- દિલ્હીમાં કોંગ્રેસની સરાકર બનશે તો પાંચ પ્રકારનો જે જીએસટી છે તેને દૂર કરીને એક જ જીએસટીનો દર લાગુ કરાશે. 

- યુવાનોએ નવો ઉદ્યોગ-ધંધો શરૂ કરવા માટે ત્રણ વર્ષ સુધી મંજૂરી લેવાની કોઈ જરૂર રહેશે નહીં. 

- ખેડૂતો માટે એક અલગ કાયદો બનાવવામાં આવશે અને તેમણે દેવું ન ચૂકવી શકવાની સ્થિતિમાં જેલમાં જવું નહીં પડે. 

- દરેક ગરીબના ખાતામાં દર વર્ષે રૂ.72,000 જમા કરવામાં આવશે. 

- માછીમારો માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવશે અને તેમની તમામ સમસ્યાઓનો ઝડપી નિકાલ કરાશે. 

- સરકારમાં જે 22 લાખ પદો ખાલી છે, તેમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ ભરતી કરવામાં આવશે. 

- કોંગ્રેસ ગરીબી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરશે અને દેશમાંથી ગરીબી નાબૂદ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news