EVM મુદ્દે વિપક્ષી દળોના ધમપછાડા, મતગણતરી અગાઉ ચૂંટણી પંચ પાસે કરી 'આ' માગણી
લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે અગાઉ જ એક્ઝિટ પોલે વિરોધ પક્ષોની ઊંઘ હરામ કરી નાખી છે. વિરોધ પક્ષના નેતાઓ આજે ઈવીએમ અને VVPAT મુદ્દે ચૂંટણી પંચ પહોંચ્યાં.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે અગાઉ જ એક્ઝિટ પોલે વિરોધ પક્ષોની ઊંઘ હરામ કરી નાખી છે. વિરોધ પક્ષના નેતાઓ આજે ઈવીએમ અને VVPAT મુદ્દે ચૂંટણી પંચ પહોંચ્યાં. કોંગ્રેસ, એસપી, બીએસપી, તૃણમૂલ કોંગ્રેસ સહિત પ્રમુખ વિરોધ પક્ષોના નેતાઓએ આજે ચૂંટણી પંચમાં જઈને આગ્રહ કર્યો કે મતગણતરી અગાઉ રેન્ડમલી કોઈ પોલીંગ સ્ટેશન પસંદ કરીને VVPAT ચીઠ્ઠીઓની તપાસ કરવામાં આવે. આ બાજુ ચૂંટણી પંચે નિવેદન બહાર પાડીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલી ઈવીએમની સુરક્ષાને લઈને વ્યક્ત કરવામાં આવી રહેલી તમામ આશંકાઓને ફગાવી છે.
વિપક્ષી દળોએ કહ્યું છે કે જો કોઈ એક બૂથ ઉપર પણ VVPAT ચીઠ્ઠીઓ મેળ ન ખાય તો સંબંધિત વિધાનસભા વિસ્તારમાં તમામ મતદાન કેન્દ્રોની વીવીપીએટ ચીઠ્ઠીઓની ગણતરી કરવામાં આવે અને તેને ઈવીએમ રિઝલ્ટ્સ સાથે મેળવવામાં આવે. ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પત્રકારોને કહ્યું કે "અમે માગણી કરી છે કે VVPAT ચીઠ્ઠીઓને મતગણતરી અગાઉ મેચ કરવામાં આવે અને જો કોઈ ભૂલ થાય તો તે વિસ્તારમાં તમામની ગણતરી થવી જોઈએ."
સ્ટ્રોંગ રૂમ્સમાં ઈવીએમ સુરક્ષિત-ચૂંટણી પંચ
આ બાજુ ચૂંટણી નિવેદન બહાર પાડીને કહ્યું કે સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેની સાથે જ પંચે ચૂંટણીઓમાં વપરાયેલા વોટિંગ મશીનોની અદલાબદલીની આશંકાઓ અને આરોપોને ફગાવી દીધા છે. વાત જાણે એમ છે કે ઈવીએમને કથિત રીતે આમ તેમ લઈ જવાના અને તે મશીનો સાથે છેડછાડના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પ્રદર્શનો થવા લાગ્યા હતાં. જો કે ચૂંટણી પંચે આવા આરોપને ફગાવ્યાં હતાં. પંચે કહ્યું કે તેઓ સ્પષ્ટ કરવા માગે છે કે આવા રિપોર્ટ્સ સંપૂર્ણ રીતે ખોટા અને જૂઠ્ઠા છે.
જુઓ LIVE TV
24x7 સુરક્ષા, સતત થઈ રહ્યું છે રેકોર્ડિંગ
પંચે પોતાના નિવેદનમાં કહ્યું કે મતદાન પૂરું થયા બાદ તમામ ઈવીએમ અને VVPATs મશીનોને કડક સુરક્ષામાં સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાયા હતાં જેને ડબલ લોક્સથી સીલ કરાયા અને આ દરમિયાન ઉમેદવારો સાથે ચૂંટણી પંચના પર્યવેક્ષક પણ હાજર હતાં. ઈસીના જણાવ્યાં મુજબ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી થઈ છે અને કાઉન્ટિંગ પૂરી થવા સુધી સતત CCTV કવરેજ ચાલુ રહેશે. દરેક સ્ટ્રોંગ રૂમની સુરક્ષા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો કરી રહ્યાં છે. આ સાથે જ સ્ટ્રોંગરૂમ પર ઉમેદવારો કે તેમના પ્રતિનિધિ 24x7 નિગરાણી કરી રહ્યાં છે.
વિપક્ષી દળોએ કરી બેઠક
આ અગાઉ વિપક્ષના નેતાઓએ કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં બેઠક યોજી. વિપક્ષી નેતાઓની બેઠકમાં કોંગ્રેસના અહેમદ પટેલ, અશોક ગેહલોત, ગુલામનબી આઝાદ, અને અભિષેક મનુ સિંઘવી, માકપાથી સીતારામ યેચુરી, તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન, ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ, સપાના રામગોપાલ યાદવ, બસપામાંથી સતીષચંદ્ર મિશ્રા અને દાનિશ અલી, ડીએમકેના કનિમોઈ, આરજેડીના મનોજ ઝા, એનસીપીના પ્રફુલ્લ પટેલ અને માઝિદ મેમણ તથા અન્ય પાર્ટીઓના નેતાઓ પણ સામેલ થયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે